મગજ પણ જરૂરી પ્રમાણમાં કોલેસ્ટરોલ બનાવી લે છે
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે. જોકે, શરીર માટે કોલેસ્ટરોલ આવશ્યક પણ છે. બીજી હકીકત એ છે કે રક્ત પરિભ્રમણ થકી શરીરના અંગોનો કોલેસ્ટરોલ પહોંચાડવાનું હોય ત્યારે મગજને પ્રમાણમાં ઓછું કોલેસ્ટરોલ મળે છે. આથી, મગજ આપમેળે તેની જરૂરિયાત અનુસાર કોલેસ્ટરોલ બનાવી લે છે. શરીરના કુલ કોલેસ્ટરોલના 20થી 25 ટકા જેટલું લિપિડ મગજમાં હોય છે. મગજમાં રહેલું કોલેસ્ટરોલ યાદશક્તિ, વિચારવા અને સમજવા, વાંચવા અને લખવાની ક્ષમતા તેમજ નવી વસ્તુઓ શીખવાની પ્રક્રિયાને પણ કંટ્રોલ કરે છે. મગજના કોષો-ન્યૂરોન્સ વચ્ચે સિગ્નલ અને સંપર્ક જાળવી રાખવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય પણ કોલેસ્ટરોલ કરે છે. મગજમાં કોલેસ્ટરોલનું પ્રમાણ જળવાય નહિ, ઘણું ઓછું થાય કે વધી જાય તો ડિમેન્શિયા, અલ્ઝાઈમર કે પાર્કિન્સન્સ જેવા ન્યૂરોડિજનરેટિવ રોગો થવાનું જોખમ વધી જાય છે. આનાથી વિપરીત, વયોવૃદ્ધ લોકોમાં કોલેસ્ટરોલનું વધારે પ્રમાણ મગજની કાર્યશક્તિને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
•••
સુંદર અને ગાઢ નિદ્રા મેળવવા દ્રાક્ષ ખાઓ
શું તમને જાણકારી છે ખરી કે ઘણા ઓછાં ફળ કુદરતી મેલેટોનિનનું ઉત્પાદન કરે છે અને દ્રાક્ષમાંથી આવું કુદરતી મેલેટોનિન મળે છે? જો તમારે સુંદર અને ગાઢ નિદ્રા મેળવી હોય તો દ્રાક્ષ અવશ્ય ખાવી જોઈએ. લીલી, લાલ અથવા જાંબુડી રંગની દ્રાક્ષમાંથી કુદરતી મેલેટોનિન મળે છે, પરંતુ લાલ અથવા જાંબુડી દ્રાક્ષમાં મેલેટોનિનનું પ્રમાણ વધારે હોય છે અને સારી, આરામદાયક ઊંઘ મેળવવા માટે તે ઘણી સારી પસંદગી છે. લાલ અને જાંબુડી દ્રાક્ષમાં રેઝવેરાટ્રોલ જેવાં એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે જે ઈન્ફ્લેમેશન ઘટાડવામાં મદદ કરે છે તેમજ સમગ્રતયા તંદુરસ્તીને સપોર્ટ કરે છે. સારી નિદ્રા લાવનાર મેલેટોનિન તત્વનું પ્રમાણ દ્રાક્ષની છાલમાં વધુ હોય છે અને તેથી જ જ્યૂસ અથવા સૂકવેલી દ્રાક્ષ કરતાં આખી દ્રાક્ષ ખાવી વધુ લાભકારી છે. બંને પ્રકારની દ્રાક્ષ નાસ્તામાં લેવી હિતાવહ ગણાય. જોકે, એક બાબતનું ધ્યાન રાખવું જોઈ કે દ્રાક્ષ બરાબર ધોઈને ખાવી જરૂરી છે કારણકે તેના પર જંતુનાશકોનાં અવશેષો વધુ પ્રમાણમાં હોય છે. આ સમસ્યાને હળવી બનાવવા વ્હાઈટ અથવા એપલ સિડારના વિનેગાર (1 કપ વિનેગાર સાથે 2 કપ પાણી)માં 15 મિનિટ સુધી પલાળી રાખવી જોઈએ.