બાળમાનસને ભરડો લઇ રહ્યું છે વર્ચ્યુઅલ ઓટિઝમ

Wednesday 02nd July 2025 06:14 EDT
 
 

14 વર્ષનો માઇકલ મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પર વીતાવે છે. અરે, એક બે કલાક નહીં, માઇકલ દસ દસ કલાક સુધી મોબાઈલ જુએ છે. હવે તે શારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. મોબાઈલની લતથી તેનાં માતાપિતા ચિંતામાં હોય એ સ્વાભાવિક છે. માઇકલે દોસ્તોને મળવાનું, તેમની સાથે રમવાનું પણ બંધ કરી દીધું હતું. સ્કૂલે જવામાં આનાકાની કર્યા કરતો. બસ, એને તો આખો દિવસ મોબાઈલ જોવો હોય. આખરે માતાપિતા કંટાળીને ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે તપાસીને કહ્યું કે તમારો દીકરો મોબાઈલ એડિક્શનનો અને વર્ચ્યુઅલ ઓટિઝમનો શિકાર બન્યો છે. આવા અનેક કેસ આપણી આસપાસ બનવા માંડ્યા છે.

થોડાક મહિનાઓ પૂર્વે જ સૌરાષ્ટ્રની એક શાળામાં ઘટેલી ઘટના પણ આપ સહુને યાદ હશે જ. વીડિયો ગેમના રવાડે ચડેલા વિદ્યાર્થીએ માત્ર દસ રૂપિયાની લાલચ આપીને બીજા કેટલાય વિદ્યાર્થીઓને હાથ પર બ્લેડના કાપા મારવા તૈયાર કર્યા. આ લાલચે વિદ્યાર્થીઓએ એકબીજાના હાથ પર શાર્પનરથી ચીરા પાડ્યા. છેક અઠવાડિયા પછી આખો મામલો બહાર આવ્યો. જે છોકરાએ માત્ર દસ રૂપિયાની લાલચ આપી એ પણ વર્ચ્યુઅલ ઓટિઝમનો જ શિકાર થયો કહેવાય ને!
મોટાભાગના કિસ્સામાં બાળક રડે કે જીદ કરે એટલે માતાપિતા તેને ચૂપ કરાવવા માટે મોબાઈલ પકડાવી દે. ધીમે ધીમે તેની મોબાઈલની જીદ વધવા માંડે. અનેક સંશોધનો પણ કહે છે કે નાની વયથી બાળકોને ફોન આપવાથી તેમનો માનસિક વિકાસ રૂંધાય છે. એટલે જોવા જઈએ તો ઘણા કિસ્સામાં માતાપિતાની ભૂલથી જ તેમનું બાળક વર્ચ્યુઅલ ઓટિઝમનો શિકાર બને છે.

વર્ચ્યુઅલ ઓટિઝમ છે શું?
બાળક સતત કમ્પ્યુટર કે મોબાઈલ કે સ્ક્રીન ઉપર રહેતું હોય ત્યારે તે સામાન્ય બાળકોની સરખામણીએ કોઈ સાથે દોસ્તી કરતા નથી, એકલું રહેવું તેમને ગમતું હોય, કોઈ સાથે ઝડપથી હળેમળે નહીં, ધીમે ધીમે આવી સ્થિતિ વર્ચ્યુઅલ ઓટિઝમમાં ફેરવાય છે. ઓટિઝમ કરતાં વર્ચ્યુઅલ ઓટિઝમ અલગ છે.

ઓટિઝમ સામાન્ય રીતે ન્યુરોડેવલપમેન્ટ ડિસઓર્ડર ગણાય. મતલબ કે ઓટીઝમ અથવા ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (ASD) એ મગજનો રોગ છે. એમાં બાળકો કોઈનો અવાજ સાંભળ્યા બાદ પણ જવાબ આપતા નથી, ભાષા શીખવા, બોલવામાં તકલીફ પડે, પોતાનામાં જ મશગૂલ રહે, સામાન્ય બાળકો કરતાં અલગ તરી આવે. આ ઓટિઝમનાં લક્ષણો છે, જ્યારે વર્ચ્યુઅલ ઓટિઝમમાં આનાથી વિપરીત બાળકો પોતાનો વધારે સમય સ્ક્રીન પર જ પસાર કરે છે. મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટરમાં સતત રચ્યાંપચ્યાં રહેવાથી ધીમે ધીમે બાળકો વર્ચ્યુઅલ ઓટિઝમનો શિકાર બને છે.

વર્ચ્યુઅલ ઓટિઝમનાં લક્ષણો
એક નહીં, અનેક લક્ષણો બાળકોમાં ધીમે ધીમે જોવા મળે. જેમ કે, શીખવાની ક્ષમતા ઘટવા માંડે, કોઈ એક બાબત પર ધ્યાન ન આપી શકે, વધારે પડતા ચીડિયા થઈ જાય, ગુસ્સો કરવા લાગે, ફિઝિકલ એક્ટિવિટીથી બાળક દૂર થવા માંડે, દોસ્તો બનાવવા ન ગમે, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળે, પોતાની જ વાત યોગ્ય રીતે રજૂ ન કરી શકે, વારંવાર તેમનો મૂડ બદલાયા કરે, પોતાની વાત કોઈ ન સાંભળે ત્યારે વધારે પડતો ગુસ્સો કરે.

