બાળકોમાં અનેક સમસ્યા નોતરે છે મેદસ્વિતા

Wednesday 27th March 2024 08:56 EDT
 
 

વિશ્વભરમાં બાળકોમાં ઓબેસિટી (મેદસ્વિતા) વિકરાળ સમસ્યા તરીકે ઉભરી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)ના તાજેતરમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, 2022માં 5 થી 19 વર્ષની વયના લગભગ 39 કરોડ બાળકો અને ટિનેજર્સનું વજન વધારે હતું. તેમાંથી 16 કરોડ લોકો ઓબેસિટીનો શિકાર છે. મેદસ્વિતા એક એવી સમસ્યા છે જે શરીરના લગભગ દરેક અંગને નુકસાન પહોંચાડે છે. સ્થૂળ બાળકોમાં સ્યુડોટ્યુમર સેરેબ્રી થવાનું જોખમ વધારે હોય છે. આમાં, મગજમાં જોવા મળતા પ્રવાહી પર દબાણ વધે છે, જેના કારણે તેમને અસ્પષ્ટ દૃષ્ટિ અને નબળા આઇક્યુની સંભાવના વધારે છે. વિશ્વ સામે મોં ફાડીને ઉભરી રહેલી આ સમસ્યા સામે જાગ્રતિ લાવવા માટે વર્લ્ડ ઓબેસિટી ડે ઉજવાય છે. આજે આપણે બાળકોમાં સ્થૂળતા સાથે આવતી બીજી શારીરિક સમસ્યા વિશે જાણીએ.

• હૃદય: શરીરનું વજન જેટલું વધારે એટલું હૃદયને લોહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. આ વધારાના કામને કારણે સમય જતાં હૃદયના સ્નાયુઓ જાડા થઈ જાય છે. કેટલાક કિસ્સામાં સ્થૂળ બાળકોમાં હૃદયના સ્નાયુઓ અને રુધિરાભિસરણ તંત્રમાંથી લોહી મેળવતા હૃદયના ચેમ્બરના આકારમાં ફેરફાર થાય છે. આ હૃદયની પમ્પિંગ ક્ષમતાને અસર કરે છે. આવી સ્થિતિમાં હાઈ બીપી અને હાઈ કોલેસ્ટ્રોલનું જોખમ બે થી ત્રણ ગણું વધી જાય છે. આવા બાળકોમાં 20 વર્ષની ઉમરથી હૃદયરોગ થવાનું જોખમ વધી જાય છે.
• હોર્મોન્સઃ સ્થૂળતાથી પીડિત છોકરીઓમાં માસિક સ્રાવ સમયથી પહેલા શરૂ થવાની સંભાવના છે. છોકરીમાં જ્યારે માસિક ધર્મની શરૂઆત થાય છે. ત્યારે તેમની વૃદ્ધિ લગભગ બે વર્ષ સુધી અટકી જાય છે. તેથી વધુ વજન ધરાવતી છોકરીઓ સંપૂર્ણ વૃદ્ધિ પ્રાપ્ત કરી શકતી નથી. ઉપરાંત, તેમને પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ થવાની શક્યતા વધુ હોય છે, જેના કારણે તેમનામાં વાળનો અસામાન્ય વિકાસ, નિઃસંતાનપણું અને અન્ય લક્ષણો હોઈ શકે છે.
• લીવર: સામાન્ય રીતે યુવાનોમાં ફેટી લીવરની સમસ્યા ઘણી ઓછી જોવા મળે છે, પરંતુ એક તૃતિયાંશ જેટલા સ્થૂળ યુવાનોમાં આ સમસ્યા જોવા મળે છે. ફેટી લીવરની લાંબા ગાળાની સમસ્યાથી તેમાં ઘા, સિરોસિસ અથવા તો લીવર ફેલ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં લીવર કેન્સરનું પણ જોખમ છે. લીવર પર વધારાની ચરબી માત્ર તેના કદને જ નહીં પરંતુ તેના કોષોને પણ નષ્ટ કરવા લાગે છે.
• ફેફસાં: છાતીની દિવાલો પર જમા થયેલ ચરબી ફેફસાં અને ડાયાફ્રેમ પર દબાણ લાવી શકે છે, જેનાથી ફેફસાંને વિસ્તરણ અને ઓક્સિજન લેવાનું મુશ્કેલ બને છે. સ્થૂળ બાળકોમાં ગળામાં જાડી પેશીઓને કારણે ઊંઘ દરમિયાન શ્વાસ પર અસર થાય છે, જેના કારણે ઊંઘમાં વિક્ષેપ આવે છે. આને સ્લીપ એપનિયા કહેવાય છે. મેદસ્વી બાળકોમાં આ જોખમ બેથી પાંચ ગણું વધારે છે.
• હાડકાંઃ બાળકોનાં હાડકાનાં અંતમાં એક ખાસ માળખું હોય છે, જેને ગ્રોથ પ્લેટ કહે છે. તે એક પ્રકારના કોમલાસ્થિથી બનેલું છે જે હાડકાની લંબાઈ વધારે છે. જાંઘનો ઉપરનો ભાગ બોલ આકારનો છે, જે હિપ્સના સોકેટમાં બંધ બેસે છે. સ્લિપ્ડ કેપિટલ ફેમોરલ એપિફિસિસ નામની સ્થિતિ હોય છે, જેમાં આ બોલ જેવો ભાગ સોકેટમાંથી સરકી જાય છે. મેદસ્વી બાળકોમાં આ સ્થિતિ સામાન્ય છે. આવી સ્થિતિમાં તેઓ વધુ વજન ઊંચકી શકતા નથી.

જાણવા જેવું...
શરીર અને ચરબી વચ્ચેનો સંબંધ આ રીતે સમજો. વ્યક્તિમાં ચરબીના કોષોની સંખ્યા કિશોરાવસ્થાના અંતમાં અને તરુણાવસ્થાની શરૂઆતમાં નિશ્ચિત હોય છે. બાળપણમાં અતિશય આહારને કારણે તેમની સંખ્યા વધે છે. કોષોમાં ચરબીના સંગ્રહના આધારે તેમનું કદ વધતું અને ઘટતું રહે છે. તેથી, જે બાળકો વધુ પડતું ખાય છે તેઓ ભવિષ્યમાં વજન ઘટાડી શકે છે અને પાતળા થઈ શકે છે. પરંતુ તેમના શરીરમાં ચરબીના કોષોનું પ્રમાણ વધુ રહે છે. એટલે કે, અતિશય આહારની વિપરિત અસર લાંબા ગાળે જોવા મળે છે.

વજન ઘટાડવાના વિજ્ઞાનને સાદા શબ્દોમાં સમજીએ તો... વ્યક્તિનું શરીર ખોરાકમાંથી કેટલી ઊર્જા શોષે છે તેનો દર અને તે જે દરે ઊર્જા ખર્ચે છે તેના આધારે તેનું વજન નક્કી થાય છે. તમે જ્યારે ખાતા નથી, ત્યારે ખોરાકનું શોષણ થતું નથી, પરંતુ શરીર ઊર્જાનો ખર્ચ કરવાનું ચાલુ રાખે છે. આ ઊર્જા શરીરમાં સંગ્રહિત ચરબીમાંથી આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter