એક સમયે હાથમાં મોબાઇલ ફોન હોવો સ્ટેટસ સિમ્બોલ ગણાતો હતો, હવે આ જ મોબાઇલ ફોન સહુ કોઇ માટે માથાના દુઃખાવારૂપ બની રહ્યો છે. અને તેમાં પણ બાળકોમાં તો મોબાઇલ ફોનના વળગણે માઝા મૂકી છે. વિશ્વના અનેક દેશો હવે શાળામાં મોબાઇલ ફોનના વપરાશ પર પ્રતિબંધ લાદી રહ્યા છે કે તેનો વપરાશ નિયંત્રિત કરવા પગલાં લઇ રહ્યા છે. બ્રિટનની શાળાઓમાં પણ પહેલી સપ્ટેમ્બરથી મોબાઇલ ફોન પર પ્રતિબંધ લાગુ થઇ જ રહ્યો છેને?
એક સમયે વરદાનરૂપ મનાતો મોબાઇલ ફોન હવે સમસ્યારૂપ બની રહ્યો છે તેનું મુખ્ય કારણ છે કે મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યો છે. આથી જ નિષ્ણાતો કહે છે કે બાળકોને મોબાઇલના દૂષણથી બચાવવા અને તેમને ચુસ્ત-દુરસ્ત રાખવા માટે તેમને દોરડા કૂદવાં કે કેરમ જેવી ઈન્ડોર રમતોમાં વ્યસ્ત રાખો, અને તેમને મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક કરવા લઇ જાવ, સાથે સાથે હાઈડ્રેટિંગ પીણાં અને મોસમી ફળોથી ભરપૂર આહાર પણ આપો.
ખાસ કરીને સમર વેકેશનમાં બાળકો મોબાઈલ ફોનનો વ્યાપક ઉપયોગ કરતા હોય છે. તીવ્ર ગરમીને કારણે, બાળકોને ઘરની બહાર નીકળવા દેવાતા નથી. આના કારણે બાળકો આખો દિવસ મોબાઈલ ફોન, ટીવી અને અન્ય ગેજેટ્સમાં ડૂબેલા રહે છે, જે સરવાળે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. તેથી, બાળકોને વ્યસ્ત રાખવા માટે નાની પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી શકાય છે.
ઘરમાં રહીને પણ બાળકો સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી શકતા હોય છે. બાળકોને શારીરિક રીતે સક્રિય રાખવા માટે તેમની પાસે શારીરિક પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. જો શરીર સ્વસ્થ હશે તો તેમનું મન પણ ખુશ રહેશે.
ઇન્ડોર ગેમ્સઃ કાળઝાળ ગરમીમાં બહાર જવાને બદલે, ઘરે દોરડા કૂદવા, નૃત્ય કરવું અથવા ખેંચાણ જેવી પ્રવૃત્તિઓ કરી શકો છો, જો તમારા પડોશમાં બાળકો હોય, તો તેમને આમંત્રણ આપો અને કેરમ, લુડો, ચેસ, સુડોકુ, સાપ-સીડી, નૃત્ય, ઇન્ડોર બોલિંગ, ટ્રેઝર હન્ટ, ઇન્ડોર બાસ્કેટબોલ અને બલૂન વોલીબોલ જેવી ઇન્ડોર રમતો તેમની સાથે રમો.
સાયકલિંગઃ જ્યારે સાંજે સૂર્ય ઝાંખો પડી જાય છે, ત્યારે બાળકોને પાર્કમાં સાયકલ ચલાવવા લઈ જઈ શકો છો અથવા તેમના મિત્રો સાથે સાયકલ ચલાવવા જઈ શકો છો. આ એક એરોબિક કસરત છે જે તેમને રાત્રે સારી ઊંઘ લેવામાં મદદ કરશે. તણાવમુક્ત ઊંઘ ખૂબ જ આરામદાયક છે.
મોર્નિંગ વોકઃ ઉનાળામાં દિવસ દરમિયાન તડકો હોય છે, તેથી સવારે તમારો બાળકોને પાર્કમાં લઈ જવાનું ભૂલશો નહીં. સવારે હવા સ્વચ્છ અને તાજી હોય છે. ઘરે પાછા ફર્યા પછી, તમે 15-20 મિનિટ યોગ કે હળવી કસરત કરી શકો છો, જે બાળકોને દિવસભર શાંત રાખશે.
શું ખવડાવશો અને પીવડાવશો?
• ઉનાળા દરમિયાન બાળકો ઘણીવાર ઓછું પાણી પીવે છે, તેથી તેમને ORS અથવા લીંબુ સાથે પાણી આપવાનું રાખો.
• દિવસ દરમિયાન, તમે બાળકોને છાશ, કેરીના પન્ના, સત્તુનું શરબત અને તરબૂચનો રસ આપી શકો છો. આનાથી તેઓ આખો દિવસ ઉર્જાવાન રહેશે.
• આ ઋતુમાં કેરી, સ્ટ્રોબેરી, તરબૂચ અને કેળાં જેવાં મોસમી ફળો બાળકો માટે સૌથી વધુ ફાયદાકારક હોય છે. જો તમે ઇચ્છો તો, તમે તેમને કેળા, દૂધ અથવા દહીં સાથે ઓટ્સ ભેળવીને ખવડાવી શકો છો.
• દહીં સરળતાથી પચી જાય છે અને પેટને ઠંડુ રાખે છે. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે બાળકોના પાચનતંત્ર માટે ફાયદાકારક હોઈ શકે છે.
બાળકોને શું ન આપવું જોઇએ?
આકરો તાપ હોય કે હિટવેવનું એલર્ટ હોય ત્યારે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બાળકોને બહાર ન જવા દો. બહારના જંક ફૂડ ટાળો. ગરમીના દિવસોમાં જ નહીં, સામાન્ય દિવસોમાં પણ ચિપ્સ, ચોકલેટ, પેટિસ, બર્ગર, પાસ્તા અને પિત્ઝા જેવાં ફાસ્ટ ફૂડ્સ આપવાનું ટાળો. અને જો આપવા જ હોય તો બહુ મર્યાદિત પ્રમાણમાં. આ હાઇ કેલરી ફૂડ આઇટેમ્સ પચવામાં ભારે પડે છે અને તેના ખાવાથી બાળકોના પેટમાં બળતરા થઈ શકે આવો ખોરાક સરળતાથી પચતો નથી, તે એસિડિટીનું કારણ બની શકે છે.
અને હા, અહીં આપેલી જાણકારીને અમલમાં મૂકતાં પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લઇ લો તે ઇચ્છનીય છે.