વર્ચ્યુઅલ ઓટિઝમનાં કારણો
આપણે આગળ માઇકલનું ઉદાહરણ જોયું કે તે સતત 10 કલાક મોબાઈલ પર જ વીતાવતો હતો. દોસ્તો સાથે અંતર વધારી દીધું હતું. પહેલાં તે બહાર રમવા જતો હતો તે પણ તેણે ધીમે ધીમે દૂર કરી દીધું હતું. આ જ કારણ છે કે માઇકલ માં વર્ચ્યુઅલ ઓટિઝમનાં લક્ષણો ધીમે ધીમે વધવા લાગ્યાં હતાં.
માઇકલ જેવાં બાળકો જેઓ વર્ચ્યુઅલ ઓટિઝમનો ભોગ બને છે તેઓ વર્ચ્યુઅલ વર્લ્ડને જ પોતાનું વાસ્તવિક જીવન માનવા માંડે છે, કારણ કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં તેમને પ્રતિક્રિયાની રાહ જોવી પડતી નથી, ત્યાં તેમને કોઈ જજ નથી કરતું, એવામાં બાળકો સમજવા, વિચારવાનું બંધ કરી દે છે. તેમની જોવાની, સાંભળવાની ક્ષમતા પર પણ આની અસર થાય છે. તેઓ બસ આભાસી વાતાવરણમાં રહેવા માગે છે. આ રીતે આ સમસ્યાની શરૂઆત થાય છે.

શું આની સારવાર થઈ શકે?
બાળકની સ્થિતિને આધારે વર્ચ્યુઅલ ઓટિઝમની સારવાર થઈ શકે. જેમ કે, 8થી 10 કલાક સ્ક્રીન પર જ ચોંટેલાં રહેતાં બાળકોની સ્થિતિ 4થી 5 કલાક સ્ક્રીન પર રહેતાં બાળકો કરતાં પણ વધારે ખરાબ કહી શકાય. એટલે પીડિત બાળક હાઈપરએક્ટિવ હોય, ચીડિયું હોય કે તેને બોલવામાં તકલીફ પડતી હોય તો આવાં જુદાં જુદાં કારણો જાણ્યા બાદ એ મુજબ તેમની સારવાર થઈ શકે.
જેમ કે, સૌપ્રથમ બાળકનું મૂલ્યાંકન થાય, તેની બરાબર તપાસ થાય. તેનો સ્ક્રીન ટાઈમ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે, બોલવામાં તકલીફ પડતી હોય તો તેને સ્પીચ ક્લાસીસ કરાવાય, બાળકને આનંદમય વાતાવરણ આપવામાં આવે, પોતાની ઉંમરનાં બાળકો સાથે તે રમે એવા પ્રયત્નો કરવામાં આવે, પેઈન્ટિંગ કે ડાન્સ કે અન્ય પ્રવૃત્તિમાં તેને રસ લેતું કરવામાં આવે, માતાપિતા સાથે તે વધુ ને વધુ સમય ફાળવે એ માટે પ્રોત્સાહન આપવામાં આવે, જરૂર પડે તો સારા મગજના ડોક્ટરને દેખાડીને દવા પણ લઈ શકાય.

ડોક્ટર શું કહે છે?
સામાન્ય રીતે ઓટિઝમનું નિદાન 2થી 4 વર્ષની ઉંમરે થાય. એમાં વાતચીત કરવાની ક્ષમતા ખામીયુક્ત હોય અને એક જ પ્રક્રિયાનું પુનરાવર્તન બાળકો કરતા હોય. સંશોધન મુજબ ઓટિઝમ થવાનાં અનેક કારણો હોય. તે વારસાગત પણ હોય અને આસપાસનું વાતાવરણ પણ એમાં મોટો ભાગ ભજવે. ખાસ તો કોરોના દરમ્યાન મોબાઈલનો ઉપયોગ વધ્યો. બાળકો પણ ત્યારે ઓનલાઈન ભણવા લાગ્યા. એ સમયે ઘરની બહાર જવાની વાત જ નહોતી. આ બે કારણોએ પણ બાળકનાં વિકસતાં મગજ ઉપર અસર કરી અને કેટલાંય બાળકો વર્ચ્યુઅલ ઓટિઝમનો શિકાર બન્યાં.
ઘણાં માતાપિતાને એવું લાગે છે કે તેમનું બાળક આમાંથી કેવી રીતે બહાર આવશે? પણ ગભરાવાની જરૂર નથી. થોડા પ્રયત્નો કરવાથી બાળક નોર્મલ થઈ શકે છે. જેમ કે, નિયમિત ફિઝિયોથેરાપી-સ્પીચ થેરાપી-બીહેવિયરલ થેરાપી તેમજ મોબાઈલનો ઉપયોગ બંધ કરી દેવો, માતાપિતાનો સંપૂર્ણ સાથ-સહકાર મળવો સાથે દવાઓની પણ જરૂર પડે, બાળકને સારું વાતાવરણ આપવું, પોતાની ઉંમરનાં બાળકો સાથે રમવા માટે તેને પ્રેરિત કરવું. આવા પ્રયત્નો કરવાથી બાળકને વર્ચ્યુઅલ દુનિયાથી વધુ ને વધુ દૂર રાખી શકાય.
સૌથી અગત્યની વાત કે બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે સૌપ્રથમ તો માતાપિતાએ પણ બાળકો સામે બને એટલો મોબાઈલફોનનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. જો માતાપિતા બાળક પાછળ દરરોજનો એક કલાક ફાળવે તો બાળક બહુ ઝડપથી વર્ચ્યુઅલ ઓટિઝમમાંથી બહાર આવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter