મગજનું ગુપ્ત સાથીદાર એપેન્ડિક્સ જરા પણ નક્કામું નથી

Sunday 05th October 2025 06:53 EDT
 
 

મગજનું ગુપ્ત સાથીદાર એપેન્ડિક્સ જરા પણ નક્કામું નથી
દાયકાઓથી આપણા મગજમાં ઠસાવી દેવાયું છે કે જૈવિક ઈતિહાસના અવશેષ સમાન અવયવ એપેન્ડિક્સ એટલે કે આંત્રપૂચ્છ શરીરમાં કશાં કામનું નથી અને તેને જરા પણ ખચકાયા વિના દૂર કરી દેવામાં જરા પણ વાંધો નથી. જોકે, હકીકત એ છે કે મગજનું ગુપ્ત સાથીદાર બની રહેતું એપેન્ડિક્સ જરા પણ નક્કામું નથી. યુએસએના નોર્થ કોરોલીનામાં આવેલી ડ્યૂક યુનિવર્સિટીના સંશોધકો અનુસાર ઉત્ક્રાંતિના અવશેષરૂપ એપેન્ડિક્સ વધારાના અંગથી વિશેષ છે. એપેન્ડિક્સમાં 200 મિલિયનથી વધુ ન્યુરોન્સ છે જે સ્પાઈનલ કોર્ડ એટલે કે કરોડરજ્જુમાં રહેલા ન્યુરોન્સથી પણ વધારે છે. આ ન્યુરોન્સથી ગુંથાયેલાં જટિલ નેટવર્ક્સથી સીધું મગજ સાથે કોમ્યુનિકેશન થાય છે અને અર્ધસ્વતંત્રપણે કામગીરી બજાવે છે. આનો અર્થ એ થાય છે કે વાસ્તવમાં તે આપણા ઉદરતંત્ર (જઠર અને આંતરડાં વગેરે) માટે બીજા મગજ જેવી જ કામગીરી બજાવે છે. આ નાનકડું અને ધ્યાને નહિ લેવાતું અંગ સારા બેક્ટેરિયા માટે અનામત સંગ્રહસ્થાન જેવું છે જે બીમારી દરમિયાન માઈક્રોબાયોમને જાળવી રાખે છે અને બીમારી પછી, ઉદરતંત્રમાં બેક્ટેરિયાની વૃદ્ધિમાં મદદ કરે છે. અભ્યાસો દર્શાવે છે કે એપેન્ડિક્સ વિનાના લોકોનું પાચન નબળું રહે છે, આંતરડામાં ચેપનું જોખમ વધે છે અને તણાવ સામે ઉદરતંત્રનો પ્રતિભાવ ધીમો રહે છે. તબીબી વિશ્વ એપેન્ડોક્ટમીઝ (એપેન્ડિક્સને શસ્ત્રક્રિયાથી કાઢી નાખવા) વિશે નવેસરથી વિચારતું થયું છે. ઘણી હોસ્પિટલો એપેન્ડિક્સના દુઃખાવાના હળવા કેસીસમાં શસ્ત્રક્રિયાના બદલે એન્ટિબાયટોટિક્સનો ઉપયોગ કરી રહી છે.

•••

વિટામીન D વાસ્તવમાં સ્ટેરોઈડ હોર્મોન છે

આપણે મુખ્યત્વે શરીરના સંચાલન માટે ખાસ ઉપયોગી વિટામીન્સ A,B,C,D,E હોવાં વિશે જાણીએ છીએ. દરેક વિટામીનની કામગીરી પણ અલગ અલગ હોય છે. મોટા ભાગના લોકો વિટામીન Dને હાડકાંનાં આરોગ્ય અથવા સૂર્યપ્રકાશ સાથે સાંકળે છે પરંતુ તેની અસર ઘણી ઊંચા સ્તરની છે. શરીરમાં પડદા પાછળ રહી શાંતિપૂર્વક કામ કરતા અને મહત્ત્વના નહિ ગણાયેલા હોર્મોન્સમાં એક વિટામીન D પણ છે. વિટામીન D કદાચ અન્ય પોષકતત્વ જેવું લાગતું હશે, પરંતુ આપણુ શરીર તેને વધુ શક્તિશાળી માને છે.
વૈજ્ઞાનિકોએ તેનું વર્ગીકરણ સ્ટેરોઈડ હોર્મોન તરીકે કર્યું છે કારણકે બાયોકેમિકલ રીતે તે ટેસ્ટોસ્ટેરોન, એસ્ટ્રોજેન અને કોર્ટિસોલના પરિવારનું જ છે. જ્યારે સૂર્યપ્રકાશ આપણી ત્વચાના સંપર્કમાં આવે છે ત્યારે વિટામીન D લિવર અને કિડનીઓમાં પ્રોસેસીસ મારફત કેલ્સિટ્રિઓલ (calcitriol) નામના સક્રિય તત્વમાં રૂપાંતરિત થાય છે. કેલ્સિટ્રિઓલ કોષોમાં પ્રવેશે છે અને વિટામીન ડી રિસેપસ્ટર્સ (VDRs) સાથે જોડાય છે તેમજ આપણા જનીનોને ચાલુ-બંધ કરવા સાથે વાસ્તવમાં શરીરના DNAનું નિયંત્રણ કરે છે. આનો મઅર્થ એ થાય કે વિટામીન D રોગપ્રતિકાર નિયમન, ઈન્ફ્લેમેશન કંટ્રોલ, કોષોની વૃદ્ધિ અને જનીન લાક્ષણિકતા સંદર્ભે પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે શરીરના ફોસ્ફેટ લેવલ્સની જાળવણીમાં મદદ, કોષોના સમારકામને સપોર્ટ તેમજ મજબૂત ઈમ્યુન સિસ્ટમમાં યોગદાન આપે છે. વિટામીન D આપણા શરીર માટે માસ્ટર રેગ્યુલેટરની કામગીરી કરતું હોવાનું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter