બાળકોમાં દાંતની કાળજી ખૂબ જ જરૂરી

સદાબહાર સ્વાસ્થ્ય

Thursday 10th May 2018 08:08 EDT
 
 

નાનાં બાળકોને દર્દથી પીડાતા જોવા ખૂબ જ અઘરા છે. શરીરના નાનામાં નાના ભાગનું પોતાનું આગવું મહત્વ હોય છે અને ઘણી વાર અંગ નાનું હોવાના કારણે આપણે એની અવગણના કરી દેતા હોઈએ છીએ. ક્યારેક એવું પણ બનતું હોય છે કે બાળક બોલી શકતું ન હોવાથી તેની મુશ્કેલી કે પીડા મા-બાપને સમજાતી નથી. એમાં પણ જો એ દાંતનો દુખાવો હોય તો એ પેઇન અને અસ્વસ્થતા બાળક માટે ઘણી વાર ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી કરી દે છે. આજે પણ ઘણાં માતા-પિતા એવાં છે જે બાળકોને દરરોજ બરાબર બ્રશ પણ નથી કરાવતાં. બાળકો કંઈ પણ ગળ્યું ખાય, દિવસની ૧૦-૧૨ ચોકલેટ ખાઈ જાય, જંક ફૂડનો અતિરેક કરે, કોલ્ડ ડ્રિન્ક પીધા કરે તો પણ તેમને રોકતાં નથી. અને બાળકોને અટકાવે તો બાળકો આમ કરતાં અટકતાં નથી, કેમ કે બાળક આખરે બાળક છે. નાની વયના કારણે તે પોતાના શું સારું છે અને શું ખરાબ છે એ તેમને ખ્યાલ હોતો નથી.

પરિણામે જે બાળકોને હજી પૂરા પાકા દાંત આવ્યા પણ નથી હોતા તેમના દાંતમાં સડો થઈ જાય છે અને એ સડો એટલો ફેલાયેલો હોય છે કે દાંત જ કઢાવી નાખવો પડે છે. ખાસ કરીને નવજાત બાળકથી લઈને ત્રણ વર્ષની ઉંમર સુધીનાં બાળકોમાં દાંતની કાળજી માતા-પિતા રાખતાં નથી હોતાં. એનું એકમાત્ર કારણ એ છે કે બાળક નાનું હોય ત્યારે એને દાંતની કોઈ તકલીફ થઈ શકે છે એવું કોઈ સ્વીકારવા તૈયાર નથી હોતું. હકીકત એ છે કે ત્રણ વર્ષ સુધીનાં નાનાં બાળકોમાં પણ દાંતની કાળજી અનિવાર્ય છે. આ વર્ષોમાં જ તેના જીવનના પહેલા દાંત આવવાનું શરૂ થાય છે. એ શરૂઆત ઘણી કાળજી માગી લે છે. અમુક મૂળભૂત બાબતો જે આ ઉંમરનાં બાળકોમાં ધ્યાનમાં રાખવી જરૂરી છે એ વિશે આજે વિસ્તારથી જાણીએ.

દાંત અને ડાયેરિયા

નાના બાળકને જ્યારે દાંત આવે ત્યારે તેને ખૂબ જ ઇરિટેશન થાય છે. આ સમયે તેને ઝાડા કે ઊલટીની સમસ્યા પણ થાય છે, પરંતુ એનો દાંત સાથે સીધો સંબંધ નથી એ સમજવું જરૂરી છે. એ વાત સ્પષ્ટ કરતાં ઓર્થોડોન્ટિસ્ટ કહે છે કે દાંત આવે ત્યારે પેઢાંમાં ખૂબ જ ખંજવાળ આવે છે અને એને કારણે જ બાળક કોઈ પણ વસ્તુ મોઢામાં નાખે છે. તેનાં રમકડાં, નીચે પડેલી કોઈ પણ ચીજવસ્તુ વગેરે. એમાં રહેલા બેક્ટેરિયા બાળકના પેટમાં જાય છે અને એને કારણે બાળક માંદું પડે છે. બાળકને કોઈ પણ વસ્તુ મોઢામાં નાખતું અટકાવી શકાતું નથી. આથી બને ત્યાં સુધી તેની આસપાસની વસ્તુઓ સ્વચ્છ રાખવી જરૂરી છે. બીજું એ કે દાંતની તકલીફના કારણે બાળક ચીડિયું થઈ જાય, તેને ઇરિટેશન થાય એ નેચરલ છે. એ થવાનું જ છે. એના માટે કોઈ દવા એલોપથીમાં નથી. આ દરમિયાન સાધારણ રીતે ડોક્ટરો બાળકને કેલ્શિયમનાં સપ્લિમેન્ટ્સ આપે છે જેને લીધે બાળકના દાંત સારા આવે, પરંતુ એનાથી ઇરિટેશન ઓછું થવાનું નથી.

એક માન્યતા એવી પણ છે કે જે બાળકને બોટલ દ્વારા ચૂસીને દૂધ પીવાની આદત હોય છે તેના દાંત વાંકાચૂકા આવે છે. હકીકતમાં એવું નથી. આખો દિવસ બાળક ચૂસણી લઈને જ ફરતું હોય તો કદાચ એવું થઈ શકે, પરંતુ ફક્ત દિવસમાં ૩-૪ વખત બોટલનું દૂધ પીવાથી દાંત વાંકાચૂકા થાય એવું નથી. જોકે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ક્યારેક એવું થાય છે કે રાત્રે બાળકને ઊંઘમાં બોટલ દેતી વખતે બાળક સૂઈ જાય છે અને મમ્મી પણ ઊંઘમાં હોવાથી બોટલ મોઢામાંથી કાઢવાનું ભૂલી જાય છે. આથી દૂધ દાંત પાસે જમા થઈ જાય છે, જેને લીધે દાંતમાં સડો થવાની શક્યતા ઘણી વધી જાય છે. આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

બે દાંત વચ્ચે જગ્યા

દાંત વચ્ચેની જગ્યા વિશે વાત કરતાં દાંતના રોગોના નિષ્ણાત કહે છે કે આવું જોઇને ઘણાં માતા-પિતા ચિંતામાં પડી જાય છે કે તેમના બાળકના દૂધિયા દાંત વચ્ચે જગ્યા ઘણી વધારે છે, પરંતુ એમાં ચિંતા કરવાનું કોઈ ખાસ કારણ નથી. ઊલટું એ સારું છે, કારણ કે દૂધિયા દાંત કરતાં પાકા દાંત થોડા મોટા આવે છે.

પાકા દાંત આવે એટલે એ જગ્યા ભરાઈ જવાની છે, પરંતુ જો દૂધિયા દાંત વચ્ચે જગ્યા ન હોય તો તકલીફ થઈ શકે છે, કારણ કે પાકા દાંતને ઊગવા માટે જગ્યા ઓછી પડે અને પછી એ વાંકાચૂકા આવી શકે છે. જો દૂધિયા દાંત વચ્ચે જગ્યા ન હોય તો પણ ડેન્ટિસ્ટને બતાવવું, જેથી પાકા દાંત વ્યવસ્થિત આવવામાં મદદ મળી રહે.

ડેન્ટિસ્ટની વિઝિટ

બાળકને રાત્રે - સૂતાં પહેલાં બ્રશ કરવાની આદત કેળવો. આ આદત ત્યારે જ કેળવાશે જ્યારે તે જોશે કે તેનાં માતા-પિતા પણ રાત્રે બ્રશ કરે છે. રાત્રે બ્રશ કરવું અત્યંત મહત્વનું છે, કારણ કે દિવસભરનો ખાધેલો ખોરાક જે દાંતમાં ફસાઈ ગયો છે એ રાત્રે જ નીકળી જાય તો સડો થવાની બીક ઓછી રહે છે. ધ્યાનમાં રાખવા જેવી બીજી બાબત વિશે વાત કરતાં નિષ્ણાતો કહે છે કે જે બાળકોના દાંત આવવા લાગે તેમના દાંત પણ બરાબર આવી રહ્યા છે કે નહીં, તેને કોઈ ખાસ કેલ્શિયમ કે આયર્ન જેવાં સપ્લિમેન્ટની જરૂર છે કે નહીં એ માટે એક વાર બાળકને બે-ચાર દાંત આવી જાય પછી એક વખત ડોક્ટરને મળવું અત્યંત જરૂરી છે.

જો તમારા પરિવારમાં દાંત સંબંધિત જિનેટિકલી સમસ્યા હોય તો પણ એ બાબતે ડોક્ટરને જાણ કરી સોલ્યુશન મેળવી શકાય છે. આ ઉપરાંત બાળક માટે બ્રશની પસંદગી કાળજીપૂર્વક કરવી, કારણ કે જો મોટું બ્રશ હશે તો જડબાની અંદર છેક છેલ્લેના દાંત સુધી નહીં પહોંચે.

બાળક અને ચોકલેટ

બાળકની ચોકલેટ અને ગળ્યા પદાર્થો, જંક ફૂડ ખાવાની આદત પર રોક લગાવવી પણ અત્યંત જરૂરી છે. આ પદાર્થો દાંતમાં સડા માટે જવાબદાર છે. તમારાં ત્રણ વર્ષથી નીચેનાં બાળકોને એક શિસ્તમાં ઢાળો એ તેમના માટે ખૂબ સારું છે એ સમજાવતાં નિષ્ણાતો કહે છે કે બાળકોને ચોકલેટ ખાવા જ ન દેવી એ તો શક્ય નથી હોતું, પરંતુ આપણે ઉપાય કરીને તેને શિસ્તમાં ઢાળીને ચોકલેટનું દાંત સાથેનું એક્સપોઝર ઓછું કરી શકીએ. જેમ કે બાળકને કહો કે તે અઠવાડિયાના એક કે બે દિવસ પસંદ કરે અને તેને જેટલી ચોકલેટ ખાવી હોય એટલી એકબેઠકે ખાઈ લે. વિના રોક-ટોકે તેને ચોકલેટનો ઢગલો પણ કરશો તો પણ બાળક એકબેઠકે અમુક લિમિટમાં જ ચોકલેટ ખાશે. અમુક હદથી વધારે તે ખાઈ જ નહીં શકે. ચોકલેટ ખાઈ લે પછી તેને બ્રશ કરાવડાવી દો, જેથી સડો થવાનું રિસ્ક એકદમ ઘટી જાય. આ રીતે તમે તેની ડેન્ટલ હેલ્થની કાળજી રાખી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter