માનવ દર્દીમાં પહેલી વાર થયું બ્રેઇન ચિપનું પ્રત્યારોપણ

Tuesday 09th August 2022 10:56 EDT
 
 

ન્યૂ યોર્કઃ માનવજગતના ઇતિહાસમાં પહેલી જ વાર એવું સંભવ બનશે કે વ્યક્તિ સીધા પોતાના મગજની મદદથી ડિજિટલ ડિવાઇસનું નિયંત્રણ કરી શકશે. બ્રેઇન-કોમ્પ્યૂટર ઇન્ટરફેસ (બીસીઆઇ) તૈયાર કરતી સિન્ક્રોન કંપનીએ વિકસાવેલી ચિપનું બે સપ્તાહ પૂર્વે પહેલી જ વાર માનવ દર્દીમાં પ્રત્યારોપણ થયું છે. ન્યૂ યોર્ક ખાતેના માઉન્ટ સિનાઇ વેસ્ટ મેડિકલ સેન્ટર ખાતે માનવ દર્દીમાં બ્રેઇન ચિપનું પ્રત્યારોપણ થયું હતું. સિન્ક્રોન કંપનીએ તૈયાર કરેલી બ્રેઇન ચિપ્સની અજમાયશ માટે ચાલી રહેલા પ્રોજેક્ટના ભાગરૂપે આ પ્રત્યારોપણ થયું છે.
ગંભીર પક્ષઘાતથી પીડાઇ રહેલા દર્દીમાં કંપનીએ બીસીઆઇ ટેકનોલોજીથી વિકસાવેલી ચિપ્સનું પ્રત્યારોપણ કર્યા પછી દર્દીની સુરક્ષા અને સલામતી જળવાય છે કે નહીં તે ચકાસવા આ અજમાયશ થઇ રહી છે. આ ચિપ પ્રત્યારોપણ કરી ચૂકેલા સર્જન તબીબ શહરામ માજીદીએ જણાવ્યું હતું કે ચિપ પ્રત્યારોપણ સફળ રહ્યું છે અને સર્જરી થયાના 48 કલાકમાં જ દર્દી ઘેર જઇ શક્યો હતો. બ્રેઇન-કોમ્પ્યૂટર ઇન્ટરફેસ મોરચે મળેલી આ સફળતા સીમાચિહનરૂપ છે.
આમ તો વિશ્વને ઇલેક્ટ્રિક કારની ભેટ આપનારા એલન મસ્કની કંપની ન્યૂરોલિન્ક વીતેલા ઘણા વર્ષોથી માનવીના મગજ કે તેના વિચારોને વાંચનારી બ્રેઇન ચિપ તૈયાર કરવા પ્રયાસરત હતી. ન્યૂરોલિન્ક કંપનીએ તેની બ્રેઇન ચિપની સૂવર પર સફળ અજમાયશ પણ કરી હતી. એલન મસ્કે દાવો કર્યો હતો કે તે ચિપની મદદથી મગજની મેમરીનું બેક અપ સંભવ બને છે. જોકે હરીફ કંપની સિન્ક્રોને એલન મસ્કને માત આપી છે. સિન્ક્રોન કંપનીએ તેના દ્વારા વિકસાવાયેલી બ્રેઇન ચિપનું માનવ પર પરીક્ષણ શરૂ કરી દીધું છે.

વિચારમાત્રથી ડિજિટલ ઉપકરણનું નિયંત્રણ
સિન્ક્રોન કંપનીએ વિકસાવેલી ચિપનું મગજમાં પ્રત્યારોપણ થયા પછી દર્દી માત્ર તેના મગજના વિચારોના માધ્યમથી વાયરલેસ સિસ્ટમ વડે ડિજિટલ ડિવાઇસનું નિયંત્રણ કરી શકશે. આમ ગંભીર પક્ષઘાતથી પીડાઇ રહેલા દર્દીની આત્મનિર્ભરતા વધશે. દર્દી પોતાના શરીરના અવયવોનો ઉપયોગ કર્યા વિના મગજના વિચારમાત્રથી ડિજિટલ ઉપકરણનો ઉપયોગ કરીને પોતાનો સંદેશો બીજા સુધી પહોંચાડી શકશે. ખાસ સર્જિકલ ટેકનિકની મદદથી જુગુલર નસ મારફતે ચિપનું પ્રત્યારોપણ કરાયું હતું. અર્થાત ઓપન સર્જરી કે ખોપડીમાં છેદ કર્યા વિના જ ચિપ પ્રત્યારોપણ સંભવ બન્યું હતું.

ચિપની ચાલે છે ક્લિનિકલ ટ્રાયલ
સિન્ક્રોન કંપની દ્વારા તૈયાર થયેલી બ્રેઇન ચિપની હાલમાં માનવ દર્દી ઉપર ટ્રાયલ ચાલે છે. એક વાર ચિપનું મગજમાં પ્રત્યારોપણ થઇ ગયા બાદ હવે ટેક્સટિંગ, ઇમેલિંગ, ઓનલાઇન શોપિંગ અને ટેલી હેલ્થ સર્વિસ સુધી દર્દીની પહોંચને ચકાસાઇ રહી છે. ન્યૂ યોર્ક અને પિટ્સબર્ગના છ દર્દી પર અજમાયશ થવાની છે. જો આ અજમાયશ સફળ રહેશે તો સ્ટેનટ્રોડ બ્રેઇન ઇપ્લાન્ટને એક કોમર્શિયલ ઉત્પાદન સ્વરૂપે વેચી શકાશે. પક્ષઘાતથી પીડાઇ રહેલા દર્દીઓને તેમનું જૂનું જીવન ફરી શરૂ કરવામાં મદદ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter