તિરુવનંતપુરમ્ઃ કેરળના વૈજ્ઞાનિકોએ ઓપન હાર્ટ સર્જરીનો ખર્ચ ઘટાડે તેવું બ્લડ ફ્લો મીટર વિકસાવીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે. અત્યાર સુધી આ મીટર વિદેશથી આયાત કરતું હોવાથી ઓપન હાર્ટર સર્જરીનો ખર્ચ ઘણો વધી જતો હતો અને ઘણા દર્દીઓને આર્થિક કારણસર સર્જરી ટાળવાની ફરજ પડતી હતી.
કેરળના વૈજ્ઞાનિકોએ હથેળી જેવડું બ્લડ ફ્લો મીટર બનાવવામાં સફળતા મેળવી છે, અને હવે આ ઉપકરણની પેટન્ટ રજિસ્ટર કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. અત્યાર સુધી ભારતમાં ઓપન હાર્ટ સર્જરી માટે જરૂરી ડિવાઈસ વિદેશથી મેળવવામાં આવતા હતા. તેના કારણે ઓપન હાર્ટ સર્જરી સરવાળે ખૂબ મોંઘી પડતી હતી.
ભારતના વૈજ્ઞાનિકોએ જ સ્વદેશી ડિવાઈસ બનાવ્યું હોવાથી તેની પડતર કિંમત ઘણી ઓછી થશે. આથી ભારતના અસંખ્ય હાર્ટ પેશન્ટ્સને તેનો ફાયદો મળશે. આ ડિવાઈસ મેગ્નેટિક મેથડથી કામ કરશે અને તેમાં સિગ્નલ કંડિશનિંગ ટેકનિકનો ઉપયોગ થયો છે. આ સાધનમાં કોસ્ટ ઘટી જતી હોવાથી સર્જરીમાં પણ ઓછી કિંમત લાગશે.
તબીબી પરીક્ષણ સાથે સંકળાયેલા અનેકવિધ માપદંડોમાં ખરા ઉતર્યા બાદ આ ડિવાઈસની પેટન્ટ રજિસ્ટર કરવામાં આવી રહી છે. અગાઉ કાર્ડિયાક અને હાર્ટ સર્જરીમાં ઉપયોગી ઉપકરણો શોધી ચૂકેલી ટીમના સભ્યો એસ. એસ. નાયર, વિનોદ કુમાર, વી. શ્રીદેવી અને નાગેશ ડિએસ જેવા વૈજ્ઞાનિકોએ મળીને આ મેડિકલ ડિવાઈસ વિકસાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.