બદામ એક સુપરફુડ છે જેના સેવનથી શરીરને અગણિત ફાયદા થાય છે. શારીરિક રીતે કમજોર વ્યક્તિને પણ બદામનું સેવન ફાયદો કરે છે.બદામમાં ફાઇબર તેમજ હેલ્ધી ફેટ જેવા ઘણા પોષક તત્વો સમાયેલા હોય છે. સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે, માંસપેશીઓથી લઇને વાળ, ત્વચા અને નખ માટે બદામ ફાયદાકારક છે.
આ જ રીતે કાળા ચણામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ સમાયેલા છે. તેના સેવનથી બ્લડ પ્રેશર સામાન્ય થાય છે, તેમજ ખરાબ કોલોસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરે છે. તેથી તેનું સેવન હૃદય માટે લાભકારી છે. કાળા ચણાના સેવનથી બ્યૂટાયરેટના ઉત્પાદનના પ્રમાણમાં વધારો થાય છે, જે એક ફેટી એસિડ હોય છે અને તે સોજાને ઓછો કરવાનું કામ કરે છે. કાળા ચણામાં સમાયેલ એન્ટી ઓક્સિડન્ટ કોલન, બ્રેસ્ટ અને લંગ કેન્સરના જોખમને ઓછું કરે છે.
બદામ અને કાળા ચણાને સાથે પલાળવાથી તેમનો પાવર બમણો થઇ જાય છે. પૂરી રાત પાણીમાં રહેવાથી પોષક તત્વોને અવશોષિત થવાની ક્ષમતા વધી જાય છે. આ બન્નેને સાથે ખાવાથી પ્રોટીન, આર્યન અને કેલ્શિયમ જેવા પોષક તત્વોની કમી દૂર થાય છે. એક ચમચો પલાળેલી બદામમાં લગભગ બે ગ્રામ જેટલું પ્રોટીન સમાયેલું હોય છે. તેમજ ભીંજવેલા કાળા ચણામાં પણ એટલું જ પ્રોટીન સમાયેલું હોય છે.
વજન ઘટાડવામાં સહાયક
પલાળેલા ચણા અને બદામમાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે અને પોષક તત્વ વધુ સમાયેલા હોય છે. આ બન્ને ખાદ્યપદાર્થો પ્રોટીન અને ફાઈબરના બહેતરીન સ્ત્રોત છે. તેમાં સમાયેલ ફાઇબર ભૂખને શાંત કરે છે, જેથી વધુ પડતું ખવાઇ જતું નથી હોતું અથવા તો અનહેલ્ધી ફૂડના સેવનનું પ્રમાણ ઓછું થઇ જાય છે.
હૃદયને સ્વસ્થ રાખે છે
બદામમાં ફ્લેવોનોઇડ્સ અને હેલ્ધી ફેટી એસિડ સમાયેલા હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખવામાં સહાયક છે. તેમાંનો ફ્લેવોનોઇડ્સ સોજાને રોકવાના ગુણ ધરાવે છે. જ્યારે વિટામિન ઇ અને અન્ય પોષક તત્વો કોલેસ્ટ્રોલના પ્રમાણને અંકુશમાં રાખે છે.
હાડકાંને મજબૂત કરે છે
બદામ અને ચણાના સેવનથી દૈનિક કેલ્શિયમની પૂર્તી થાય છે તેમજ હાડકાં મજબૂત થાય છે. વય વધવાની સાથે ઓસ્ટિયો પોરોસિસનું જોખમ વધી જતું હોય છે, જેથી હાડકાંનું ઘનત્વ ઓછું થઇ જાય છે અને તે નબળા પડી જતા હોય છે. કેલ્શિયમથી ભરપૂર બદામ અને ચણાનું સેવન હાડકાંને સ્વસ્થ રાખે છે.
બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે
ટાઇપ-ટુ ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા છે. તેને અંકુશમાં રાખવા માટે પલાળેલા ચણા અને બદામનું સેવન કરવું જોઇએ. તેમાં કાર્બોહાઇડ્રેટની માત્રા ઓછી હોય છે. જે ઇન્સુલિનના કાર્યમાં સુધારો કરે છે. તેનામાં સમાયેલું મેગ્નેશિયમ શુગરના દરદીઓ માટે જરૂરી છે.
હેમોગ્લોબિનનું પ્રમાણ જાળવી રાખે
કાળા ચણાનું સેવન લોહીમાં હેમોગ્લોબિનના સ્તરને સુધારે છે. પલાળેલા ચણા શાકાહારીઓ માટે આર્યનનો સારો સ્ત્રોતમાંનો એક છે. એનિમિયાથી પીડાતા લોકો માટે કાળા ચણાનું સેવન ઉત્તમ છે. બદામ અને ચણા ગર્ભવતી તેમજ સ્તનપાન કરાવનારી મહિલાઓ માટે પણ ફાયદાકારક હોય છે. બદામ અને કાળા
ચણાનું સેવન માફક આવતું હોય તેમના માટે જ હિતાવહ છે.


