મગજને ટ્રેનિંગ આપો અને પીડામુક્ત બનો

Wednesday 13th October 2021 07:33 EDT
 
 

લંડનઃ પહેલાથી ભારતીય શાસ્ત્રોમાં કહેવાતું આવ્યું છે કે ‘મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત’. હવે વિજ્ઞાન પણ તેનું સમર્થન કરી રહ્યું છે. એક અભ્યાસ મુજબ ‘ પેઈન રીપ્રોસેસિંગ થેરાપી (PRT)’ તરીકે  ઓળખાતી સાયકોલોજિકલ થેરાપીનો ચાર સપ્તાહનો કોર્સ લાંબા સમયથી પીઠનો દુઃખાવો સહન કરી રહેલા પેશન્ટ્સને એકાદ વર્ષ સુધી પીડામુક્ત કરી શકે છે. જો દુઃખાવાનું કારણ મગજ સાથે સંકળાયેલું હોય તો તેનું નિરાકરણ પણ મગજ લાવી શકે છે.

અત્યાર સુધી એમ મનાતું હતું કે ક્રોનિક પેઈનનું કારણ  શરીરની કોઈ સમસ્યા સાથે સંકળાયેલું છે અને બધી સારવાર તેને અનુલક્ષીને જ કરાય છે. PRT સારવાર એમ માને છે કે કેટલાક પેશન્ટ્સમાં લાંબા ગાળાનો દુઃખાવો શારીરિક ઈજામાંથી ઉદભવતો નથી. સામાન્યપણે શારીરિક અસ્વસ્થતા પેદા કરે નહિ તેવી stimuli  ઈજા સામે પણ માનવીનું મગજ આપમેળે સંવેદનશીલતા દાખવી પ્રતિભાવ આપે છે. ટોક થેરાપી સેશન્સમાં દર્દીઓને પીડાનું સ્તર- પ્રમાણ ઘટાડવા માટે તેમના મગજને કેવી રીતે ‘રીટ્રેઈન’ કરવા બાબતે સલાહ આપવામાં આવે છે.

આ અભ્યાસમાં સરેરાશ લગભગ ૧૦ વર્ષથી પીઠનો દુઃખાવો સહન કરી રહેલા ૧૫૦ વોલન્ટીઅર્સનો ત્રણ ગ્રૂપમાં સમાવેશ કરાયો હતો. જે લોકોએ એક મહિનાના આઠ PRT સેશનમાં ભાગ લીધો હતો તેમાંથી ૬૬ ટકા લોકો એક વર્ષ પછી પીડામુક્ત અથવા લગભગ પીડામુક્ત જણાયા હતા. જેમને પ્લેસીબો ટ્રીટમેન્ટ અપાઈ હતી તેમાંથી માત્ર ૨૦ ટકાને આવો સુધારો જણાયો હતો અને સારવાર અપાઈ ન હતી તે જૂથમાંથી માત્ર ૧૦ ટકાને પીડામાંથી મુક્તિ મળી હતી.

યુકેના પાંચમાંથી એક વયસ્ક લાંબા સમયથી પીઠની પીડા-દુઃખાવો અનુભવે છે. બેક પેઈન ધરાવતા બહુમતી લોકોને ‘પ્રાઈમરી પેઈન’ હોય છે એટલે કે ડોક્ટર્સ ટિસ્યુ ડેમેજ જેવા શારીરિક કારણોને સ્પષ્ટપણે ઓળખી શકતા નથી. સંશોધકોને જણાયું છે કે  શરૂઆતની ટુંકા ગાળાની ઈજા પછી માનવીનું મગજ હવામાનમાં ફેરફાર અથવા આગળ નમવા-વળવા જેવી ચોકકસ સ્થિતિને પીડા સાથે સાંકળી લે છે. જો શારીરિક નુકસાન ન થયું હોય તો પણ મગજના ચોકકસ ન્યૂરલ નેટવર્ક્સ રક્ષણાત્મક રીતે પીડા ઉભી કરીને આપમેળે પ્રતિભાવ આપી દે છે. જોકે, દુઃખાવાને જોખમી ગણવાના બદલે તેને સલામત માનીએ તો પેશન્ટ્સ પીડા ઉભા કરતા બ્રેઈન નેટવર્કસની દિશા બદલી શકે છે અને તેમાંથી મુક્તિ પણ મેળવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter