ફિઝી ડ્રિન્કસઃ શરીરને બગાડતું પીણું

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 04th March 2015 04:39 EST
 
 

આજે બહુ ભારે જમ્યા છીએ સોડા-વોટર કે કોઇ કોલ્ડ ડ્રિન્ક પીવું પડશે... ફાસ્ટ ફૂડ સાથે કોલ્ડ ડ્રિન્ક લેવાથી શું છે કે જમવાનું સારી રીતે પચી જાય...

ફિઝી ડ્રિન્કના ઘૂંટડા ભરતાં ભરતાં તમે ક્યારેકને ક્યારેક આવું બોલ્યા જ હશો કે તમારી સામે બેસીને તેની ચુસ્કી લઇ રહેલી વ્યક્તિએ તમને આવું અવશ્ય સંભળાવ્યું હશે. પરંતુ શું તમે જાણો છે કે સોડા પીવાથી ખોરાકનું પાચન થાય છે એ તદ્દન ખોટી માન્યતા છે. ઊલટું આવા પીણાથી પાચન બગડે છે.

સોફ્ટ ડ્રિન્ક્સના શોખીન લોકો માટે સોડા એક ખાસ મહત્વ ધરાવે છે. ખાસ કરીને સોડા-બેઝ્ડ ડ્રિન્ક્સ એટલે કે સાદી લીંબુ-મસાલા સોડાથી લઈને જુદા-જુદા ફ્લેવરવાળી સોડા કે પછી કોલા-ડ્રિન્ક્સ કે હોટેલ્સમાં મળતાં મોંઘાં મોકટેલ ડ્રિન્ક્સ જેમાં ગેસ હોય અને જે પીવાથી વ્યક્તિને ઓડકાર આવે, મગજમાં તાજગી મહેસૂસ થાય અને ઘણી વાર લાગે કે કોઈ કિક મળી છે એવા ડ્રિન્ક્સને અંગ્રેજીમાં ફિઝી ડ્રિન્ક્સ કહેવાય છે.

તમને યાદ હશે જ કે પહેલાં થોડાંક વર્ષો પૂર્વે આપણાં ગુજરાતમાં ઠેરીવાળી એટલે કે લખોટીવાળી સોડા મળતી હતી. આજે તો બહુ ઓછી જગ્યાએ તે મળે છે, પણ તમને યાદ હશે કે એ ખોલતી વખતે એનો જોરદાર અવાજ, ગ્લાસમાં કાઢતી વખતે ગ્લાસમાંથી છલકતાં એનાં ફીણ અને પીતી વખતે મોઢામાં આવતા એના બબલ્સ લોકોને અત્યંત પ્રિય લાગે છે.

આ ફિઝી ડ્રિન્ક્સ એટલે કે સોડા-બેઝ્ડ ડ્રિન્ક્સ ભાવે ગમે એટલાં, પરંતુ આરોગ્યની દૃષ્ટિએ ખૂબ જ ખરાબ કહી શકાય એવાં ડ્રિન્ક્સ છે. અમેરિકા સહિતના કેટલાક દેશોમાં થયેલા સંશોધનોમાં વૈજ્ઞાનિકો અને સંશોધકોએ અભ્યાસના આધારે સાબિત કર્યું છે કે આ ફિઝી ડ્રિન્ક્સ હેલ્થ માટે કેટલાં ખતરનાક સાબિત થઈ શકે છે. અને હા, આ વાત ફક્ત કોલા ડ્રિન્ક્સ પૂરતી સીમિત નથી. ઘણા લોકો માને છે કે કોલા હેલ્ધી નથી, પરંતુ સોડા હેલ્ધી છે, પાચક છે... પરંતુ આ પણ ગેરમાન્યતા છે. નિષ્ણાતના મતે સોડાથી પણ શરીરને એટલું જ નુકસાન થાય છે.

કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધન અનુસાર સોડા-બેઝ્ડ ડ્રિન્ક્સ પીવાથી એજિંગ પ્રોસેસ ઝડપી બને છે. વ્યક્તિ જલદી વૃદ્ધ દેખાવા લાગે છે. જ્યારે બેંગ્લોર યુનિવર્સિટીએ કરેલા રિસર્ચ અનુસાર સોડા-બેઝ્ડ પીણાં પીવાથી વ્યક્તિની શુગર-ક્રેવિંગ વધી જાય છે, કારણ કે એ ખૂબ જ ગળ્યાં હોય છે અને એ સતત પીવાથી મગજ એ સ્વાદનું આદી બની જાય છે. જેથી વધુ ને વધુ ગળ્યું ખાવાની લાલચ જન્મે છે. તો વળી, યુનિવર્સિટી ઓફ બર્મિંગહામમાં થયેલા રિસર્ચ મુજબ ફિઝી ડ્રિન્ક્સમાં વાપરવામાં આવતા કાર્બોનિક એસિડને કારણે દાંતનું બહારનું પડ (ઇનેમલ) ઘસાઈ જાય છે. ઇઝરાયલમાં થયેલા રિસર્ચનું તારણ દર્શાવે છે કે ફિઝી ડ્રિન્ક્સમાં વાપરવામાં આવતી વધુપડતી શુગરને કારણે લિવર ડેમેજ થઈ શકે છે, કારણ કે એમાં રહેલી શુગર સીધી લિવરમાં જાય છે જેને લિવર એબસોર્બ કરીને ચરબીમાં રૂપાંતર કરે છે. આથી ફેટી લિવરની સમસ્યા સર્જા‍ઈ શકે છે, જે ભવિષ્યમાં લિવરને ફેલ પણ કરી શકે છે.

પાચન માટે નુકસાનકારક

મોટા ભાગના લોકો આ ડ્રિન્ક્સ પાણીના બદલે પીતા હોય છે. ખાસ કરીને જમવામાં ખોરાક ગળે ઉતારવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. વળી ઘણા એને પાચક માને છે એટલે ચાહીને ખોરાકની સાથે એ લેતા હોય છે. હકીકત એ છે કે એ પેટને ખરાબ કરે છે અને પાચનક્રિયાને નુકસાન પહોંચાડે છે. પેટ ફૂલી જવા પાછળ, અપચો, ગેસ અને શરીરમાં પાણી ભરાઈ જવા પાછળ પણ આ ડ્રિન્ક્સમાં રહેલો કાર્બોનિક એસિડ જવાબદાર છે.

નિષ્ણાતોના મતે કેટલાંક સોડા-બેઝ્ડ ડ્રિન્ક્સમાં કેફીન વાપરવામાં આવે છે જેને કારણે વ્યક્તિની યુરિનેશનની પ્રક્રિયા પ્રબળ બને છે. આથી યુરિન વાટે શરીરનું ઘણુંબધું પ્રવાહી જતું રહે છે અને આમ શરીરમાં પાણીની કમી સર્જા‍ઈ શકે છે. આ ઉપરાંત આ સોડા-બેઝ્ડ ડ્રિન્ક્સમાં મીઠું પણ વધારે હોય છે, જેમાં રહેલું સોડિયમ કોષોમાંથી પાણી ખેંચી લે છે તેને કારણે પણ શરીરમાં પાણીની કમી સર્જા‍ઈ શકે છે. જયારે શરીરમાં પાણીની કમી સર્જા‍ય ત્યારે ઘણાબધા રોગોનો ખતરો વધી જાય છે.

કેલ્શિયમની ઉણપ

સોડા-બેઝ્ડ ડ્રિન્ક્સ શરીરનાં હાડકાં અને દાંતને પણ ઘણું નુકસાન પહોંચાડે છે. બોસ્ટન યુનિવર્સિટીએ કરેલા એક રિસર્ચ મુજબ જે સ્ત્રીઓ દરરોજ કોલા-ડ્રિન્ક્સ પીતી હોય છે તેમની બોન મિનરલ ડેન્સિટી જે સ્ત્રીઓ અઠવાડિયામાં એક જ વાર કોલા પીતી હોય છે તેના ઘણી ઓછી હોય છે. આ રિસર્ચમાં માનવામાં આવ્યું કે કોલામાં રહેલું કેફીન એ માટે જવાબદાર છે. આની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે સોડા-બેઝ્ડ ડ્રિન્કમાં ફોસ્ફરિક એસિડ ઘણી વધુ માત્રામાં હોય છે, જે હાડકામાંનું કેલ્શિયમ ઘટાડે છે. તમે ખોરાકમાં જે કેલ્શિયમ લો છો એને શરીરમાં એબસોર્બ થતું અટકાવે છે. ખાસ કરીને સ્ત્રીઓને એ વધુ અસર કરે છે, કારણ કે એક ઉંમર વીતી જાય પછી તેમનો બોનલોસ પુરુષોની સરખામણીમાં ઘણો વધારે હોય છે. આને કારણે સ્ત્રીઓ ઓસ્ટિયોપોરોસિસ જેવા રોગનો શિકાર બની શકે છે.

હોર્મોન્સ પર અસર

અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં સાબિત કર્યું કે જે છોકરીઓ દિવસમાં બે કોલા-ડ્રિન્ક્સ પીએ છે તેમનો માસિકધર્મ બેસવાનો સમય જે છોકરીઓ આખા અઠવાડિયામાં બે કોલા-ડ્રિન્ક્સ પીએ છે એના કરતાં ૨.૭ મહિના વહેલો આવી જાય છે. આનું કારણ સમજાવતાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એક કોલા-ડ્રિન્કમાં નાખવામાં આવતી શુગરનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાને કારણે અચાનક એટલી શુગર પેટમાં જાય તો શરીરમાં ઇન્સ્યુલિન નામના હોર્મોનનું લેવલ ઉપર-નીચે થાય છે, જેના કારણે સ્ત્રીનાં હોર્મોન્સ જેને ઇસ્ટ્રોજિન કહે છે એનું પ્રમાણ પણ ઉપર-નીચે થાય છે. આથી તેમનો પ્યુબર્ટી પિરિયડ જલદી આવી જાય છે. આ ઇસ્ટ્રોજિનના પ્રમાણમાં વધ-ઘટ થવી કોઈ પણ સ્ત્રી માટે હાનિકારક છે, કારણ કે એ બ્રેસ્ટ-કેન્સરને નિમંત્રી શકે છે.

શુગરનું પ્રમાણ વધારે

કોઈ પણ સોડા-બેઝ્ડ ડ્રિન્ક ભલે સ્વાદમાં મીઠું લાગે કે નહીં, પરંતુ એમાં પુષ્કળ પ્રમાણમાં ખાંડ વાપરવામાં આવે છે. તેમાં અઢળક કેલરી હોવાથી વ્યક્તિ મેદસ્વી બને છે એ શરીરનું ગ્લુકોઝ-લેવલ ઉપર-નીચે કરે છે. આથી ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર, હૃદય સંબંધિત તકલીફો વધુ રહે છે. નિષ્ણાતો આની પાછળનું કારણ સમજાવતાં કહે છે કે ફિઝી ડ્રિન્ક્સમાંથી જે કેલરી આપણને મળે છે તે એમ્પ્ટી કેલરી છે કેમ કે તેમાં કોઈ ન્યુટ્રિશનલ વેલ્યુ હોતી નથી. વળી એટલી કેલરી આપણે વાપરીએ નહીં એટલે એ જમા થતી જાય અને ઓબેસિટીનું કારણ બનતી જાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter