બ્રિટિશરોને પણ વજન ઘટાડવાના ઈન્જેક્શન્સનું ઘેલું લાગ્યું

(હેલ્થ બુલેટિન)

Sunday 17th May 2026 09:19 EDT
 
 

બ્રિટિશરોને પણ વજન ઘટાડવાના ઈન્જેક્શન્સનું ઘેલું લાગ્યું

સ્થૂળતાના અભિશાપને દૂર કરવા બ્રિટિશરો પણ વજન ઘટાડવાના ઈન્જેક્શન્સનો ઉપયોગ કરવા લાગ્યા છે. ફૂડ ફાઉન્ડેશન દ્વારા કરાયેલા એક પોલમાં બહાર આવ્યું છે કે દર 14માંથી એક અથવા આશરે 4 મિલિયન બ્રિટિશરે મોન્જારો (Mounjaro) અથવા વીગોવી (Wegovy) જેવા વેઈટ-લોસ ઈન્જેક્શન્સનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત, વધુ 12માંથી એક અથવા આશરે 4.4 મિલિયન લોકો ભવિષ્યમાં તેના ઉપયોગનું વિચારી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે વધુ પેશન્ટ્સ વેઈટ લોસ ઈન્જેક્શન્સ તરફ વળી રહ્યા છે અને આ ઈન્જેક્શન્સ માટે તાલીમબદ્ધ પ્રોફેશનલ્સનો સપોર્ટ લે મહત્ત્વપૂર્ણ છે. આ દવાઓને ‘રામબાણ ઈલાજ’ ગણવાની જરૂર નથી. સોશિયલ મીડિયા અથવા લોકલ બ્યુટી પાર્લર મારફતે આવા ઈન્જેક્શન્સ મેળવવામાં આવે તે જોખમી છે. બે તૃતીઆંશ બ્રિટિશર ઓવરવેઈટ છે અને ભૂખને જગાવતા હોર્મોન્સને અવરોધી કામ કરતી GLP-1 ડ્રગ્સને શરીરની વધતી ચરબી સામે લડવામાં મોટી સફળતા ગણવામાં આવે છે. અંદાજે 1.6 મિલિયન આ દવાઓ લઈ રહ્યા છે પરંતુ મોટા ભાગની દવા ખાનગી રાહે ખરીદાતી હોવાથી સત્તાવાર આંકડા નથી. 2023થી 2025ના સમયગાળામાં આ દવાઓ માટે NHS પ્રિસ્ક્રિપ્શન્સ 1.4 મિલિયનથી વધીને 2.7 મિલિયનના આંકડે પહોંચી ગયા હતા.

••• 

મર્યાદિત શરાબપાનથી પણ મગજના આરોગ્યને અવળી અસર

એક ગાયન છે ‘પીનેવાલો કો પીને કા બહાના ચાહિયે.’ આવું માનનારાએ પણ ચેતી જવું જોઈએ કારણકે થોડી માત્રામાં પણ શરાબપાન કરવાથી મગજના આરોગ્યને અવળી અસર થતી હોવાનું ‘આલ્કોહોલ’ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસના તારણો જણાવે છે. આ અભ્યાસમાં ઓછી જોખમી આલ્કોહોલ મર્યાદાથી વધુ પ્રમાણમાં શરાબ નહિ લેતા તંદુરસ્ત વયસ્કોમાં શરાબપાનની અસરોની પરીક્ષા કરાઈ હતી. સંશોધકોએ MRI સ્કેન્સના ઉપયોગ થકી ઊંચા આલ્કોહોલ સેવન અને મગજમાં ઓછાં રક્તપ્રવાહ વચ્ચેનો સંબંધ શોધ્યો હતો. આ ઉપરાંત, વૃદ્ધ વયસ્કોમાં આવી અસર વધુ જણાઈ હતી. મધ્યમ પ્રમાણમાં શરાબપાનને ઓછું જોખમી ગણાય છે ત્યારે આલ્કોહોલની કોઈ સલામત માત્રા ન હોવાનું દર્શાવતા વધુ સંશોધનો બહાર આવી રહ્યા છે. નાના પાયા પરના અભ્યાસમાં 22થી 70 વર્ષની વયના 45 તંદુરસ્ત વયસ્કોનો સમાવેશ કરાયો હતો, જેઓ શરાબપાનની વિકૃત અસરનો કોઈ ઈતિહાસ ધરાવતા ન હતા. પરિણામોએ દર્શાવ્યું હતું કે ઓછાં પ્રમાણમાં શરાબપાનથી પણ મગજમાં ઓક્સિજન પૂરો પાડનારો રક્તપ્રવાહ મંદ જણાયો હતો. રક્તપ્રવાહ ધીમો પડવાથી વિચાર, યાદશક્તિ અને ભાષા પર નિયંત્રણ ધરાવતાં ફ્રન્ટ્લ અને ટેમ્પોરલ લોબ્સ વિસ્તારોને અસર થાય છે. સમયાંતરે મંદ રક્તપ્રવાહ જ્ઞાનેન્દ્રિયોની કાર્યક્ષમતા ઘટાડવામાં કારણભૂત બને છે. તાજેતરના વધુ સંશોધનો અનુસાર મધ્યમ પ્રમાણમાં શરાબપાન પણ DNAને નુકસાનમાં ફાળો આપી શકે છે અને ચોક્કસ પ્રકારના કેન્સર થવાનું જોખમ સર્જે છે. ધ સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC) દ્વારા લોકોને આલ્કોહોલનો ઉપયોગ મર્યાદિત કરવાની સલાહ અપાઈ છે. CDC કહે છે કે મહિલાઓએ દિવસમાં માત્ર એક ડ્રિન્ક અને પુરુષોએ દિવસમાં માત્ર બે ડ્રિન્ક્સની મર્યાદા રાખવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter