ફાઈબરથી સમૃદ્ધ આહાર આપણા જઠરમાં પ્લાસ્ટિક્સને એકઠું થતાં અટકાવી શકે

Saturday 28th November 2026 04:47 EST
 
 

આજકાલ પ્લાસ્ટિક્સનાં વપરાશનું ચલણ વધી રહ્યું છે ત્યારે અતિ સુક્ષ્મ એટલે કે માઈક્રોપ્લાસ્ટિક્સ આપણા આંતરડા, જઠર અને મગજમાં પહોંચવાનું જોખમ વધ્યું છે. માઈક્રોપ્લાસ્ટિક્સ એટલી હદે ખતરનાક છે કે માત્ર શ્વાચ્છવાસ થકી પણ તે મગજમાં પહોંચી જાય છે. પ્રાણી મોડેલ્સ કરાયેલાં સંશોધન અનુસાર ખોરાકમાં દાળ, ચણા અને ઓટ્સ વધુ પ્રમાણમાં લેવામાં આવે તો શરીરની સિસ્ટમમાંથી માઈક્રોપ્લાસ્ટિક્સને બહાર ફેંકી શકાય છે. રેસાં કે ફાઈબરથી સમૃદ્ધ આહાર આપણા જઠરમાં પ્લાસ્ટિક્સને એકઠું થતાં અટકાવી શકે છે.
સાઉથ ચાઈના યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી ખાતે કરાયેલાં સંશોધનો અનુસાર હાઈ ફાઈબર આહાર લેવાથી જઠર અને આંતરડામાંથી માઈક્રોપ્લાસ્ટિક્સ અને નેનોપ્લાસ્ટિક્સ બહાર ફેંકાઈ શરીરને રક્ષણ મળે છે. લેબોરેટરીમાં ઊંદરો પર કરાયેલા પ્રયોગોથી જાણવા મળ્યું હતું કે આહારમાં પ્રાપ્ત ફાઈબર ડાઈજેસ્ટિવ ટ્રેકમાં પ્લાસ્ટિકના કણોને જકડી લે છે અને ટિસ્યુઝને નુકસાન થતું અટકાવે છે. જોકે, માનવીમાં પણ ફાઈબર થકી આવાં જ પરિણામો પ્રાપ્ત થાય છે કે કેમ તે સાબિત કરવા વધુ ક્લિનિકલ અભ્યાસો જરૂરી બનશે. વાસ્તવિકતા એ પણ છે કે ફાઈબરથી સમૃદ્ધ આહાર માઈક્રોપ્લાસ્ટિક્સને શરીરમાંથી બહાર ફેંકતો ન હોય તો પણ સમગ્રતયા આરોગ્ય માટે તે લાભકારી હોવાનું તો પુરવાર થયેલું જ છે.
માઈક્રોપ્લાસ્ટિક્સ અને નેનોપ્લાસ્ટિક્સ ‘ફોરએવર કેમિકલ્સ’ તરીકે ઓળખાય છે અને તેમનું મોલેક્યુલર બંધારણ એવું છે કે પર્યાવરણ અથવા માનવશરીરમાં તેનું સરળતાથી વિઘટન થતું નથી. એક વખત શરીરમાં ગયાં પછી તેના રજકણો સહેલાઈથી શરીરમાંથી બહાર ફેંકાતા નથી. અગાઉના સંશોધનોમાં જોવાં મળ્યું છે કે પ્લાસ્ટિક્સના કણો માનવ ધમનીઓમાં જમા થતાં રહે છે તેમજ કાર્ડિયાક એરેસ્ટ સહિત આરોગ્યની ગંભીર સ્થિતિ સાથે સંકળાયેલા જોવાં મળ્યાં છે. નેચર કોમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રસિદ્ધ તારણો ફૂડ પેકેજિંગ, ડિસ્પોઝેબલ કપ્સ અને બોટલ્સ, અને સિન્થેટિક વપરાશી સામાન જેવા રોજબરોજના પ્રદૂષકો સામે નવી ફીઝિયો-લોજિકલ ડિફેન્સ મિકેનિઝમ તરફ નિર્દેશ કરે છે.
સંશોધકોના જણાવ્યા મુજબ આહારની સામાન્ય આદતો સિન્થેટિક કચરા સામે આંતરિક અવયવોને રક્ષણ આપી શકે છે. કઠોળ-બીન્સ, લેન્ટિલ્સ, ચણા, ઓટ્સ અને આખા ઘઉંની બ્રેડ તેમજ બ્રોકોલી, વટાણા અને પાંદડેદાર લાલાં શાકભાજી જેવો રોજબરોજનો આહાર પૂરતાં પ્રમાણમાં ફાઈબર પુરું પાડે છે. ખોરાકના રેષાં બ્લડ સુગરને સ્થિર રાખે છે, કોલેસ્ટેરોલને ઘટાડે છે અને પાચનમાં મદદ કરે છે તેમાં આ સંશોધનના પરિણામો બોનસ સમાન છે. બ્રિટિશ ન્યુટ્રિશન ફાઉન્ડેશન અનુસાર પુખ્ત લોકોએ આહારમાં દરરોજ આશરે 30 ગ્રામ ફાઈબરનો સમાવેશ કરવો જોઈએ, પરંતુ યુકેમાં 100 લોકોમાંથી માત્ર ચાર વ્યક્તિ NHS ગાઈડન્સના આ લક્ષ્યને સાધે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter