માત્ર પાંચ મિનિટનું પરીક્ષણ જીવન બચાવી શકેઃ સર્વાઈકલ સ્ક્રીનિંગ અભિયાન

Wednesday 03rd April 2019 06:00 EDT
 
 

 

લંડનઃ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા સમગ્ર ઈંગ્લેન્ડની મહિલાઓ તેમના સર્વાઈકલ સ્ક્રીનિંગમાં મોટી સંખ્યામાં હાજરી આપે તે હેતુથી નવાં રાષ્ટ્રીય અભિયાનનો આરંભ કરાયો છે. ઈંગ્લેન્ડમાં દર વર્ષે આશરે ૨,૬૦૦ મહિલાને સર્વાઈકલ (ગર્ભ કે યોનિમુખ) કેન્સરનું નિદાન કરાય છે, જેમાંથી આશરે ૬૯૦ મહિલાનું મોત થાય છે એટલે કે બે મહિલાનું મોત. એક અંદાજ એવો છે કે જો બધી મહિલા નિયમિત સ્ક્રીનિંગ કરાવે તો ૮૩ ટકા સર્વાઈકલ કેન્સર કેસીસ અટકાવી શકાય.

નવાં PHE અભિયાનમાં પરીક્ષણ વધુ આરામપ્રદ રહેવા સાથે કેન્સર નીકળશે તેવો ભય ધરાવતી મહિલાને સ્ક્રીનિંગ કેન્સર માટેનું પરીક્ષણ ન હોવાનું આશ્વાસન આપવા મુદ્દે વ્યવહારુ માહિતી અપાય છે. થોડી મિનિટોના નિયમિત સ્ક્રીનિંગથી સર્વાઈકલ કેન્સર શરુ થાય તે પહેલા જ તેના અટકાવમાં મદદ મળે છે કારણકે ટેસ્ટમાં સંભવિત નુકસાનકારક કોષો કેન્સરજન્ય બને તે પહેલા ઓળખી લેવાય છે અને મહિલાને વહેલી તકે સારવાર મળે તેની ચોકસાઈ કરી શકાય છે. PHE સંશોધન મુજબ સ્ક્રીનિંગ થયા પછી બહુમતી સ્ત્રીઓને સારો અનુભવ રહે છે, દસમાંથી આઠ (૮૭ ટકા) સ્ત્રી જણાવે છે કે તેઓ તપાસ માટે ગયા તે સારું થયું. ટેસ્ટ કરનાર નર્સ કે ડોક્ટર તેમને હળવાશમાં લાવે છે.

PHE સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ ડાયરેક્ટર પ્રોફેસર એન મેકી કહે છે કે, ‘સર્વાઈકલ કેન્સરનું સ્ક્રીનિંગ કરાવવાની સંખ્યામાં ઘટાડો ચિંતાજનક છે કારણકે લાખો સ્ત્રીઓ જીવન બચાવી શકે તેવી તપાસથી દૂર રહે છે. ઈંગ્લેન્ડમાં રોજ બે મહિલાનું મોત સર્વાઈકલ કેન્સરથી થાય છે, જે વહેલું ઓળખાય તો અટકાવી શકાય તેવું છે. ભાવિ પેઢી સર્વાઈકલ કેન્સરથી મુક્ત રહે તે જોવા માગીએ છીએ પરંતુ, જો સ્ત્રીઓ સ્ક્રીનિંગના આમંત્રણને ધ્યાનમાં લે તો જ આ શક્ય બનશે. માત્ર પાંચ મિનિટનું પરીક્ષણ તમારું જીવન બચાવી શકે છે. આને નજરઅંદાજ કરવું ન જોઈએ.’

રેડિયો પ્રેઝન્ટર નોરીન ખાન કહે છે કે,‘સર્વાઈકલ કેન્સર જીવન બચાવે છે. મને સ્ક્રીનિંગની રીમાન્ડર પોસ્ટ મળે ત્યારે હું પત્રને બાજુએ મૂક્યા વિના જીપી સર્જરીને ફોન કરી એપોઈન્ટમેન્ટ મેળવી લઉં છું. એક વખત પરીક્ષણ થઈ જાય તે પછી થોડા વર્ષ મનની શાંતિ મળે છે. હું તમામ સ્ત્રીઓને જીવન બચાવી શકે તેવા મહત્ત્વપૂર્ણ સર્વાઈકલ સ્ક્રીનિંગ નજરઅંદાજ ન કરવા સલાહ આપું છું.’

સર્વાઈકલ સ્ક્રીનિંગ માટે વધુ માહિતી મેળવવા ‘NHS Cervical Screening’ સર્ચ કરો અથવા www.nhs.uk/cervicalscreening વેબસાઈટ ની મુલાકાત લેશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter