માતૃત્વ ધારણ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમયગાળો

Wednesday 05th July 2023 08:25 EDT
 
 

એમ કહેવાય છે કે માતા બન્યાં વિના સ્ત્રી અધૂરી ગણાય છે, દરેક સ્ત્રી માતૃત્વ ધારણ કરવાની ખ્વાહિશ ધરાવે છે. જોકે, આજકાલ કારકીર્દિને વધુ મહત્ત્વ અપાય છે, લગ્નો પણ મોડાં થાય છે તેમજ પુરુષ અને સ્ત્રી બંને કામકાજ ન કરતા હોય ત્યારે આવકજાવકના બે છેડાં સરખા કરવા મુશ્કેલ બને છે. આ સંજોગોમાં માતૃત્વ ધારણ કરવામાં વિલંબ થાય છે અને ઘણી વખત સગર્ભાનો જીવ જોખમમાં મૂકાય છે. જોકે, સ્ત્રીઓ મેનોપોઝ પહેલાની કોઈ પણ વયે સફળ સગર્ભાવસ્થામાંથી પસાર થઈ શકે છે છતાં, પ્રશ્ન એ થાય છે કે સ્ત્રી માટે માતૃત્વ ધારણ કરવાનો સૌથી શ્રેષ્ઠ સમયગાળો કયો હોઈ શકે?
હંગેરીના બુડાપેસ્ટની સેમેલવિસ યુનિવર્સિટીના સંશોધકો અનુસાર સ્ત્રી માટે બાળકને જન્મ આપવાનો સૌથી સલામત સમયગાળો 23થી 32 વર્ષ વચ્ચેનો છે. આ નવ વર્ષના સુરક્ષિત સમયગાળામાં જન્મેલા બાળકોમાં જન્મજાત ખામીઓની શક્યતા ઘણી ઓછી રહે છે. આ સમયગાળાથી વધુ વય હોય તો પણ બાળકોને જન્મ આપી શકાય છે પરંતુ, બાળકોમાં હૃદયને સંબંધિત સમસ્યાનું જોખમ વધારે રહે છે. આવી જ રીતે, 20 વર્ષથી ઓછી ઉંમર હોય ત્યારે માતાઓને ચેતાતંત્રની મુશ્કેલીઓ અને ત્રીસીના ઉત્તરાર્ધ અને ચાલીસીમાં જન્મ આપનારી માતાઓના બાળકોને ક્લેફ્ટ પેલેટ્સની સમસ્યાનું જોખમ રહે છે.
અગાઉના સંશોધનો જણાવે છે કે 35 વર્ષ અને તેથી વધુ વયે બાળકને જન્મ આપનારી સગર્ભા સ્ત્રીઓને કસુવાવડ-મિસકેરેજ, હાઈ બ્લડ પ્રેશર અને સગર્ભાકાળનો ડાયાબિટીસ સહિત અનેક જોખમોનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ, મોટી વયે જન્મતાં બાળકોમાં પણ જન્મજાત ખામીઓ, અધૂરા સમયે જન્મ તેમજ ડાઉન્સ સીન્ડ્રોમ જેવી ક્રોમોઝોમલ સમસ્યાઓનું જોખમ વધી જાય છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના ડેટા અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં બાળકોને જન્મ આપનારી સ્ત્રીઓની સરેરાશ વય 2021માં 31 વર્ષથી થોડી જ ઓછી હતી જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. આની સરખામણીએ 1973માં સરેરાશ વય માત્ર 26 વર્ષની હતી. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી (BJOG- બ્રિટિશ જર્નલ ઓફ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી)માં પ્રસિદ્ધ અભ્યાસમાં માતાઓની વિવિધ વયે બાળકોમાં નોન-જિનેટિક જન્મજાત ખામીઓ કેવી હોય તેના પર ધ્યાન અપાયું હતું. સંશોધકોએ નોન-ક્રોમોઝોમલ ડેવલપમેન્ટલ ડિસઓર્ડર્સની મુશ્કેલી સર્જતી 31,128 પ્રેગનન્સીનું વિશ્લેષણ કર્યું હતું. 30 વર્ષના ગાળામાં થયેલા 2.8 મિલિયન બાળજન્મ સાથે આ ડેટાની સરખામણીમાં તેમને જણાયું હતું કે 22 વર્ષથી ઓછી વય તેમજ32 વર્ષથી વધુ વયે જન્મ આપનારી મહિલાઓ માટે નોન-ક્રોમોઝોમલ સમસ્યાઓ અનુક્રમે 20 ટકા અને 15 ટકા વધુ હતી.
આ જ રીતે, 22 વર્ષથી ઓછી વયે બાળજન્મમાં બ્રેઈન અને કરોડરજ્જુનામ વિકાસને અસર કરતી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સંબંધિત સમસ્યાનું જોખમ વધુ હતું જ્યારે મોટી વયની માતાઓ માટે બાળકોને મસ્તક, ગરદન આંખ અને કાનને અસર કરતી વિકૃતિઓનું પ્રમાણ બમણું જણાયું હતું. યુવા માતાઓ માટે સ્મોકિંગ, ડ્રગ અથવા આલ્કોહોલનું સેવન તેમજ મોટા ભાગે તેઓ ગર્ભ ધારણ કરવા તૈયાર તે સહિતના લાઈફ સ્ટાઈલ પરિબળો જન્મજાત ખામીઓ માટે જવાબદાર બની શકે છે. મોટી વયે માતા બનનારી સ્ત્રીઓ માટે કેમિકલ્સ અને વાયુ પ્રદુષણ જેવી પર્યાવરણીય અસરો, DNA રીપેરિંગ મિકેનિઝમ્સમાં ખરાબી તેમજ સ્ત્રીબીજ અને ગર્ભાશયની આંતરિક દીવાલો પર વયની અસર સહિતની બાબતો પણ જોખમ ઉભું કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter