બ્લડ પ્રેશરની દવા બ્રેઈન કેન્સર ટ્યુમરની વૃદ્ધિને ધીમી પાડી શકે
બ્લડ પ્રેશરની સારવારમાં 70 કરતાં વધુ વર્ષથી ઉપયોગમાં લેવાતી સામાન્ય દવા હાઈડ્રાલેઝાઈન (Hydralazine) બ્રેઈન કેન્સર ટ્યુમરની આક્રમક વૃદ્ધિને ધીમી પાડવામાં મદદરૂપ બની શકે તેમ સંશોધકોનું માનવુ છે. યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના સંશોધકોએ આ દવા શરીરમાં મોલેક્યુલર સ્તરે કેવી રીતે કામ કરે છે તેનો અભ્યાસ કર્યો ત્યારે જણાયું કે હાઈડ્રાલેઝાઈન બ્રેઈન કેન્સરના આક્રમક ટ્યુમર ગ્લીઓબ્લાસ્ટોમા (glioblastoma)ના વધવાની ગતિને ધીમી પાડવાની ક્ષમતા ધરાવે છે. આ દવા કેવી રીતે શરીરમાં કામ કરે છે તેની જાણકારી ન હોવામાં કોઈ નવાઈ નથી કારણકે સંશોધકોનું કહેવું છે કે 10છી 20 ટકા દવાઓની કામગીરીનું મિકેનિઝમ હજુ સુધી અજાણ્યું છે. આ અભ્યાસ માટે સંશોધકોએ હાઈડ્રાલેઝાઈનનું સ્પેશિયલ વર્ઝન HYZyne તૈયાર કર્યું હતું અને કેન્સરના કોષો પર તેની અસરને તપાસી હતી. ટ્યુમર ગ્લીઓબ્લાસ્ટોમા ધરાવતા મોટા ભાગના પેશન્ટ નિદાન કરાયા પછી આશરે 12થી 18 મહિના જીવતા હોય છે.સર્જરી, રેડિયોથેરાપી અને કીમોથેરાપીના વિકલ્પો સાથેની સારવાર છતાં, પેશન્ટ 5 વર્ષ જીવી શકે તેનો દર માત્ર 5 ટકા જેટલો જ છે. હાઈડ્રાલેઝાઈન પર સંશોધનોના પરિણામે, ગ્લીઓબ્લાસ્ટોમાની સારવારનું ભવિષ્ય ઉજળું જણાય છે. ‘સાયન્સ એડવાન્સીસ’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં એમ પણ જણાવાયું છે કે ગ્લીઓબ્લાસ્ટોમા ટ્યુમરની વૃદ્ધિ અટકાવવા ઉપરાંત, હાઈ બ્લડ પ્રેશરના લીધે સર્જાતી અસામાન્ય સગર્ભાવસ્થાની પરિસ્થિતિ એટલે કે પ્રીક્લામ્પસિઆ (preeclampsia)ની સારવારમાં પણ હાઈડ્રાલેઝાઈન નવી થેરાપી તરીકે કામ કરી શકે છે.
•••
LDLની અસર 60 ટકા ઘટાડતી નવી દવા
શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલ અથવા લો ડેન્સિટી લિપોપ્રોટિન (LDL)ના કારણે હૃદયરોગોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે LDLનું સ્તર ઘટાડવાના પ્રયોગોમાં સફળતા મળી છે. પરીક્ષણ હેઠળની નવી દવા એન્લિસિટાઈડ (Enlicitide) LDLની અસરને 60 ટકા ઘટાડતી હોવાનું જર્નલ JAMAમાં પ્રકાશિત અભ્યાસમાં જણાયું છે. જો વાંરંવારના પરીક્ષણોમાં આવાં જ પરિણામો મળશે તો ચોક્કસ જિનેટિક કંડિશન્સ ધરાવતા લોકો માટે આશીર્વાદ બની રહેશે. આવા લોકોમાં LDLનું સ્તર ઊંચુ જ રહે છે અને સ્ટેટિન્સની સારવાર, કસરત ઉપરાંત, લાઈફસ્ટાઈલમાં બદલાવ પણ તેમને ખાસ ફાયદો કરતા નથી. આ સંજોગોમાં સ્ટેટિન્સથી અલગ પ્રકારે જ કામ કરતા PCSK9 ઈન્હિબિટર્સના ઉપયોગની સલાહ અપાય છે જે મુખ્યત્વે ઈન્જેક્શન તરીકે જ મળી શકે છે. ગોળી સ્વરૂપની નવી દવા એન્લિસિટાઈડ લોહીમાંથી ખરાબ કોલેસ્ટરોલને દૂર કરવામાં મદદરૂપ રિસેપ્ટર્સની સંખ્યાને વધારશે જેનાથી LDL ઝડપથી દૂર કરી શકાશે. સંશોધકોએ 17 દેશોમાં 59 સ્થળોએથી જિનેટિક ડિસઓર્ડર હેટેરોઝાયગોસ ફેમિલીઅલ હાઈપરકોલેસ્ટેરોલેમીઆ (HeFH) ધરાવતા અને સ્ટેટિન્સની દવાઓ લેતા 303 લોકો પર અભ્યાસ કર્યો હતો. 202 પેશન્ટને 52 સપ્તાહ સુધી એન્લિસિટાઈડ દવા અપાઈ હતી,જ્યારે 101 પેશન્ટને પ્લેસિબો અપાયા હતા. એન્લિસિટાઈડ લેનારા પેશન્ટ્સમાં 24 સપ્તાહ પછી LDL કોલેસ્ટેરોલમાં 58.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે પ્લેસિબો લેનારા ગ્રૂપમાં LDLનું પ્રમાણ સરેરાશ 2.6 ટકા વધ્યું હતું. 52 સપ્તાહ પછી આ ઘટાડો/વધારો અનુક્રમે 55.3 ટકા અને 8.7ટકા રહ્યો હતો.
•••


