ભારતવંશી તબીબની સિદ્ધિઃ સ્ટેમ સેલ થેરપીથી એઈડ્સને નાથ્યો

Monday 11th March 2019 06:05 EDT
 
 

લંડનઃ એચઆઇવી એઈડ્સની ગણતરી જગતના સૌથી અસાધ્ય રોગમાં થાય છે. તેની સારવાર અશક્ય મનાય છે. જોકે બ્રિટિશ વિજ્ઞાનીઓની એક ટીમે સ્ટેમ સેલ થેરપીની મદદથી એક દરદીને એચઆઈવીના વાઈરસમુક્ત કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિમાં એક ભારતવંશી પ્રોફેસર-ડોક્ટર રવિન્દ્ર ગુપ્તાનું સિમાચિહનરૂપ યોગદાન છે. કોઈ વ્યક્તિને એચઆઈવી થયો હોય અને તેને ફરી નવજીવન મળ્યું હોય તેવી તબીબી જગતની બીજી ઘટના છે.
સંશોધકો આ ઘટનાને તબીબી જગતના ઈતિહાસમાં સિમાચિહનરૂપ ગણાવી રહ્યા છે. દર્દી લંડનનો રહેવાસી હોવાનું જણાવાયું છે, પરંતુ તેનું નામ જાહેર કરાયું નથી. આ સમગ્ર સારવાર ભારતવંશી ડોક્ટર ગુપ્તાના નેતૃત્વમાં કરાઇ હતી.
વિશ્વભરમાં હાલ ૩.૭ કરોડ લોકો એચઆઇવીગ્રસ્ત છે અને આ બીમારીનો કોઈ ઈલાજ ન હોવાથી પડકારજનક જીવન જીવી રહ્યા છે. હવે આ સારવારે તેમના માટે આશાનું કિરણ સર્જ્યું છે. ડોક્ટરોની ટીમનું કહેવું છે કે લંડનના એક વ્યક્તિને સ્ટેમ સેલ થેરાપી વડે એચઆઇવી વાઇરસથી મુક્ત કરાયો છે. સ્ટેમ સેલ દ્વારા અનેક રોગોની સારવાર શક્ય હોવાનું નિષ્ણાતો જાણે છે, પરંતુ સ્ટેમ સેલને સંશોધકો હજુ સંપૂર્ણ સમજી શક્યા નથી. કોઈ પણ સજીવનું શરીર કોષ (સેલ)નું બનેલું હોય છે. આ સેલમાં રહેલા ડીએનએમાં જ રોગની બ્લુપ્રિન્ટ પણ રહેલી હોય છે.
સંશોધકો જો આ સેલને બદલી શકે (બદલી શકાય તેવા કોષને સ્ટેમ સેલ કહેવામાં આવે છે) તો રોગને કાયમી ધોરણે નાબૂદ કરી શકાય છે. ઘણા રોગોની સારવારમાં આ રીતે સ્ટેમ સેલ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. બ્રિટન અને આફ્રિકામાં વર્ષોથી એચઆઈવી પર સંશોધન કાર્ય કરતા પ્રોફેસર રવિન્દ્ર ગુપ્તા અને તેમની ટીમે એઇડ્સના દર્દી પર આ થેરપીનો ઉપયોગ કરવામાં સફળતા મેળવી છે.
૨૦૦૩માં પ્રોફેસર ગુપ્તા પાસે એક દરદી આવ્યો હતો. તેને કેન્સર હતું. એ કેન્સરની સારવાર માટે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એમ હતું. એ માટે સ્ટેમ સેલ થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સારવારના અંતે તબીબોના ધ્યાનમાં આવ્યું હતું કે કેન્સર સાથે દરદીના શરીરમાં રહેલા એચઆઈવીના વાઈરસ પણ નાબૂદ થયા છે.
આ પહેલા એક જર્મન નાગરિક ટિમોથી રે બ્રાઉનના શરીરમાંથી એચઆઈવીના વાઈરસ દૂર કરી શકાયા હતા. એઈડ્સથી મુક્ત થયા હોય એવા એ દુનિયાના પહેલા વ્યક્તિ છે. કેટલાક વર્ષો પહેલા તેમને એઈડ્સ મુક્ત જાહેર કરાયા હતા અને આજે પણ તેઓ એઈડ્સ મુક્ત છે. એચઆઈવી એક વાઈરસ છે અને એઈડ્સ તેનાથી થતો જીવલેણ રોગ છે. આથી જ એચઆઈવીના વિષાણુ જેમના શરીરમાં હોય એમને સામાન્ય રીતે એઈડ્સના દરદી જ માની લેવામાં આવે છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે જે સ્ટેમ સેલ દ્વારા સારવાર કરવામાં આવી હતી એ સેલ પણ કોઈ ડોનરના હતા. જોકે બધા એચઆઈવીના દરદીઓની આ રીતે સારવાર થઈ શકે એવું શક્ય નથી તેથી આને સંપૂર્ણ સફળ સંશોધન માની શકાય નથી. આ માટે હજુ વિશેષ સંશોધન બાકી છે. અલબત્ત, આ સ્ટેમ સેલ થેરપીની સારવારમાં સાંપડેલી સફળતાથી અસાધ્ય રોગના નિવારણની દિશામાં નવો આશાવાદ જરૂર જોવા મળ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter