બ્લૂ વ્હેલની જેમ બાળકોને આત્મહત્યા માટે ઉશ્કરતી Momo ચેલેન્જ

Tuesday 21st August 2018 08:30 EDT
 
 

વોશિંગ્ટનઃ જીવલેણ બ્લૂ વ્હેલ ગેમ ચેલેન્જ બાદ હવે સોશિયલ મીડિયા પર વધુ એક ચેલેન્જ વાઈરલ થઈ રહી છે. વ્હોટ્સએપ પર પોપ્લુલર થઈ રહેલી આ ગેમ Momo ચેલેન્જના નામે ઓળખાય છે. આર્જેન્ટિના, મેક્સિકો, અમેરિકા, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં આ ચેલેન્જનો ઝડપથી વ્યાપ વધી રહ્યો છે. આ ચેલેન્જ બાળકોને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરે છે. મોમો ચેલેન્જ ક્યાંથી આવી અને તેને કોણે બનાવી એ અંગે હજુ કોઈ જાણકારી મળતી નથી.

મોમો ચેલેન્જ શું છે?

સોશિયલ મીડિયા પર એક વ્હોટ્સએપ નંબર વાઈરલ થઈ રહ્યો છે, જેને મોમો ચેલેન્જ ગણાવાઈ રહી છે. આ નંબરનો એરિયા-કોડ જાપાનનો છે. દાવો એવો કરાય છે કે જે આ નંબરથી વાત કરવા ઇચ્છે છે તે છેવટે સ્યુસાઈડ કરવા માટે મજબૂર થઈ જાય છે. આ ચેલેન્જ પણ બ્લૂ વ્હેલની ગેમ જેવી છે અને તે પણ લોકોને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરે છે.

કઈ રીતે કામ કરે છે?

મીડિયા રિપોર્ટ અનુસાર સૌથી પહેલાં યુઝર્સને અજાણ્યા નંબર પર મેસેજ કરવા માટેની ચેલેન્જ અપાય છે. નંબર સેવ કર્યા બાદ આ નંબરથી વાત કરવાની ચેલેન્જ અપાય છે. મેસેજ કરતાં જ આ નંબર પરથી યુઝરને કેટલીય ડરામણી તસવીર મોકલાય છે. આ પછી યુઝરને કેટલાક ટાસ્ક અપાય છે. જે ટાસ્ક પૂરી નહીં કરવાથી ધમકાવાય છે.

કઈ રીતે ચેલેન્જ બહાર આવી?

આર્જેન્ટિનામાં હાલમાં એક ૧૨ વર્ષની બાળકીએ આત્મહત્યા કરી લીધી હતી. સ્યુસાઈડ કરતાં પહેલાં તેણે પોતાના મોબાઈલ ફોનમાં પોતાનો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. પોલીસને શંકા છે કે તેને એમ કરવા માટે ઉશ્કેરવામાં આવી હશે. હાલમાં પોલીસ ૧૮ વર્ષના એક ટીનેજરને શોધી રહી છે જે બાળકીના સંપર્કમાં હતો. પોલીસનું કહેવું છે કે એ ટીનેજરની તપાસ કરવા માટે બાળકીના મોબાઈલને હેક કરાયો છે અને બંને વચ્ચે જે પણ ચેટ થઈ છે તે તપાસાઈ રહી છે. મોમો ચેલેન્જને પૂરી કરવા માટે બાળકીને પોતાની આત્મહત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા કહ્યું હતું.

બાળકોને કઈ રીતે બચાવશો?

વિશ્વના અન્ય દેશોમાં મોમો ચેલેન્જ ભલે હજુ ખાસ પગપેસારો કરી શકી નથી, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે પગપેસારો કરી શકે છે. આ ચેલેન્જથી બાળકોને બચાવવા માટે એક મનોરોગ વિશેષઞ્જે સૂચવ્યું હતું કે જો બાળક સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય તો તેના પર નજર રાખો. બાળકોને સમજાવવું જોઇએ કે કોઈ પણ અજાણ્યા નંબર પરથી મેસેજ આવે તો તેની સાથે વાત ન કરવી. જો બાળકની વર્તણૂંકમાં કંઈક ફેરફાર લાગે, તેમની રોજની એક્ટિવિટીમાં મોટો ફેરફાર જણાય. મતલબ કે તે પોતાનામાં ખોવાયેલો લાગે, શાંત રહે કે અચાનક ખાવાપીવાનું છોડી દે તો તરત જ મનોરોગ વિશેષઞ્જની મદદ લેવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter