બેક્ટેરિયા આપણા બોડીગાર્ડ?!

Wednesday 26th November 2014 07:11 EST
 
 

અનેકવિધ પ્રકારના બેક્ટેરિયા સ્વસ્થ માણસના શરીરમાં હોય છે. આ બેક્ટેરિયાના કારણે જ તેની પાચનશક્તિ સ્ટ્રોન્ગ થાય છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને આ બેક્ટેરિયા જ તેને જાતજાતનાં વાઇરલ ઇન્ફેક્શનોથી બચાવતા હોય છે.

આંતરડાં, ફેફસાં, શ્વાસનળી, અન્નનળી, ચામડી, મોં, નાક, યોનિમાર્ગ સહિત વાતાવરણમાં ખૂલતા શરીરના અવયવોમાં ભગવાને પરોપજીવી બેક્ટેરિયાની મોટી ફોજ ખડકી દીધી છે એમ જણાવતાં તબીબી નિષ્ણાતો કહે છે કે પેટ, આંતરડાં ઉપરાંત શરીરમાં જે જગ્યાએથી ઇન્ફેક્શન પ્રવેશતું હોય છે એ ભાગોમાં ઇશ્વરે કમેન્સનલ બેક્ટેરિયાની જાજમ બિછાવી દીધી છે. આ બેક્ટેરિયા આપણા શરીરમાં ઇન્ફેક્શનને પ્રવેશવા દેતા નથી, એની સામે યુદ્ધ લડે છે. જાતજાતનાં વાઇરલ ઇન્ફેક્શનો સામે રક્ષણ આપતા આ બેક્ટેરિયા શરીરનું રક્ષણ કરતી ઢાલ છે.

અસંખ્ય બેક્ટેરિયા

આપણા શરીરમાં વસતા આ બેક્ટેરિયા અસંખ્ય તો છે જ, સાથે સાથે તેના પ્રકાર પણ અલગ અલગ હોય છે. કોઇ પણ વ્યક્તિના શરીરમાં સૌથી વધુ બેક્ટેરિયા પેટમાં અને આંતરડાંમાં હોય છે, જે આપણી પાચનશક્તિને મજબૂત રાખે છે.

આ બેક્ટેરિયાની સંખ્યા જેટલી વધારે એટલી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે એની વાત કરતાં નિષ્ણાતો કહે છે કે યુદ્ધમાં જેનું લશ્કર વધુ મોટું, વધુ મજબૂત હોય તેની શક્તિ વધુ અને છેવટે આ બળિયો જ યુદ્ધમાં વિજયી બનતો હોય છે. આ જ પ્રકારે તમારા શરીરમાં પણ આ બેક્ટોરિયાની સંખ્યા જેટલી વધુ હશે તેટલા જ જોરથી તે જાતજાતનાં વાઇરલ ઇન્ફેક્શન સામે લડીને જીતશે અને તમે માંદા નહીં પડો.

તેથી જો તંદુરસ્ત રહેવું હોય તો બેક્ટેરિયાની આ ફોજ હંમેશાં મોટી અને સલામત રહે એ આપણે જોવું જોઈએ.

બેક્ટેરિયાનું કામ શું?

આ બેક્ટેરિયા શરીર માટે બી (બી ૧, બી ૨, બી ૩, બી ૫, બી ૧૨) કોમ્પ્લેક્સ વિટામિન બનાવે છે. પેટના બેક્ટેરિયા ઓછા થાય તો બી કોમ્પ્લેક્સ વિટામિનની ઉણપ સર્જાય છે. તેથી મોઢું આવી જાય છે. આ કારણે જ મોઢું આવે ત્યારે ડૉક્ટરો બી કોમ્પ્લેક્સ માટેની ટેબ્લેટ્સ લેવાની સલાહ આપે છે.

આ બેક્ટેરિયા વિટામિન કે બનાવે છે. આ વિટામિનથી લોહી ગંઠાઈ શકે છે. જો બેક્ટેરિયાની સંખ્યા ઘટી જાય તો લોહી ગંઠાવામાં સમસ્યા થાય છે જેનાથી શરીરના અંદરના કે બાહ્ય ભાગોમાં ઇજા થાય તો લોહીનો સ્રાવ અટકતો નથી.

આ ઉપરાંત બેક્ટેરિયા આપણને બેક્ટેરિયલ, વાઇરલ, ફંગલ વગેરે ઇન્ફેક્શનો સામે રક્ષણ આપે છે.

બેક્ટેરિયા માણસની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. પાચનક્ષમતામાં પણ વધારો કરે છે.

આ બેક્ટેરિયા કેન્સર થતું પણ અટકાવે છે. શરીરમાં જો આ બેક્ટેરિયાની બહુ મોટી ફોજ હશે તો તમને કેન્સર સામે ચોક્કસ રક્ષણ મળી શકશે એવું તબીબોનું કહેવું છે.

બેક્ટેરિયા ટકાવશો કઇ રીતે?

કોઇ પણ શારીરિક સમસ્યાથી બચવું હોય તો સીધોસાદો એક નિયમ અપનાવો - કુદરતની વિરુદ્ધમાં જવાનું બંધ કરો. સિગારેટ પી, દારૂ પીવો, તમાકુનું સેવન કરવું, અપૂરતી ઊંઘ, ભોજન અને જીવનમાં અનિયમિતતા જેવાં કુદરત વિરુદ્ધનાં કાર્યો અને ટેવોથી આ બેક્ટેરિયાને પારાવાર નુકસાન થાય છે અને એની સંખ્યા ઘટી જાય છે.

આ ઉપરાંત વધુ પડતી એન્ટિબાયોટિક્સ દવાઓ લેવાથી, એસિડિટીની દવાઓ વધુપડતી અને સતત લેતા રહેવાથી પણ પેટના બેક્ટેરિયા નાશ પામતા હોવાથી એની સંખ્યા ઘટી જાય છે. પેટનો એસિડ ઓછો કરવા માટે તમે એસિડિટીની દવાઓ લો છો, પણ એ એસિડમાં જ તો આ બેક્ટેરિયા હોય છે. તેથી તમે એસિડિટી માટેની દવા વધુ લાંબો સમય લેતા રહેશો તો તમારા પેટના આ બેક્ટેરિયા મરી જશે. એવું જ એન્ટિબાયોટિક દવાઓ લેવાથી પણ થાય છે. તેથી આ દવાઓ હંમેશાં સમજીવિચારીને લેવી જોઈએ. તબીબી માર્ગદર્શન વગર તો ક્યારેય નહીં.

સદાબહાર સ્વસ્થ રહેવું હોય તો કુદરતી અને નિયમિત જીવન જીવો. સાદું, શુદ્ધ અને સંતુલિત ભોજન ખાઓ.

દહીંમાં આ બેક્ટેરિયા વધુ હોય છે જે પેટના બેક્ટેરિયાની સંખ્યા વધારે છે અને પાચનમાં મદદ કરે છે. તેથી જ દહીં કે છાશ લેવાથી પાચન સારું થાય છે અને જમ્યા પછી છાશ પીવા માટે આયુર્વેદમાં પણ ભારપૂર્વક કહેવાયું છે કે ભોજનાન્તે પીબેત તક્રમ, કિં વૈદ્યસ્ય પ્રયોજનમ્? મતલબ કે ભોજન પછી રોજ છાશ લો તો પછી વૈદની શી જરૂર છે?

જો બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય તો પ્રીબાયોટિક દવાઓ લઈ શકાય, પણ અગાઉ કહ્યું તેમ ડોક્ટરની સલાહ વગર કોઇ પણ પ્રકારની દવાઓ લેવાનું તમારા હિતમાં નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter