નવી દિલ્હીઃ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનીસ્ટ્રેશન (FDA) ડિપાર્ટમેન્ટે ભારતીય બનાવટની HIV પ્રતિરોધક રસીના જેનરિક વર્ઝનને મંજૂરી આપી છે. વર્ષમાં માત્ર બે વખત આ વેક્સિન લેવાથી HIV રોકી શકાય છે. સસ્તી કિંમતની આ રસીથી મધ્યમ અને ઓછી આવક ધરાવતા 120 દેશોમાં કરોડો લોકોને રાહત મળશે.
લેનાકાપાવિર તરીકે ઓળખાતી આ રસીને ભારતની ડો. રેડ્ડીઝ લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવી છે. ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે આ એક મોટી સિદ્ધિ સમાન છે. આફ્રિકા સ્થિત વિટ્સ RHI અને ક્લિન્ટન હેલ્થ એક્સેસ ઈનિશિએટિવ સાથે થયેલા કરાર અંતર્ગત આ વેક્સિન બનાવાઈ છે. આ વેક્સિનને એકદમ વાજબી દરે ઉપલબ્ધ કરાવવા અને તેનું ઉત્પાદન વધારવા સહયોગી સંસ્થાઓએ મદદ કરી હતી. વાર્ષિક 40 ડોલરના ખર્ચે આ વેક્સિન જરૂરિયાતમંદ દેશોમાં ઉપલબ્ધ કરાશે. દવાની ગોળીઓ અને રસીઓ વચ્ચેની સરખામણી દરમિયાન જાણવા મળ્યું હતું કે, દવાઓ નિયમિતપણે લેવી પડે છે જ્યારે આ વેક્સિન માત્ર બે વખત લેવાથી નવા ઈન્ફેક્શન્સ પર પણ કાબૂ મેળવી શકાય છે એટલું જ નહીં, HIVનું હાઈ રિસ્ક ધરાવતા લોકોમાં તે વધુ અકસીર છે.


