માતાના પ્રેમ અને સારસંભાળથી બાળકોના મગજનો ઝડપી વિકાસ

Monday 02nd May 2016 09:21 EDT
 
 

લંડનઃ માતાનો પ્રેમ અને સારસંભાળના પરિણામે બાળકોના મગજનો વિકાસ ઝડપથી થાય છે, જેનો દર બેદરકારીનો ભોગ બનેલાં બાળકોની સરખામણીએ બમણો હોય છે. માતાપિતાનો પ્રેમ, સ્થિર ઘરેલું જિંદગી બાળપણમાં બાળકોના વિકાસને સુધારે છે તે જાણીતી હકીકત હોવાં છતાં મગજના કદ પર તેની નોંધપાત્ર અસર દર્શાવતું પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ ધ સાયન્સીસ અર્લી એડિશનમાં ઓનલાઈન પ્રસિદ્ધ આ પ્રથમ સંશોધન છે.

જે બાળકોને શાળાએ જતાં અગાઉ માતા પાસેથી પૂરતો સપોર્ટ મળે છે તેમને મગજમાં શીખવા, સ્મૃતિઓ અને લાગણીના નિયંત્રણ સાથે સંકળાયેલા હિસ્સા હિપ્પોકેમ્પસની વૃદ્ધિ નોંધપાત્ર થતી હોવાનું જણાયું હતું. હકીકત એ છે કે બાળકો છ વર્ષથી ઓછી વયના હોય ત્યારે તેમના તરફ બેદરકાર હોય તેવી માતાઓ આ પછીના વર્ષોમાં ટેકારૂપ બની રહે તો પણ બાળકો ઝડપથી આગળ વધી શકતાં નથી.

સેન્ટ લુઈ ચાઈલ્ડ હોસ્પિટલમાં કાર્યરત અને અભ્યાસના પ્રથમ આલેખક વોશિંગ્ટન યુનિવર્સિટીના ચાઈલ્ડ સાઈકિયાટ્રિસ્ટ ડો જોન લુબી કહે છે કે,‘સંશોધન અનુસાર આ સમયગાળો બાળકોનું મગજ માતાના સપોર્ટને વધુ પ્રતિભાવ આપે તેવો સંવેદનશીલ હોય છે. શાળોએ જવા અગાઉના સમયગાળામાં માતાપિતા-બાળકનો સંબંધ બાળક મોટું થાય ત્યારના સંબંધ કરતા પણ વધુ મહત્ત્વપૂર્ણ રહે છે. બાળકના પ્રારંભિક જીવનમાં મગજની સ્વાભાવિક નરમાશ વધુ હોય છે ત્યારે આ ગાળામાં તેમના અનુભવોની અસર મગજ પર વધુ રહે છે. બાળકોને આ વર્ષોમાં પ્રેમ અને સારસંભાળ મળે તે આવશ્યક છે.’

અભ્યાસમાં ૧૨૭ બાળકોને આવરી લેવાયાં હતાં અને તેઓ શાળાએ જવાના થયાં ત્યારથી તરુણાવસ્થા સુધી તેમના મગજનાં સ્કેનિંગ કરવામાં આવ્યાં હતાં. માતા અને બાળકો વચ્ચેના સંબંધોનું ઝીણવટભર્યું નીરિક્ષણ વિડિયોટેપ્સ થકી કરાયું હતું. પોતાના બાળકોને ભાવનાત્મક આધાર આપવા સાથે સંપૂર્ણ સ્વસ્થતા જાળવી અપાયેલાં કાર્યો પૂર્ણ કરનારા પેરન્ટ્સને સૌથી વધુ સપોર્ટિવ અને સંભાળપૂર્ણ ઉછેર કરતાં ગણાયાં હતાં. મગજનાં સ્કેનિંગનાં પરીક્ષણોમાં આવાં પેરન્ટ્સના બાળકોના હિપ્પોકેમ્પસની વૃદ્ધિ અન્યોની સરખામણીએ બમણી જણાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter