માતાનો અવાજ બાળકનું ભાષાકીય કૌશલ્ય ખીલવે

Sunday 23rd November 2025 11:53 EST
 
 

માતાનો અવાજ બાળકનું ભાષાકીય કૌશલ્ય ખીલવે

નવજાત બાળક તેની જનેતાનો અવાજ સંભળાતાં જ તેના તરફ નજર ફેરવવાનો પ્રયાસ કરે છે. માતાનો અવાજ બાળક માટે વિશ્વાસ અથવા હાશકારાથી પણ વિશેષ છે. ‘ફ્રન્ટિયર્સ ઈન હ્યુમન ન્યૂરોસાયન્સ’માં પ્રસિદ્ધ અભ્યાસના તારણો અનુસાર માતાના અવાજથી બાળકના મગજના બંધારણને આકાર મળે છે અને તેનું ભાષાકીય કૌશલ્ય ખીલે છે. સંશોધન અનુસાર કસમયે જન્મેલા બાળકોને તેમની માતાના અવાજમાં વંચાયેલા પાઠનું રેકોર્ડિંગ સંભળાવામાં આવે તેનાથી તેમના મગજમાં ભાષા સાથે સંકળાયેલા વિસ્તારનો સારો વિકાસ જોવા મળે છે.
આ અભ્યાસમાં હોસ્પિટલમાં પ્રારંભિક સપ્તાહો કે મહિનાઓ સુધી માતાથી અળગાં રહેલાં પ્રીમેચ્યોર અથવા તો વહેલા જન્મેલાં નવજાત બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આવાં બાળકો સામાન્યપણે તેમના જન્મની નિયત તારીખોની આસપાસ જ ઘેર જતાં હોય છે, પરંતુ આ સમયગાળામાં તેઓ ગર્ભ કરતાં પણ વધુ શાંત અને એકલવાયી જગ્યાએ રહે છે. સંપૂર્ણ મુદતે જન્મેલાં બાળકો જન્મ પહેલાં પણ તેમની માતાનો અવાજ, લયબદ્ધ વાતચીતોને સાંભળતા રહે છે. આનાથી વિપરીત, ઈન્ક્યુબેટર્સમાં રહેતાં પ્રીટર્મ બાળકોએ મોટા ભાગે યંત્રનો ધીમો ઘરઘરાટ જ સાંભળવો પડે છે. કસમયે જન્મેલાં બાળકોમાં મોટા ભાગે ભાષાકીય જ્ઞાન વિલંબથી આવે છે. સ્ટેનફોર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકોએ 46 પ્રીમેચ્યોર બાળકોના બે ગ્રૂપ પર અભ્યાસ કર્યો હતો. એક ગ્રૂપને દરરોજ રાત્રે કુલ બે કલાક સુધી તેમની માતાના અવાજમાં રેકોર્ડ કરાયેલા પાઠ સંભળાવાતા હતા, જ્યારે બીજા ગ્રૂપના બાળકોને વોર્ડના સામાન્ય અવાજો જ સાંભળવા મળ્યા હતા. બાળકોનાં MRI કરાવાયા ત્યારે જે બાળકોને માતાના અવાજનું રેકોર્ડિંગ સંભળાવાયું હતું તેમના મગજના ભાષા સંબંધિત વિસ્તારમાં સારો વિકાસ જોવા મળ્યો હતો.

•••

સંપૂર્ણપણે સિન્થેટિક ક્રોમોઝોમના સર્જનમાં સફળતા

વિજ્ઞાનીઓએ વિશ્વમાં સૌપ્રથમ વખત કોમ્પ્યુટર અલ્ગોરિધમ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સંપૂર્ણપણે કૃત્રિમ-સિન્થેટિક ક્રોમોઝોમ્સનું સર્જન કર્યું છે. નીઓક્રોમોઝોમ (tRNA Neochromosome) તરીકે ઓળખાવાયેલી આ માનવસર્જિત જિનેટિક સામગ્રી બેકરીમાં ઉપયોગમાં લેવાતી યીસ્ટ સાથે સંકળાયેલી છે, પરંતુ તેમાં માત્ર કુદરતની નકલ ઉતારાઈ નથી. અનેક પ્રકારના માઈક્રોઓર્ગેનિઝમ્સમાંથી જિનેટિક તત્વોનું સંમિશ્રણ કરી જીવંત કાર્યરત ક્રોમોઝોમ પેદા કરવામાં આવ્યું છે જે જીવનના આવશ્યક કાર્યો પરફોર્મ કરી શકે છે. તે મોલેક્યુલ્સ પેદા કરે છે, પોતાનું સમારકામ કરે છે તેમજ સ્ટ્રેસ હેઠળ અનુકૂલન સાધવા તેના જનીનોની પુનઃ ગોઠવણી પણ કરે છે. આનાથી પુરવાર થાય છે કે જીવનનું માત્ર સંપાદન નહિ, સંપૂર્ણપણે નવકલ્પના પણ કરી શકાય છે. સિન્થેટિક યીસ્ટ સંપૂર્ણ બનાવી લેવાશે ત્યારે તેના કુદરતી સમકક્ષને પાછળ પાડી દેશે. તે ઝડપી કામગીરી કરશે, કઠોર અવરોધો કે પરિસ્થિતિઓનો સામનો કરશે તેમજ બેકિં ગ, બાયોફ્યૂલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ જેવી ઈન્ડસ્ટ્રીઝ માટે અમૂલ્ય પદાર્થોનું ઉત્પાદન કરશે. તેના ઔદ્યોગિક વપરાશથી પણ આગળ જેનોમ કેવી રીતે કાર્ય કરે છે, ઉત્ક્રાંતિ કરે છે અને માનવ જરૂરિયાતોને પહોંચી વળવા તેને કેવી રીતે બદલાવી શકાય તેની સમજમાં હરણફાળ દર્શાવે છે. સંપૂર્ણપણે સિન્થેટિક યુકારાયોટિક ઓર્ગેનિઝમના નિર્માણનું લક્ષ્ય ધરાવતા આંતરરાષ્ટ્રીય Sc2.0 પ્રોજેક્ટના હિસ્સારૂપ આ સિદ્ધિ માનવીને ભવિષ્યમાં જિનેટિક રોગોની ઓળખ, સલામત અને અસરકારક જિન થેરાપીઝ તેમજ જીવનના કોડની ડિઝાઈન કરવા તરફ દોરી જશે.

•••

થોડું થોડું ગણગણો અને તંદુરસ્તી વધારો

એક ફિલ્મી ગાયન છે,‘ગુનગુના રહે હૈં ભંવરે, ખિલ રહી હૈ કલી કલી’. આમ, જે ગુનગુનાવા કે ગણગણવાની વાત છે તેને વિજ્ઞાને પુરવાર કર્યું છે. હમિંગ કે ગણગણવું તે હવે આનંદ કે ખુશી જાહેર કરવાની વાત રહી નથી. માત્ર પાંચ સેકન્ડ હમિંગ એટલે કે ગણગણવાથી તમારા રક્તપ્રવાહ પર ભારે અસર થાય છે. આવું કોઈ ગીત ગણગણો, તેની સાથે જ શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડનું પ્રમાણ 1400 ગણું વધી જાય છે. આ કુદરતી ગેસના અણુઓ રક્તવાહિનીઓને વિસ્તારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે જેના પરિણામે, રક્તસંચાર વધે છે તેમજ મગજ અને હૃદયની કામગીરીને સપોર્ટ મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો ગણગણવા જેવી વધુ પ્રયાસ વગરનું આવું કાર્ય તમારી સમગ્રતયા તંદુરસ્તી પર નાટ્યાત્મક અસર ઉપજાવે છે.
નાઈટ્રિક ઓક્સાઈડ શરીરમાં ઓક્સિજનના વહનનું કામ કરે છે, ઈમ્યુનિટીના પ્રતિભાવ વેગીલો બનાવે છે અને પ્રભાવશાળી સેરોટોનીન હોર્મોન પર અસર કરીને મિજાજને વધારે છે. તમે જ્યારે ગણગણો છો ત્યારે તમારા નસકોરામાં થતી ધ્રૂજારીથી નાઈટ્રિક ઓક્સાઈડને ઉત્પન્ન કરતા મુખ્ય અંગોમાં એક સાઈનીસીસને ઉત્તેજિત કરે છે. ઓક્સિજનથી ભરપૂર લોહી તત્કાળ સજાગતા, ફોકસ અને એનર્જીના સ્તરને સુધારે છે. નિષ્ણાતોના માનવા અનુસાર રોજ કોઈ ગીત ગણગણવાથી (ગાવાથી નહિ) બ્લડ પ્રેશન નીચુ આવી શકે, નિદ્રાની ગુણવત્તા વધે અને ઈન્ફ્લેમેશન ઘટી શકે છે. આ તમારા શરીરને કોઈ પ્રકારની કસરત અથવા સપ્લિમેન્ટ્સ વિના જ મિનિ વેલનેસ બૂસ્ટર ડોઝ આપવા જેવું છે. કેટલાક લોકોને અતિ ખર્ચાળ સારવારથી પણ નથી મળતું તે તમારા પોતાના જ અવાજમાં થોડી સેકન્ડો સુધી ગણગણવાથી હાંસલ કરી શકાય છે. યોગાભ્યાસુઓથી માંડી મેડિકલ સંશોધકો સુધી બધા જ અવાજ આધારિત શ્વાસોચ્છવાસની ટેકનિકનો ઉપયોગ સ્રેતાસ થેરાપી અને શ્વસનતંત્રની કાળજીમાં કેવી રીતે મદદરૂપ બની શકે તે દિશામાં કામ કરે છે. સાચી વાત તો આની સરળતામાં છે કે તે કુદરતી અને ગમે ત્યારે અને ગમે ત્યાં થઈ શકે છે.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter