મગજને પીડાના સંકેતો ન પહોંચે તે માટે ‘પેઈન સ્પોન્જ’ વિકસાવાશે

(વાત વિજ્ઞાનની)

Sunday 14th June 2026 07:59 EDT
 
 

મગજને પીડાના સંકેતો ન પહોંચે તે માટે ‘પેઈન સ્પોન્જ’ વિકસાવાશે

આપણને કોઈ ઈજા થાય અને તેની પીડા સમજાય તે પહેલા મગજને તેના સિગ્નલ્સ પહોંચે છે અને તે પછી પીડાનો અનુભવ થાય છે. આપણે પીડા દૂર કરવા પેઈનકિલર્સનો સહારો લઈએ છીએ. વિજ્ઞાનીઓએ મગજને પેઈન સિગ્નલ્સ પહોંચે જ તે દિશામાં પ્રયોગો કરી રહ્યા છે. નાના હતા ત્યારે સ્લેટમાં પાણીને ચૂસવા વાદળી-જળશોષક એટલે કે સ્પોન્જ (sponge)નો ઉપયોગ કરતા હતા એ જ રીતે વિજ્ઞાનીઓ પણ પીડાના સંકેતો શોષી લેવા સ્ટેમ સેલ્સમાંથી મેળવાયેલી ‘પેઈન સ્પોન્જ’ વિકસાવી રહ્યા છે. જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસીન્સના સંશોધકોએ ઊંદરના સંધિવા સાથેના ઘૂંટણમાં સોજાની બળતરા અને પીડાને શોષી લેવાની પ્રયોગાત્મક સારવાર SN101માં સ્ટેમ સેલ્સમાંથી મેળવાયેલા વિશિષ્ટ ન્યૂરોન્સનો ઉપયોગ કર્યો હતો. આ ન્યૂરોન્સે ઈન્ફ્લેમેટરી પીડાના સંકેતો મગજ સુધી પહોંચે તે પહેલા જ તેમને શોષી લીધા હતા. પ્રયોગના તારણો અનુસાર ઓસ્ટીઓઆર્થ્રાઈટીસ તેવી સ્થિતિમાં લાંબા સમયથી પીડા સહન કરતા લોકોને આ થેરાપીથી રાહત મળી શકે છે.‘પેઈન સ્પોન્જ’ સારવાર પીડામાં રાહત મેળવવા ઓપીઓઈડ દવાઓ પરનો આધાર ઘટાડવામાં પેશન્ટ્સને મદદ કરશે. આ સારવારનો વધારાનો ફાયદો એ પણ જણાયો છે કે તૈયાર કરાયેલા ખાસ ન્યૂરોન્સથી પ્રયોગ હેઠળના ઊંદરોમાં હાડકાં અને કાર્ટિલેજના સમારકામમાં પણ મદદ મળી હતી. હાલ તો આર્થ્રાઈટિસના સૌથી સામાન્ય પ્રકાર ઓસ્ટીઓઆર્થ્રાઈટીસમાં જ સારવારની અસરકારકતાનું પરીક્ષણ કરાયું છે, પરંતુ થીઅરીની દૃષ્ટિએ આ થેરાપી કોઈ પણ ક્રોનિક પીડા માટે કામ કરી શકે છે. વય વધવા સાથે ઓસ્ટીઓઆર્થ્રાઈટીસ જણાય છે જેમાં નિતંબ, ઘૂંટણ, ગરદન અને કમરના નીચેના ભાગના સાંધા જકડાઈ જાય, હાડકાં અને કાર્ટિલેજને નુકસાન થવાથી બળતરા અને પીડા સહન કરવી પડે છે. આની કોઈ સારવાર ન હોવાથી પેઈનકિલર્સ, ઓપિયમ કે સ્ટેરોઈડના ઈન્જેક્શન્સ લેવાં પડે છે.

•••

હૃદય પણ મગજની માફક વિચારે છે

આપણે બધા એમ જ માનીએ છીએ કે હૃદયને લાગણીઓ સાથે મગજને વિચાર કે તર્ક સાથે સંબંધ છે. તમામ માનસિક ક્રિયાઓ મગજ સાથે જ સંકળાયેલી છે,પરંતુ હવે એવા પુરાવાઓ સાંપડી રહ્યા છે કે ચેતાકોષો ધરાવતું હૃદય પણ વિચાર અને સંવેદના પર મજબૂત પ્રભાવ પાડે છે. ‘ટ્રેન્ડ્સ ઈન ન્યૂરોસાયન્સીસ’માં પ્રકાશિત અભ્યાસ અનુસાર ઘણી માનસિક પ્રક્રિયાઓ તેમજ વારંવાર થતી કાર્ડિયોવાસ્કુલર અને માનસિક બીમારીઓમાં હૃદયની ભૂમિકા રહેલી છે. હૃદય માત્ર શરીરમાં લોહીને ધકેલવાનું કાર્ય કરતું નથી. તે વિચારે છે, યાદ રાખે છે અને શીખવે પણ છે. આપણા હૃદયમાં નર્વ સેલ્સ અથવા ન્યૂરોન્સ છે જે મગજમાં પણ છે. હૃદયની પોતાની જ નર્વસ સિસ્ટમ છે જે મગજથી સ્વતંત્રપણે કામ કરી શકે છે. 40,000થી વધુ ન્યૂરોન્સની આ સિસ્ટમ જ હૃદયને તંદુરસ્ત રાખે છે. હૃદયને મગજ તરફથી સૂચના મળે છે ત્યારે હૃદયનું આંતરિક મગજ સ્થાનિક કન્ટ્રોલર તરીકે કામ કરે છે. હૃદયના પ્રતિભાવને ફાઈન ટ્યૂન કરે છે. હૃદયના ધબકારા પણ સુધારે છે. જો હૃદયનું સ્થાનિક કન્ટ્રોલર ડેમેજ કન્ટ્રોલનું કામ ન કરે તો ધબકારા અનિયમિત બની જાય છે. સદીઓથી આપણા શાસ્ત્રો કહેતા આવ્યા છે કે ‘દિલ લગાવીને કામ કરો, તમારા હૃદયને અનુસરો’, તે વાત ખોટી નથી. હૃદયમાં ડર, ગભરાટ, કડવાશ કે તણાવ રહેતો હોય તેવી સ્થિતિમાં મગજ અશાંત, અસ્પષ્ટ રહે છે. મગજ હૃદયને મોકલે છે તેના કરતાં વધુ સિગ્નલ્સ હૃદય તરફથી મગજને મોકલાવાય છે. મગજની વૈચારિક ગુણવત્તાનો નિર્ણય હૃદયના તાલબદ્ધ અને શાંત ધબકારાના આધારે જ લેવાય છે. આ તાલ માત્ર લાગણીઓ નથી, તે સમગ્ર શરીરને અસર કરતી ઈલેક્ટ્રિકલ અને હોર્મોનલ પેટર્ન્સ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter