અનેકવિધ તબીબી સર્વે - સંશોધનોના તારણોનો નિષ્કર્ષ કહે છે કે 10થી 19 વર્ષની વયના ટીનેજર્સમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ઝડપભેર વધી રહી છે. 10થી 12 વર્ષના ટીનેજર્સમાં આ પ્રમાણ લગભગ 35 ટકા જ્યારે મોટા ટીનેજરમાં લગભગ 25 ટકા છે. તેનું મુખ્ય કારણ ભોજનમાં વધતું જંક ફૂડ, સ્થૂળતા અને નિષ્ક્રિય જીવનશૈલી છે. ખાણીપીણી અને રહેણીકરણીમાં થોડોક બદલાવ કરીને યુવા પેઢીમાં હાર્ટ અટેકનું જોખમ 23 ટકા સુધી ઘટાડી શકાય છે.
ડાયટઃ ફળ, ડેરી પ્રોડક્ટ જરૂર ખાઓ
• કારણ કે... લાંબા સમય સુધી કેલરીના અભાવથી હૃદયની પમ્પિંગ ક્ષમતા ઘટવા લાગે છે.
ટીનેજરના ભોજનમાં અનાજ અને શાકભાજી ઉપરાંત ફળ, નટ્સ અને ડેરી પ્રોડક્ટ જરૂર હોવા જોઈએ. 9થી 13 વર્ષના ટીનેજરને દરરોજ 1400-2200 કેલરીની જરૂર હોય છે, જે આ જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરે છે.
કસરતઃ બગીચા કે ખુલ્લા સ્થાને એક કલાક રમો
• કારણ કે... રિસર્ચ કહે છે કે, તેનાથી હાર્ટ એટેકનું જોખમ 66 ટકા સુધી ઘટે છે.
બાળકો અને યુવાનોએ દરરોજ એક કલાક દોડ, સાઇકલિંગ કે અન્ય આઉટડોર ગતિવિધિ જરૂર કરવી જોઈએ. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. કોલેસ્ટ્રોલનું જોખમ ઘટે છે. હૃદયની માંસપેશીઓ મજબૂત થાય છે.
સ્વાદઃ સોસ અને પેકેજ્ડ ડ્રેસિંગ ઓછું કરો
• કારણ કે... ટ્રાન્સફેટનું માત્ર 2 ટકા વધુ સેવન હૃદયની બીમારીનું જોખમ 23 ટકા સુધી વધારી દે છે.
બજારના સોસ, મેયો અને પેકેજ્ડ ડ્રેસિંગ્સમાં શુગર અને ટ્રાન્સફેટ વધુ હોય છે. જે ધમનીઓને ધીમે-ધીમે બ્લોક કરવા લાગે છે. જેનાથી યુવાનોમાં હૃદય સંબંધિત સમસ્યાનું જોખમ વધે છે.
સ્થૂળતાઃ હૃદય રોગનું જોખમ વધે છે
• કારણ કે... જો 13 વર્ષનો બાળકો ઓવરવેઇટ છે તો 25ની વયે પણ હૃદય રોગનું જોખમ થઈ શકે છે.
બાળકોમાં વધુ સ્થૂળતા હૃદય રોગના જોખમને અનેકગણી વધારી શકે છે. વધુ વજનથી હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ બંનેનું જોખમ વધે છે. જેનાથી હૃદયને નુકસાન થાય છે. ઉચિત ડાયટ, કસરતથી વજનને નિયંત્રિત કરો.
ડ્રિન્ક્સઃ લીંબુ, સાદું અને નારિયેળ પાણી પીઓ
• કારણ કે... તેનાથી વધુ વજન, બીપી જેવી સમસ્યા ઘટે છે. પરિણામે હૃદયનું જોખમ ઓછું થાય છે.
કોલ્ડ ડ્રિન્ક અને પેકેજ્ડ જ્યૂસમાં ખાંડ હદ કરતાં ઘણી વધુ હોય છે. તેનાથી બ્લડ શુગર અને ટ્રાયગ્લિસરાઈડ વધવાનું જોખમ રહે છે. તેના બદલે લીંબુ પાણી, નારિયેળનું પાણી અને પૂરતા પ્રમાણમાં સાદું પાણી પીવાની ટેવ પાડો.
ડિનરઃ રાત્રે 8 વાગ્યા સુધીમાં જરૂર કરી લેવું
• કારણ કે... રાત્રે 8 વાગ્યા સુધી ભોજન કરવાથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ બંને નિયંત્રિત રહે છે.
રિસર્ચ જણાવે છે કે, મોડી રાત્રે જમવાથી બ્લડ શુગર અને ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે. નાની ઉંમરે બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ થવા લાગે છે, જે હાર્ટ એટેક સહિત હૃદયની બીમારીઓનું જોખમ વધારે છે.
ઊંઘ: રોજ 9-10 કલાક ઊંઘવાનું રુટિન બનાવો
• કારણ કે... દરરોજ 5 કલાક કે ઓછી ઊંઘ લેવાથી હાર્ટ એટેકનું જોખમ 10-30 ટકા વધુ હોય છે.
અધૂરી ઊંઘને કારણે રમતગમત માટે શરીરને ઊર્જા મળતી નથી કે તેને આરોગ્યપ્રદ ભોજન ગમે છે. તેના કારણે તાત્કાલિક એનર્જી આપતા ફૂડ - જેમ કે, ફાસ્ટ ફૂડની ઇચ્છા જાગે છે. ટીનેજર્સે દરરોજ 9-10 કલાક ઊંઘ લેવી જોઈએ.


