ફેટી લિવરઃ ખરાબ લાઇફસ્ટાઇલની આડપેદાશ

Tuesday 14th July 2026 10:56 EDT
 
 

લિવર શરીરમાં એક એવું અંગ છે જે ખોરાકને પચાવવા, ઝેરી તત્વો દૂર કરવા જેવા ઘણા મહત્ત્વપૂર્ણ કાર્યો કરે છે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે ફક્ત દારૂથી જ લિવરને નુકસાન થાય છે. જોકે, ‘ધ લેન્સેટ’માં પ્રકાશિત થયેલા તાજેતરના વૈશ્વિક અભ્યાસ મુજબ, 2023માં વિશ્વભરમાં આશરે 1.3 બિલિયન લોકો નોન-આલ્કોહોલિક મેટાબોલિક ડિસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોટિક લીવર ડિસીઝથી પ્રભાવિત હતા અને આ સંખ્યા 2050 સુધીમાં 1.8 બિલયન સુધી પહોંચી શકે છે. ભારતમાં, ‘ધ લેન્સેટ રિજનલ હેલ્થ - સાઉથ એશિયા’માં પ્રકાશિત અભ્યાસ મુજબ, દેશના લગભગ 38થી 40 ટકા પુખ્ત વયના લોકો ફેટી લિવરથી પીડાય છે. ખરાબ જીવનશૈલીની આડપેદાશ ગણાતી ફેટી લિવરની આ સમસ્યા હવે લિવર ટ્રાન્સપ્લાન્ટેશનનું મુખ્ય કારણ બની રહ્યું છે. સાથે સાથે જ હૃદય રોગથી મૃત્યુનું જોખમ પણ વધારે છે.

ફેટી લિવર અને તેના કારણો
ફેટી લિવર એટલે લિવરમાં વધુ પડતી ચરબીનો સંચય. તેના મુખ્ય કારણોમાં ટાઇપ-ટુ ડાયાબિટીસ, ઓબેસિટી, પેટની ચરબી, હાઈ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ, બેઠાડુ જીવનશૈલી, વધુ પડતી કેલરીનું સેવન અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ હાઈ કેલરીવાળો ખોરાક સામેલ છે.
ફેટી લિવરની સમસ્યા નાના-મોટા સહુ કોઇમાં ઝડપભેર વધી રહી છે કેમ કે બાળકોમાં દિનપ્રતિદિન જંક ફૂડનું ચલણ વધી રહ્યું છે તો પુખ્ત વયના લોકોમાં બેઠાડું જીવનશૈલી એટલે કે લાંબો સમય બેઠા રહેવાના લીધે જોખમ વધી રહ્યું છે. તો પછી આનાથી બચી રીતે શકાય? બાળકોને કમ્ફર્ટ ફૂડ આપવાનું ટાળો. તેમને દરરોજ ઓછામાં ઓછો એક કલાક બહાર રમવા મોકલો. કુટુંબની બિનઆરોગ્યપ્રદ ડાયટ પેટર્નમાં સુધારો કરો. આનાથી માત્ર બાળકના જ નહીં, સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં સુધારો થશે. પુખ્ત વયના લોકો હંમેશા યાદ રાખે કે એકધારા લાંબો સમય સુધી બેસી રહેવાથી ફેટી લિવરનું જોખમ વધે છે. યાદ રાખો કે દરરોજ ફક્ત જીમ જવું પૂરતું નથી. સક્રિય જીવનશૈલી જ આ રોગને રોકવામાં મદદ કરી શકે છે.
આવો, આપણે ફેટી લિવરની સમસ્યા અંગે સવાલ-જવાબ સ્વરૂપે વિશેષ માહિતી મેળવીએ...

• બાળકોમાં શરૂઆતના લક્ષણો કેવા દેખાય છે?
બાળકોમાં આ સ્થિતિ સ્થૂળતા, બ્લડ સુગર, ઓછી શારીરિક સક્રિયતા, હાઈ કોલેસ્ટ્રોલ, સ્લીપ એપનિયા અને કેટલાક કિસ્સાઓમાં આનુવંશિક પરિબળોને કારણે થઈ શકે છે. શરૂઆતમાં, લક્ષણો એસિમ્પટમેટિક હોઈ શકે છે. આગળ જતાં પેટમાં દુખાવો અથવા ભારેપણું, અતિશય થાક, ચીડિયાપણું, માથામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે.

• માતાપિતા કઈ સામાન્ય ભૂલો કરે છે?
બાળકોને પેકેજ્ડ નાસ્તા, ફાસ્ટ ફૂડ અને ખાંડવાળા પીણાં આપવા. ઘણા માતાપિતા માને છે કે તેમનું બાળક પાતળું હોવાથી તેઓ કંઈપણ ખાઈ શકે છે. વધુ પડતો સ્ક્રીન સમય અને બહાર રમવાનું મર્યાદિત કરવું પણ ખોટું છે. અનિયમિત ભોજન અને સમગ્ર પરિવાર માટે બિનઆરોગ્યપ્રદ આહારની આદત પણ લિવર પર નકારાત્મક અસર કરે છે.

