ભારત પર ‘કેન્સરના સુનામી’નો ખતરો મંડરાઇ રહ્યો છેઃ નિષ્ણાતો

Wednesday 11th March 2020 05:15 EDT
 
 

વોશિંગ્ટનઃ કેન્સરના દર્દીઓની સફળ સારવાર અને આ ઘાતક બીમારી અંગે મહત્વપૂર્ણ સંશોધનો માટે જગવિખ્યાત ભારતીય મૂળના બે અમેરિકન ડોક્ટરોએ ભારત અંગે ચેતવણી આપી છે. ડોક્ટર દત્તાત્રેયુડુ નોરી અને ડોક્ટર રેખા ભંડારીએ ભારતને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક યોગ્ય પગલાં ઉઠાવવામાં નહીં આવે તો દેશમાં ટૂંક સમયમાં ‘કેન્સરનું સુનામી’ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.
કેન્સરની સારવારમાં નિષ્ણાત ડો. દત્તાત્રેયુડુ નોરી આ ઘાતક બીમારીથી પીડિત અનેક અગ્રણી ભારતીય નેતાઓની સારવાર કરી ચૂક્યા છે. આ નેતાઓમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત નીલમ સંજીવ રેડ્ડીનો પણ સમાવેશ થાય છે. જ્યારે ડો. રેખા ભંડારી પીડાનિવારક દવાઓના ક્ષેત્રમાં સંશોધન માટે પ્રખ્યાત છે.
બંનેનો સ્પષ્ટ મત છે કે આરોગ્ય મામલે જાગૃતિ અને રોગને પ્રારંભિક તબક્કે ઓળખવાના પ્રયાસો મારફત જ ભારતને ‘કેન્સરના સુનામી’થી બચાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પ્રતિ દિન ૧૩૦૦ લોકોના મોત કેન્સરથી જ થઈ રહ્યા છે.
ભારતીય મૂળના આ બંને ડોક્ટરોએ ચેતવણી આપી છે કે તાત્કાલિક પર્યાપ્ત અને યોગ્ય પગલાં ઊઠાવવામાં આવે તો ભારતમાં કેન્સરની બીમારી વિનાશક હદે વકરી શકે છે.
ડો. નોરીએ જણાવ્યું કે, ભારતમાં દર વર્ષે કેન્સરના અંદાજે ૧૨ લાખ નવા કેસ સામે આવી રહ્યા છે. આટલી મોટી સંખ્યા અર્લી ડિટેન્શનના લોઅર રેટ અને નબળી સારવારનો તરફ સંકેત આપે છે.
ન્યૂ યોર્ક સ્થિત ડો. નોરીનું કહેવું છે કે કેન્સરથી ભારતના લોકોએ સામાજિક અને આર્થિક સ્તરે ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ બીમારી પીડિત પરિવારને ગરીબીના કળણમાં ધકેલી દે છે અને સામાજિક અસમાનતામાં વધારો કરે છે.
ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે ભવિષ્યવાણી કરી છે કે આગામી દસકામાં એટલે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં દર વર્ષે કેન્સરના અંદાજે ૧૭ લાખ નવા કેસ સામે આવશે.

૨૦૧૫માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત ડો. નોરી વડા પ્રધાન નરેનદ્ર મોદીના ‘આયુષ્માન ભારત પ્રોજેક્ટ’ અને નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ તૈયાર કરવાના નિર્ણયથી ઘણા પ્રભાવિત છે. તેમણે સ્વાસ્થ્ય સંભાળની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. ડો. નોરીનું કહેવું છે કે કેન્સરના જોખમનો સામનો વહેલા નિદાન અને હેલ્થ એજ્યુકેશનના ઝડપી પ્રસારથી જ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter