માંસાહારી મહિલાઓને યુરિનરી ઇન્ફેક્શનનું જોખમ વધુ

Thursday 04th March 2021 06:18 EST
 
 

તાઇપેઇઃ મહિલાઓમાં થતાં યુરિનરી ઇન્ફેક્શન અંગે તાજેતરમાં આવેલા એક અહેવાલમાં કહેવાયું છે કે, તેઓ શાકાહારી હોય તો આ મુશ્કેલીથી બચી શકાય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે માંસાહાર કરતી મહિલાઓની સરખામણીએ શાકાહારી મહિલાઓને યુરિનરી ઇન્ફેક્શનનું જોખમ ઓછું રહે છે. સંશોધકો દ્વારા ૯,૨૭૪ લોકો ઉપર અભ્યાસ ધરાયો હતો. એક દાયકા સુધી કરવામાં આવેલા અભ્યાસમાં જાણવામાં આવ્યું કે જે મહિલાઓ શાકાહારી હતી તેમને યુરિનરી ઇન્ફેકશન થવાની શક્યતાઓ ઓછી હતી તેમને કિડનીમાં પણ ઓછું ઇન્ફેકશન થયું હતું.
સંશોધકોના કહેવા પ્રમાણે, તેમની ઉંમર, જાતિ, સ્મોકિંગની આદત અને શાકાહારને ધ્યાનમાં રાખીને અભ્યાસ કરાયો હતો. તેમાં જણાયું કે માંસાહાર કરતા શાકાહારને પ્રાધાન્ય આપનાર મહિલાઓને યુરિનરી ઇન્ફેક્શન જોખમ ૧૬ ટકા ઘટી ગયું હતું. પુરુષોમાં પણ આ તફાવત જોવા મળ્યો હતો તેમ છતાં મહિલાઓમાં તેનું પ્રમાણ વધારે હતું. માંસમાં, ખાસ કરીને ચિકન અને પોર્કમાં ઇકોલાઈ બેક્ટેરિયા વધારે હોવાનું માનવામાં આવે છે અને તેના કારણે બ્લેડર ઇન્ફેક્શનની શક્યતાઓ પણ ત્રણ ગણી વધી જતી હોય છે.
ઝુ ચી યુનિવર્સિટી ઓફ તાઈવાનના મુખ્ય સંશોધક ડો. ચીન લોન લિનું કહેવું છે કે જે મહિલાઓને વારંવાર યુરિનરી ઇન્ફેક્શન થતું હોય તેમણે શાકાહારી થવા અંગે વિચારવું જોઈએ. તેમણે જણાવ્યું કે. વિશ્વમાં ૫૦ ટકા મહિલાઓને અને દર દસમાંથી આઠ પુરુષોને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થતું હોય છે. આ ખૂબ જ સામાન્ય બાબત છે. માત્ર અમેરિકામાં જ દર વર્ષે ૮.૧ મિલિયન લોકો આ ઇન્ફેક્શન માટે ડોક્ટર પાસે જાય છે. બ્રિટનમાં પણ દર વર્ષે ૧.૬ મિલિયન કેસ આ તકલીફના નોંધાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter