બીમારીનાં હુમલાઓ સામે લડતા વ્હાઈટ બ્લડ સેલ્સ

Wednesday 14th November 2018 05:39 EST
 
 

માનવશરીર ઘણું અસુરક્ષિત ગણાય છે. અનેક જીવાણુઓ, વિષાણુઓ સહિતના જીવજંતુઓ માનવશરીર પર ત્રાટકવાની રાહ જ જોતાં હોય છે. જરા પણ ફેવરેબલ સંજોગો જણાય તેની સાથે જ નરી આંખે જોઈ ન શકાય તેવાં સુક્ષ્માતિસુક્ષ્મ બેક્ટેરિયા અને વાયરસનો હુમલો શરુ થઈ જાય છે. આ તો ભલું થજો કુદરતનું કે બેક્ટેરિયા અને વાયરસના આક્રમણોને ખાળી શકાય તેવી સંરચના પણ તેણે કરી આપી છે. આક્રમણખોર જીવાણુ- વિષાણુઓ સામે લડવા આપણા શરીરમાં રોગપ્રતિકારક સિસ્ટમ છે. તમે નોંધ્યું હશે કે જ્યારે પણ તાવ સહિત નાની મોટી બીમારી આવી હોય ત્યારે ડોક્ટર તમને લોહીની તપાસ કરાવવાની સલાહ આપે છે. લોહીની તપાસમાં મુખ્યત્વે રક્તકણો, શ્વેત કણો એટલે કે વ્હાઈટ બ્લડ સેલ્સ (WBC) અને હિમોગ્લોબીનના પ્રમાણ પર પહેલાં ધ્યાન આપવામાં આવે છે.
આપણી રોગપ્રતિરોધક સિસ્ટમમાં વ્હાઈટ બ્લડ સેલ્સ લડવૈયા-સૈનિકની મુખ્ય ભૂમિકા ભજવે છે કારણકે કોઈ પણ રોગ કે ઈન્ફેક્શનના આક્રમણ સામે તે લડવા પહોંચી જાય છે. જ્યાં યુદ્ધ ખેલાતું હોય ત્યાંની હાલત ખરાબ થઈ જાય છે, ગરમી વધી જાય છે અને આક્રમણખોરો અને સૈનિકો મૃત્યુ પામવાથી ચેપ પણ લાગે છે અને સોજા-દાહ-બળતરા થાય છે. ચોક્કસ પ્રકારના શ્વેતકણ સોજાને ઘટાડવાનું કાર્ય કરે છે. ખરેખર તો આપણા શરીરમાં પાંચ પ્રકારના શ્વેતકણો આવેલા છે, જે તમામ આપણી ઈમ્યુન સિસ્ટમ મહત્તમપણે કાર્ય બજાવે તેની જવાબદારી સંભાળે છે. જ્યારે પણ તેઓ નબળાં પડે ત્યારે ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે.

વ્હાઈટ બ્લડ સેલ્સ એટલે શું?

સામાન્યપણે લ્યુકોસાઈટ્સ તરીકે ઓળખાતાં શ્વેતકણો કોષોનો સમૂહ છે, જેઓ આપણી રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. શ્વેતકણોના પાંચ પ્રકારમાં બેસોફિલ્સ (basophils), ઈસિનોફિલ્સ (eosinophils), ન્યુટ્રોફિલ્સ (neutrophils), લિમ્ફોસાઈટ્સ (lymphocytes) અને મોનોસાઈટ્સ (monocytes)નો સમાવેશ થાય છે. લ્યુકોસાઈટ્સ એલર્જિક રીએક્શન્સ, ઈન્ફ્લેમેટરી રિસ્પોન્સીસના નિયંત્રણ, વિદેશી આક્રમણખોરોનો નાશ કરવો અને મૃત કોષોના નિકાલની કામગીરી માટે જવાબદાર છે. કમનસીબે તમારા લોહીની તપાસમાં લ્યુકોસાઈટ્સના કાઉન્ટ વધુપડતા કે ઓછાં હોય ત્યારે તેનાં પરિણામો ગંભીર બની જાય છે.
જો વ્હાઈટ બ્લડ સેલ્સ ઓછાં હોય તેનો અર્થ એ થાય કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે અને કોઈ બીમારી સામે તમારી સુરક્ષા પણ નબળી છે. આથી તમે બીમારીનો ભોગ બની શકો છો. બીજી તરફ, વ્હાઈટ બ્લડ સેલ્સનું પ્રમાણ વધારે જોવાં મળે તો તમારાં શરીરમાં ગંભીર રોગ કે અવ્યવસ્થાની હાજરી હોવાનું જણાય છે.

વધુ શ્વેતકણો કેમ ખતરનાક?

રક્તકણો કે હિમોગ્લોબીન વધારે હોય તો સારું ગણાય છે પરંતુ, શ્વેતકણો માટે આવું નથી. શ્વેતકણો વધારે હોય તો તે ખતરાની નિશાની ગણાય છે. સૌપહેલાં તો શ્વેતકણોનું વધુ પ્રમાણ ઓક્સિડેટિવ સ્ટ્રેસ લાવવા માટે જવાબદાર છે. આપણા શરીરનાં એન્ટિઓક્સિડેન્ટ્સથી અસરકારક રીતે નાશ કરાયો ન હોય તેવાં ફ્રી રેડિકલ્સના કારણે આ સ્ટ્રેસ સર્જાય છે. તેનાથી તમારી ધમનીઓમાં અવરોધ સર્જાય છે અને પરિણામે હૃદયની આસપાસ છારીનું પ્રમાણ વધે છે, જે હાર્ટએટેક લાવી શકે છે. શ્વેતકણોનું પ્રમાણ વધુ હોય તો તેનાથી લોહી જાડું બને છે, જે તમારા યોગ્ય રક્તપ્રવાહમાં અવરોધરુપ બને છે તેમજ તમારી સિસ્ટમમાં સોજા લાવનારા સાયટોકાઈન્સની સંખ્યા વધારે છે અને શરીર પર સોજા દેખાઈ આવે છે.

શ્વેતકણોનું મહત્તમ પ્રમાણ કેટલું હોવું જોઈએ?

બ્લડ રિપોર્ટ હાથમાં આવતાની સાથે ડોક્ટરો શ્વેતકણોના કાઉન્ટ તપાસે છે, જેથી શરીરમાં બીમારીની પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટ કરી શકાય. સામાન્યપણે લોહીમાં શ્વેતકણોનું નોર્મલ પ્રમાણ ૪,૫૦૦થી ૧૧,૦૦૦ પ્રતિ માઈક્રોલિટર ગણવામાં આવે છે. જોકે, તેમાં લેબોરેટરી અને તેની પદ્ધતિ અનુસાર થોડો ફેરફાર હોઈ શકે છે. મહત્તમ પ્રમાણ અને ઈચ્છનીય પ્રમાણ વચ્ચે પણ થોડો ભેદ છે. એક અભ્યાસ અનુસાર ઊંચા શ્વેતકણ દર અને મૃત્યુદર વચ્ચે નોંધપાત્ર સહસંબંધ છે. તેનું તારણ એવું હતું કે શ્વેતકણોનું પ્રમાણ ૩,૫૦૦થી ઓછું અથવા ૬,૦૦૦થી વધુ રહે તો મૃત્યુદર વધુ રહે છે. આથી, ઈચ્છનીય પ્રમાણ ૩,૫૦૦થી ૬,૦૦૦ ગણી શકાય.

વ્હાઈટ બ્લડ સેલ્સના ઊંચા દરનો રોગ સાથે સંબંધ

ઊંચા WBC ડાયાલિસીસની સમસ્યાઓ વધારે છે. ન્યૂટ્રોફિલ્સનું વધુ પ્રમાણ સોજા અને કુપોષણનું કારણ બને છે. આ સમસ્યાની સાથે જ લીમ્ફોસાઈટ્સનું પ્રમાણ ઘટી જાય ત્યારે મૃત્યુનું જોખમ વધે છે. વ્હાઈટ બ્લડ સેલ્સના ઊંચા દરનો કેન્સરની ગાંઠની વૃદ્ધિ, હૃદયરોગો, ડાયાબિટીસ સાથે પણ સંબંધ હોવાનું અભ્યાસોથી સાબિત કરાયું છે. ખાસ કરીને વૃદ્ધ લોકોમાં તેનું જોખમ વધી જાય છે.
વાયરસ અને બેક્ટેરિયાના હુમલાઓ બાજુએ રાખીએ તો પણ આપણી લાઈફસ્ટાઈલ વ્હાઈટ બ્લડ સેલ્સના ઊંચા દરનું કારણ બને છે. સ્મોકિંગ અથવા ધૂમ્રપાન ઊંચા WBCને નોંતરે છે. તમે દિવસમાં કેટલી સિગારેટ ફૂંકી નાંખો છો, કેટલા સમયથી ધૂમ્રપાનની આદતના શિકાર છો અને કેટલો ધૂમાડો શ્વાસમાં લો છો તેના પર ઘણો આધાર રહે છે.
તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે ઠંડા તાપમાનમાં કસરત કરવાથી પણ શ્વેતકણોના કાઉન્ટ વધી જાય છે. ઠંડા તાપમાનમાં કસરત ન્યૂટ્રોફિલ્સ, મોનોસાઈટ્સ અને લીમ્ફોસાઈટ્સનું પ્રમાણ વધારી દે છે. જોકે, કસરત પછી તમે સામાન્ય વાતાવરણમાં પાછા ફરો ત્યારે આ પ્રમાણ ઘટવા લાગે છે. આમ છતાં, તમારા શ્વેતકણોનું પ્રમાણ સતત ઊંચું રહેતું હોય તો તમારે લાંબા સમય સુધી ઠંડા તાપમાનમાં કસરત કરવાનું ટાળવું જોઈએ. આવું જ જોખમ સૌના (sauna)ની મુલાકાતમાં ગરમ તાપમાન પણ લાવી શકે છે.

ઊંચા કે નીચા WBC માટે શું લાભકારી?

ઝીન્ક, વિટામીન બી-૧૨, ફોલિક એસિડ, વિટામીન ઈ, સેલેનિયમ જેવાં પોષક દ્રવ્યોની ઉણપથી WBC વધે છે. તમારા આહારમાં રોજ ૩૦૦
મિ.ગ્રા. સેલેનિયમ લેવામાં આવે તો પણ વ્હાઈટ સેલ્સના કાઉન્ટ નીચે લાવવામાં મદદ મળી શકે છે.
આહારમાં લેવાતું લસણ અનેક આરોગ્યપ્રદ લાભ આપે છે. જે લોકોમાં વ્હાઈટ સેલ્સના ઓછાં કાઉન્ટ હોય તેમના માટે લસણ લાભપ્રદ છે. જોકે, વ્હાઈટ સેલ્સના વધુ કાઉન્ટ ધરાવનારા માટે લસણ સારું ન ગણાય કારણકે સંશોધન અનુસાર લસણ ખાવાથી ન્યુટ્રોફિલ્સ, મોનોસાઈટ્સ અને લીમ્ફોસાઈટ્સનું લેવલ વધે છે.
શાર્ક લિવર ઓઈલમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે, જેનાથી વ્હાઈટ સેલ્સના ઉત્પાદનને ઉત્તેજન મળે છે. આથી, વ્હાઈટ સેલ્સના ઓછાં કાઉન્ટ હોય તેમના માટે શાર્ક લિવર ઓઈલ લાભપ્રદ છે. પ્રોલેક્ટિન અને લેપ્ટિન જેવા હોર્મોન્સ પણ શ્વેતકણનું પ્રમાણ વધારે છે.
આમ તો, સામાન્યપણે આલ્કોહોલના ઉપયોગની ભલામણ કરાતી નથી પરંતુ, તેનાથી વ્હાઈટ બ્લડ સેલ્સ ઘટતાં જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter