મજબૂત પુરુષોને વૃદ્ધાવસ્થામાં વધુ એકલતા વેઠવી પડે છે

Saturday 30th April 2022 08:11 EDT
 
 

પુરુષત્વ દેખાડનારા પુરુષોએ સંઘર્ષ વધુ કરવો પડતો હોય છે અને પાછલી વયે એકલતા વેઠવી પડતી હોવાની ચેતવણી સંશોધકોએ ઉચ્ચારી છે. મર્દાનગી દેખાડતા પુરુષો ભલે માચોમેન તરીકે ચાહના મેળવતા હોય છે, પરંતુ તેમની એ છબીને કારણે જ તેમના સામાજિક સબંધો, આરોગ્ય, સારાપણું અને સરેરાશ આનંદ ઉપર વિપરિત અસર પડતી હોવાનું એક અભ્યાસમાં જણાયું છે. આ કારણથી પાછલા જીવનમાં માનસિક આરોગ્ય ઉપર અસર પડે છે, ખાસ કરીને વ્યક્તિ વૃદ્ધ થાય અને નિવૃત્ત જીવન ગાળતી હોય ત્યારે તેની અસર વધુ થાય છે. આથી તેઓ વધુ એકલાઅટૂલા પડતા જતા હોય છે.
મિશિગન સ્ટેટ યુનિવર્સિટીની સંશોધક ટીમે વિસ્કોન્સીન લોંગિટયૂડનલ સર્વેમાં અંદાજે 5500 વૃદ્ધ પુરુષો અને મહિલાઓના જીવનનું વિશ્લેષણ કર્યું હતું. આ અભ્યાસમાં જણાયું હતું કે મિત્રો કે પરિવારના સભ્યોમાં પુરુષો કરતાં મહિલાઓ પાસે વધુ વિશ્વાસુ વ્યક્તિઓ હોય છે. સંશોધક શૂસ્ટર કહે છે કે જે લોકો સાથે આપણે અંગત વાત કરીએ શકીએ તેઓ આપણો સામાજિક આધાર હોય છે. 1940 અને 1960ના દાયકાની મધ્યમાં જન્મેલા લોકોને બેબી બૂમર્સ તરીકે ઓળખવામાં આવે છે, જેઓ હવે નિવૃત્ત થઇ ગયા છે. તેમને હવે આરોગ્ય અને મિત્રતા જાળવી રાખવામાં તેમજ શોધવામાં પડકારનો સામનો કરવો પડે છે. પાછલી જિંદગીમાં સાથી ગુમાવવા કે નવા ઘરે રહેવા જવા જેવા સામાન્ય ફેરફાર પણ તેમના જીવનને ખોરવી શકે એમ હોય છે. તેમાં વળી હંમેશા મજબૂત પુરુષની જેમ રહ્યા હોઇએ ત્યારે એ જીવન વધુ વકરતું લાગે છે. સામાન્ય રીતે પુરુષ રડતો નથી, એવી સામાન્ય માન્યતા આપણા સમાજમાં પ્રવર્તે છે. આ લોખંડી છાપના બોજ તળે જ આવો પુરુષો પોતાની લાગણી પ્રદર્શિત કરી શકતો નથી અને તેને કારણે વધુ ભીંસ અનુભવતો હોય છે, વધુ એકલતા અનુભવતો હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter