લંડન: તબીબી જગતની લાપરવાહીનો અજબ કિસ્સો બ્રિટનમાં બહાર આવ્યો છે. બેકી જોન્સ 21 વર્ષની હતી ત્યારે તેને બ્રેઇન ટ્યુમરનું નિદાન થયું હતું. ગાંઠ કેન્સરની હોવાનું કહી કીમોથેરપી શરૂ કરાઇ. કીમોથેરપીનાં સેશન્સ સતત 11 વર્ષ ચાલ્યાં. બેકી 34 વર્ષની થઈ ત્યારે તેણે બીજા ડોક્ટરોને કન્સલ્ટ કર્યા તો ખબર પડી કે તેને કેન્સર છે જ નહીં. વાત એમ હતી કે 2012માં તેને સતત માથાનો દુખાવો રહેતો હતો. બ્રેઇન-સ્કેન કરાયું તો મગજમાં એક ઘા દેખાયો. એ વખતે સારવાર કરનારા ડોક્ટરોને એ ઘા અને તેના લીધે ઊપસેલો ભાગ ખતરનાક ટ્યુમર હોવાનું લાગ્યું હતું. તેને એવું પણ કહેવાયું કે તેની પાસે હવે બહુ ઓછા દિવસો બચ્યા છે. કેન્સર નિષ્ણાતોએ તેને કીમોથેરપી શરૂ કરી. કીમોથેરપી ડોઝના લીધે તે ખૂબ બીમાર રહેવા લાગી. કોઇ કામકાજ કરી શકતી નહોતી. જોકે તેણે હાર ન માની. તેણે બીમારીથી થાકીહારીને અન્ય નિષ્ણાતોને કન્સલ્ટ કર્યા. તેમણે કેટલાંક ટેસ્ટ કરાવ્યાં તો ખબર પડી કે મગજમાં કેન્સરની ગાંઠ નથી, માત્ર સોજો છે ને આ સોજો સ્ટેરોઇડ્સથી દૂર થઈ શકે એમ છે. બેકી એ પછી સ્ટેરોઇડ્સ દ્વારા સાજી થઈ ગઇ હતી. હવે બેકીએ 11 વર્ષ સુધી નાહક કીમોથેરપી લેવડાવનારા યુનિવર્સિટી હોસ્પિટલ્સ કોવેન્ટ્રી એન્ડ વોરવિકશાયર (UHCW) એનએચએસ ટ્રસ્ટ સામે કેસ કર્યો છે.