• દારૂ સિવાય લિવર માટે બીજું કયું મોટું જોખમ છે?
લાંબા સમય સુધી બેસી રહેવાથી ફેટી લિવરનું જોખમ 69 ટકા વધી જાય છે. 8-10 ક્લાક સુધી બેસી રહેવાથી ઇન્સ્યુલિન પ્રતિકાર વધે છે અને સ્નાયુઓમાં ગ્લુકોઝનો ઉપયોગ ઓછો થાય છે. આનાથી ખાંડ, ટ્રાઇગ્લિસરાઈડ્સ અને પેટની ચરબીનો સંચય થાય છે, જે લિવર સુધી પહોંચે છે, જેનાથી ચરબી વધે છે. લિવરને અસર કરે છે.

• શું ફેટી લિવર કેન્સરની શરૂઆત હોઈ શકે છે?
જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો, સમયના વહેવા સાથે ફેટી લિવરની સમસ્યા ગંભીર રૂપ લઇ શકે છે. તે બે તબક્કામાં વિકસી શકે છે. એક તો MASH (મેટાબોલિક ડિસફંક્શન - એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ)ની તકલીફ થાય છે. જેમાં 20 ટકા દર્દીઓને લિવરમાં બળતરા થાય છે. બીજું, લિવર કેન્સર થઇ શકે છે. વિશ્વમાં આનું પ્રમાણ એક ટકો છે.

• જીમમાં જાઓ છો, પણ દિવસભર સક્રિય નથી રહેતા?
દરરોજ ભલે એક કલાક જીમમાં પસાર કરતા હો, પરંતુ તે 8-10 કલાક બેસી રહેવાથી થતા નુકસાનને સંપૂર્ણપણે દૂર કરી શકતું નથી. જે લોકો જીમમાં જાય છે પરંતુ દિવસના બાકીના સમયે ખૂબ સક્રિય નથી હોતા તેઓ ઘણીવાર સુગર અને ફેટ જેવી સમસ્યાનો ભોગ બને છે. તેથી, જો તમારી જીવનશૈલી બેઠાડુ હોય તો દર કલાકે 5-10 મિનિટ હળવી હિલચાલ, ઊભા રહેવું જરૂરી છે.

• 40 વર્ષની ઉમર પછી કયા ટેસ્ટ કરાવવા જોઈએ?
40-50 વર્ષ અને તેથી વધુ ઉમરના લોકોએ લિવર ટેસ્ટ કરાવવો જોઈએ. FIB-4 અને FibroScan લિવર ફાઇબ્રોસિસ અથવા સિરોસિસ શોધી શકે છે. LFT, અલ્ટ્રાસાઉન્ડ, ફાસ્ટિંગ બ્લડ સુગર, HbA1c અને લિપિડ પ્રોફાઇલ પણ કરાવવી જોઈએ. GGT અને થાઈરોઈડ ટેસ્ટ પણ લિવર અને મેટાબોલિક સ્વાસ્થ્યને સમજવામાં મદદ કરે છે.

ફેટી લિવરની સમસ્યાને કઇ રીતે દૂર કરી શકો?

દરરોજ રાત્રે હળવું અને ઓછું ભોજન લો. જો તમારી જીવનશૈલી બેઠાડું છે અથવા તો કામના સ્થળે વધુ પડતું બેસી રહેવાનું થાય છે તો દર કલાકે ખુરશીમાંથી ઉભા થઇને થોડીક હલનચલન કરો. સાથે સાથે જ જરૂરી તબીબી માર્ગદર્શન મેળવો.
• 5 ટકા વજન ઘટાડોઃ 5થી 7 ટકા વજન ઘટાડાથી લિવરની ચરબી ઓછી થાય છે, અને 10 % વજન ઘટાડાથી રોગમાં સુધારો થઈ શકે છે. માત્ર 5 ટકા વજન ઘટાડવાથી લિવરની ચરબી નોંધપાત્ર રીતે ઓછી થાય છે. 5થી 7 ટકા વજન ઘટાડાથી MASH (બળતરા) માં સુધારો થાય છે, અને 10 ટકા કે તેથી વધુ વજન ઘટાડાથી ફાઇબ્રોસિસ ઓછો થાય છે.
• સપ્તાહમાં 150 મિનિટ કસરતઃ ઝડપી ચાલવા, સાઇકલ ચલાવવા અથવા દોડવા જેવી એરોબિક કસરત અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ કરવી જોઈએ. વધુમાં, વજન ઉપાડવા જેવી કસરત અઠવાડિયામાં 2-3 દિવસ સામેલ હોવી જોઈએ. આ પ્રકારની પ્રવૃત્તિ લિવરના સ્વાસ્થ્યમાં સર્વાંગી સુધારો કરે છે.
• દર કલાકે 5 મિનિટ ચાલોઃ યકૃત (લિવર) માટે સૌથી મોટું જોખમ શારીરિક નિષ્ક્રિયતા છે, એટલે કે લાંબા સમય સુધી બેસવું. જો તમારી પાસે બેઠાડુ કામ હોય, તો દર કલાકે ઓછામાં ઓછા 5 મિનિટ ઉભા થાવ અને નિયમિત ચાલો. આ શરીરને સક્રિય રાખે છે અને બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરો.
• ડાયટ અને સમય પર ધ્યાન આપોઃ મોડી રાત્રે જમવાનું ટાળો, સૂવાના સમયના 2-3 કલાક પહેલા ખાઓ, કારણ કે મોડી રાત્રે ખાવાથી ચરબી જમા થવાનું જોખમ વધે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter