મલબેરીઃ પોષણનો ખજાનો છે આંગળીનું વેઢાં જેવડું આ ફળ

Tuesday 21st July 2026 10:01 EDT
 
 

અંગ્રેજીમાં મલબેરી તે ગુજરાતીમાં શેતૂર. શેતૂરીનું આ ફળ કદમાં તો આંગળીના વેઢાં જેવડું હોય છે, પણ આયર્ન, વિટામિન સી, ફાઇબર અને એન્ટી ઓક્સીડન્ટસનો ખજાનો જ જોઇ લો. પોષક તત્વોથી ભરપુર શેતુરનું સેવન શરીર માટે અનેક પ્રકારે ગુણકારી છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) વધે છે, પાચનક્રિયા સુધરે છે, વજન નિયંત્રણમાં રાખે છે, હાડકાંને મજબૂત કરે છે, લીવરની કામગીરી સુચારુ બને છે અને આંખની રોશની વધારવામાં પણ તે મદદ કરે છે. અને હા, ગરમીના દિવસોની વાત કરીએ તો ઉનાળામાં તેનું સેવન શરીરને ઠંડક પણ પ્રદાન કરે છે.

• આંખઃ ખટમીઠા મલબેરીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે આંખોને સારી રાખવામાં અને આંખોની રોશનીને તેજ કરવામાં મદદ કરે છે

• ઇમ્યુનિટીઃ મલબેરીમાં સમાયેલ વિટામિન સી ઉપરાંત ઝીંક, મેંગેનીઝ અને આયર્ન શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. ઇમ્યુનિટી સારી રહેવાથી ચેપ લાગવાનું જોખમ ઘટી જાય છે. આ ઉપરાંત તેમાં રહેલું મેંગનીઝ સેલ્સ ફ્રી રેડિકલ્સની સાઇડ ઇફેક્ટસથી પણ બચાવે છે.

• પાચનક્રિયાઃ મલબેરીમાં ફાઇબર પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. જેના સેવનથી કબજિયાતથી રાહત થાય છે અને પાચનક્રિયાને સુધારે છે. આપણે સહુ જાણીએ છીએ કે મોટા ભાગના રોગનું મૂળ પેટમાં જ હોય છે. જો પાચનતંત્ર વ્યવસ્થિત હશે તો અનેક બીમારીથી બચી શકશો.

• હાડકાં મજબૂત કરેઃ મલબેરીમાં આયર્ન ઉપરાંત વિટામિન કે અને કેલ્શિયમ પણ સમાયેલા હોવાથી તેના સેવનથી બોન ડેન્સિટી વધે છે અને હાડકાં મજબૂત થાય છે. પરિણામે વધતી વયે ઓસ્ટિયોપોરોસિસ થવાનું (હાડકાં બરડ થઇ જવાનું) જોખમ ઓછું થઇ જાય છે.

• વજન નિયંત્રણઃ મલબેરીમાં ફાઇબરનું પ્રમાણ પ્રચુર માત્રામાં સમાયેલું છે, જેથી તેના સેવનથી પેટ લાંબો સમય ભરાયેલું લાગે છે. આમ તે ભૂખને નિયંત્રિત કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.

• હૃદયની તંદુરસ્તીઃ આજની ભાગદોડ ભરી જીવનશૈલીની સૌથી મોટી આડપેદાશ છે કોલેસ્ટ્રોલ. યુવાપેઢીથી લઇને મોટી વયના વડીલોમાં કોલેસ્ટ્રોલની સમસ્યા જોવા મળે છે. મલબેરીમાં રહેલા પોષક તત્વો શરીરમાંના બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરીને બ્લડ સર્ક્યુલેશન સુધારતા હોવાથી હૃદયરોગનું જોખમ ઓછું રહે છે.

• બ્લડસુગરઃ ડાયાબિટીસના દરદીઓ માટે પણ આ ફળ ઉપકારક પુરવાર થયું છે. તેમાં સમાયેલ પ્લાઝમા શરીરમાંના ગ્લૂકોઝ લેવલને વધારીને ઇન્સ્યુલિન રેજિસ્ટન્સને ઓછું કરે છે. આમ મલબેરી ટાઇપ ટુ ડાયાબિટીસના દરદીઓના બ્લડસુગરમાંનાં લેવલને નિયંત્રણમાં રાખવામાં સહાયક છે.

• કેન્સરઃ મલબેરીમાં ભરપુર પ્રમાણમાં એન્થોસાયનિન સમાયેલું હોય છે. આ શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ કેન્સરની કોશિકાઓને વધતી રોકે છે. તેમાં રેસ્વેરાટ્રોલ પણ હોય છે, જેમાં કેન્સરને રોકનારા ગુણ સમયાયેલા હોય છે. મલબેરીનું સેવન કોલોન, સ્કીન, પ્રોટેસ્ટ સહિતના કેન્સર સામે લડવામાં મદદ કરે છે.

• ત્વચા નિખારઃ મલબેરીનું સેવન તમારી નિસ્તેજ ત્વચાને નિખારવાનું કામ પણ કરે છે. આની સાથે સાથે જ તે ત્વચા પરના ડાઘ-ધાબાને ઓછું કરવામાં મદદ કરે છે.

• મગજની સક્રિયતાઃ મલબેરીના નિયમિત સેવનથી બ્રેઇન હેલ્થને પણ બૂસ્ટ કરવામાં મદદ કરે છે. અલ્ઝાઇમરના દરદીઓ માટે શેતુરનું સેવન ઉત્તમ છે એમ કહીએ તો પણ ખોટું નથી.

• બ્લડ સર્ક્યુલેશનઃ મલબેરી એન્ટીઓક્સિડેન્ટથી એ તો આપણે સમજી જ લીધું છે. જે રક્ત વાહિકાઓને ફેલાવીને તેના કાર્યમાં સુધાર કરે છે. તેના સેવનથી હૃદયથી શરીરના અન્ય ભાગો સુધી રક્તનો સંચાર વ્યવસ્થિત થાય છે. તેમાં આયર્ન ભરપુર માત્રામાં સમાયેલું હોવાથી રેડ બ્લડ સેલ્સની કોશિકાઓના ઉત્પાદનને વધારવામાં સહાય કરે છે.

• શરદી-ઉધરસઃ શરદી-ઉધરસની તકલીફમાં મલબેરીનું સેવન ફાયદાકારક છે. તેનું સેવન ઇમ્યુનિટી વધારતું હોવાથી શરીરને શરદી-ખાંસીનો ચેપ લગાવતા ઇન્ફેક્શનથી બચાવે છે. ખાસ કરીને સફેદ રંગના શેતુરમાં બેકટેરિયાને નષ્ટ કરવાની વિશેષ ક્ષમતા હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter