ફેફસાંનું કેન્સરઃ ભ્રમ અને હકીકતો

સદાબહાર સ્વાસ્થ્ય

Saturday 24th June 2017 08:35 EDT
 
 

ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માત્ર સિગારેટમાં જ નહીં, દરેક નશીલી સામગ્રીમાં સ્વાસ્થ્ય સંબંધિત આ પ્રકારની ચેતવણી લખેલી હોય છે. જોકે પેકિંગ પર આવી ચેતવણી છતાં લોકો એક યા બીજા પ્રકારે તેનું સેવન કરીને પોતાની જાતને નુકસાન પહોંચાડતા રહે છે. વ્યસનીઓની આ કુટેવના કારણે જ દુનિયામાં દર વર્ષે લાખો લોકો લંગ કેન્સરથી પોતાનો જીવ ગુમાવે છે. જોકે આનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે કેટલાક લોકો તો લંગ કેન્સરને લઈને વ્યાપ્ત મિથ્યાને કારણે પોતાનો જીવ ગુમાવે છે. આજે અહીં એવા મિથકોની વાત કરી છે જેના કારણે લોકો ભ્રમિત રહે છે, અને પૂરતી જાણકારીઓના અભાવમાં લંગ કેન્સરનો ભોગ બને છે.

લંગ કેન્સર વિશે સૌથી મોટું મિથ એ છે તે માત્ર સિગારેટ અથવા બીડી પીનારાઓને જ થાય છે. જોકે તે સંપૂર્ણ સત્ય નથી. સિગારેટ પીનારા લોકોને લંગ કેન્સરની થવાની આશંકા સિગારેટ ન પીનારા લોકોની તુલનામાં ઘણી વધારે હોય છે એ સાચું, પરંતુ ક્યારેક ક્યારેક સિગારેટ ન પીનારા લોકો પણ લંગ કેન્સરના શિકાર બની જાય છે.

તમે ભલે તમારા પૈસાથી ખરીદીને સિગારેટ ન પીતા હો, પરંતુ પાસે ઊભેલો મિત્ર સિગારેટ પી રહ્યો હોય અને તેમાંથી તમે બે-ત્રણ કસ ખેંચી લો તો પણ લંગ કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. બીજી એક બાબત પણ ધ્યાન આપવા જેવી છે. જો તમે સિગારેટ કે બીડી ન પીતા હો પરંતુ પીનારા લોકોની સાથે રહેતા હો તો ધૂમ્રપાન કરનારા લોકોને લંગ કેન્સરની જેટલી શક્યતા રહે છે તેટલી જ શક્યતા ધૂમ્રપાન કરનારની બાજુમાં ઊભા રહેનારાની રહે છે. કારણ કે તમારી અંદર પણ તેટલો જ ધુમાડો જાય છે જેટલો પીનારના શરીરમાં જતો હોય છે. અને તે તમારા માટે ઘણો હાનિકારક હોય છે.

લંગ કેન્સર થવાનું એક મુખ્ય કારણ ઔદ્યોગિક એકમોમાંથી નીકળનારા ઝેરીલા પદાર્થો પણ છે. આ પદાર્થ જ્યારે શ્વાસો દ્વારા આપણાં ફેફસાંઓ સુધી પહોંચે છે તો તેમાં પણ લંગ કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે, કારણ કે તેમાં આર્સેનિક, ઓર્ગેનિક કેમિકલ તથા અન્ય પ્રકારના વાયુ પ્રદૂષણનાં તત્ત્વોનો સમાવેશ થાય છે.

કેટલાક લોકોનું એવું પણ વિચારવું છે કે લંગ કેન્સર આનુવાંશિક બીમારી છે એટલે કે માતા-પિતામાંથી કોઈ એકને આ બીમારી થઈ હોય તો બાળકને પણ આ બીમારી જરૂર થાય છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. લંગ કેન્સર એ કોઈ અનુવાંશિક બીમારી નથી. તે મોટેભાગે ધૂમ્રપાનને કારણે થાય છે અને કેટલીક બાબતોમાં ધૂમ્રપાન ન કરનારા લોકો પણ તેની ચપેટમાં આવી જાય છે.

લંગ કેન્સરની બાબતમાં બીજો એક મોટો ભ્રમ એ છે કે મોટાભાગના લોકો કેટલાક એવા લોકોનું ઉદાહરણ આપે છે કે જેઓ આખી જિંદગી દરમિયાન સિગારેટ પીતા રહ્યાં હોય અને છતાં પણ તેમને કેન્સર થયું હોતું નથી. મોટાભાગની બાબતોમાં લંગ કેન્સરનાં લક્ષણ ત્યારે જ જોવા મળે છે જ્યારે તે પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ચૂક્યું હોય. ક્યારેક ક્યારેક લોકોને મોટી ઊંમરે લંગ કેન્સરની ફરિયાદ રહે છે. એવું ક્યારેય ન વિચારશો કે લંગ કેન્સર એ એક એવી બીમારી છે જે નસીબ ખરાબ હોવાને કારણે થાય છે. જો તમે સિગારેટનો ધુમાડો ઉડાડી રહ્યા હો તો એવું માની જ લો કે તમારાં ફેફસાં કંઈક ને કંઈક મુશ્કેલીમાં છે. થોડાંક જ સમયમાં તે જવાબ આપી દેશે અને આવી સ્થિતિમાં તમે કંઈ જ નહીં કરી શકો.

લંગ કેન્સરને લઈને એક સામાન્ય ભ્રમ એવો પણ છે કે તેનો કોઈ ઈલાજ શક્ય નથી. મોટાભાગના લોકો એવું વિચારે છે કે લંગ કેન્સરનો ભોગ બન્યા પછી મૃત્યુની રાહ જોવા સિવાય કોઈ આરો નથી. જોકે આ પણ માત્ર એક ભ્રમ જ છે. લંગ કેન્સરનો ઈલાજ શક્ય છે, પરંતુ તે ત્યારે જ કારગર નીવડે છે જ્યારે સમયસર ઈલાજ શરૂ કરી દેવામાં આવે.

લંગ કેન્સરના ઈલાજમાં સર્જરી, કેમોથેરાપી અને રેડિએશન એન્કોલોજી લંગ કેન્સર પર અત્યાર સુધી જે સંશોધનો થયાં છે તેના આધારે એવાં પરિણામો જાણવા મળે છે કે જો આ બીમારીને શરૂઆતના સ્ટેજમાં જ ઓળખી લેવામાં આવે તો સર્જરી કરીને તેને દૂર કરી શકાય છે. દર્દી લંગ કેન્સરથી પીડિત હોય, પરંતુ સામાન્ય રીતે તેનો ખ્યાલ ત્યારે આવે છે જ્યારે લંગ કેન્સર કિડનીને ખૂબ જ ખરાબ રીતે નુકસાન પહોંચાડી ચૂક્યું હોય.

લંગ કેન્સરના શરૂઆતના સ્ટેજનાં લક્ષણો ખૂબ જ સામાન્ય હોય છે. આ લક્ષણોમાં માથાનો દુખાવો, નબળાઈ આવવી, શરીરનાં જુદાં-જુદાં અંગોમાં દુખાવો થવો, સામાન્ય વાગતાં જ ફ્રેક્ચર થઈ જાય વગેરેનો સમાવેશ થાય છે. આવાં લક્ષણોમાં મોટાભાગના લોકો સમજી જ શક્તા નથી કે તેઓ લંગ કેન્સરના સકંજામાં ફસાઈ રહ્યા છે. તેમને પોતાની બીમારીનો આભાસ ત્યારે થાય છે જ્યારે ખાંસીના તેજ ઝાટકાઓની સાથે મોંમાંથી લોહી આવવા લાગે, પરંતુ આ અવસ્થાની જ્યારે જાણ થાય ત્યારે ખૂબ જ મોડું થઈ ચૂક્યું હોય છે. યોગ્ય રીત તો એ જ છે કે સામાન્ય લક્ષણો નજર આવે કે તરત જ લંગ કેન્સર સંબંધિત તપાસ કરાવી લેવી જોઈએ.

લંગ કેન્સરની બાબતમાં બીજો એક ભ્રમ એ પણ છે કે કેટલાંક લોકો તેને માત્ર પુરુષોને થનારી બીમારી જ માને છે. એવું એટલા માટે કારણ કે ધૂમ્રપાનની લત મોટેભાગે પુરુષોને જ હોય છે, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પાછલાં વીસ વર્ષમાં એવી મહિલાઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે જે લંગ કેન્સરને કારણે પોતાનો જીવ ગુમાવે છે.

એક અભ્યાસને આધારે જાણવા મળે છે કે પુરુષોની તુલનામાં લંગ કેન્સરથી મહિલાઓ જલદી ગ્રસ્ત થઈ જાય છે. વર્ષ ૧૯૮૭થી લઈને અત્યાર સુધીમાં લંગ કેન્સરને કારણે જીવ ગુમાવનારી મહિલાઓની સંખ્યા સ્તન કેન્સરને કારણે મૃત્યુ પામનારી મહિલાઓની સરખામણીમાં અનેકગણી વધારે છે. ધૂમ્રપાનના શોખીન લોકો લંગ કેન્સથી બચવા માટે સિગાર, પાઈપ અને લાઈટ સિગારેટ પીએ છે. લોકોને એવો ભ્રમ પણ છે કે આ બધી વસ્તુઓના વપરાશથી લંગ કેન્સરનો ખતરો નહીંવત હોય છે. અહીં એ જાણવું જરૂરી થઈ પડે છે કે જે લોકો લંગ કેન્સરથી બચવા માટે અને પોતાનો ધૂમ્રપાનનો શોખ પૂરો કરવા માટે આ ચીજવસ્તુઓનો વપરાશ કરે છે તે લોકો પણ લંગ કેન્સરથી બચતા નથી. આ સિવાય આવા લોકોને ગળાનું કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. સિગારેટની સરખામણીમાં સિગારમાંથી ઝેરીલો ધુમાડો તમારા શરીરમાં વધારે માત્રામાં પહોંચે છે. આવામાં શરીરને નુકસાન પહોંચે તે તો સ્વાભાવિક જ છે.

લંગ કેન્સરના ઈલાજ માટે લોકો સર્જરી કરાવવાથી બચે છે. તેની પાછળ પણ લોકોનો એક ભ્રમ જવાબદાર છે કે સર્જરી કરાવવાથી લંગ કેન્સર અન્ય અંગોમાં ફેલાઈ જશે. આ પ્રકારના ભ્રમ જ લંગ કેન્સરના રોગીઓનો જીવ લઈ લે છે. લંગ કેન્સરથી પીડાતી વ્યક્તિ જો શરૂઆતના સ્ટેજ કે અવસ્થામાં સર્જરી કરાવી લે તો તેના સ્વસ્થ થવાની શક્યતાઓ ૮૦ ટકા સુધી વધી જાય છે. આથી આ તમામ ભ્રમોથી દૂર રહીને, ધૂમ્રપાનથી તોબા કરી લો નહિતર લંગ કેન્સરની સાથે બીજી અનેક બીમારીઓ તમને વળગી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter