માનવનું મગજ વાસ્તવમાં એક નહિ, બે અવયવનું સંયોજન છે

(હેલ્થ બુલેટિન)

Sunday 08th November 2026 07:15 EST
 
 

માનવનું મગજ વાસ્તવમાં એક નહિ, બે અવયવનું સંયોજન છે

ઘણી વખત તમારે નાનો નિર્ણય લેવો હોય તો પણ તમે અવઢવમાં આવી જાઓ છો અથવા તમે બે-મન થઈ જાઓ છો. આનું પણ કારણ વિજ્ઞાનીઓએ શોધી લીધું છે. યુએસની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ શોધ્યું છે કે માનવ મગજ વાસ્તવમાં બે અલગ અવયવ કે અંગ છે જેને એક સાથે જોડી દેવાયા છે. ‘નેચર ન્યૂરોસાયન્સ’માં પ્રસિદ્ધ અભ્યાસે દુર્બળતા લાવતા મોટર ન્યૂરોન ડિસીઝ વિશે સંશોધનના દ્વાર ખોલી નાખ્યા છે. સંશોધન અનુસાર માનવનું મગજ બે પ્રાચીન નર્વસ સિસ્ટમ્સનું બનેલું છે. સૌથી પ્રાચીન કે આદિકાળનો હિસ્સો (પશ્ચમસ્તિષ્ક-hind brain) આપણને જીવંત રાખતા સ્વયંસંચાલિત-અનૈચ્છિક કાર્યો જેમકે, શ્વાસોચ્છવાસ, નિદ્રા, અને હૃદયના ધબકારાનું નિયમન પર નિયંત્રણ ધરાવે છે જ્યારે અગ્રમસ્તિષ્ક (forebrain - વિચાર, ભાષા, તર્ક અને સ્વૈચ્છિક કાર્યો) અને મધ્યમસ્તિષ્ક (midbrain - દૃષ્ટિ, શ્રવણ, અને મોટર મૂવમેન્ટ)ની કામગીરી સંભાળે છે. સંશોધકો માને છે કે ઉત્ક્રાંતિના ઈતિહાસમાં કોઈક સમયે મગજના આ બે હિસ્સા અલગ હતા, પરંતુ હવે જોડાઈ રહ્યા છે. સંશોધકોએ તેમની થીઅરીને તપાસવા 550 મિલિયન વર્ષનો ઉત્ક્રાંતિ ઈતિહાસ તપાસ્યો હતો. કરોડો વર્ષ પહેલા આ બે હિસ્સાનો વિકાસ સ્વતંત્રપણે થયો હતો, પરંતુ તેમનું કાર્ય સંયોજિત હતું. અત્યાર સુધી વિજ્ઞાનીઓ બ્રેઈન સ્ટેમ-મેરુદંડના રોગો પર સંશોધનને મર્યાદિત બનાવતા માનવ હાઈન્ડબ્રેઈનના ન્યૂરોન્સને લેબોરેટરીમાં ઉછેરવા સંઘર્ષ કરી રહ્યા હતા. ફોરબ્રેઈનના કોષોની સરખામણીએ હાઈન્ડબ્રેઈનના કોષોનું સર્જન કરવું ભારે મુશ્કેલ છે. મગજનો આકાર રચાતો હોય ત્યારે શું થાય છે તે જાણવા ઊંદરના વિકસી રહેલા ભ્રૂણના પરીક્ષણ દરમિયાન સમજાયું કે પાછલા મગજના વિકાસનો માર્ગ મગજના અન્ય હિસ્સાઓ કરતાં તદ્દન અલગ રીતે થાય છે.

•••

ક્રીએટાઈન કસરત વિના પણ સ્નાયુઓ વધારી શકે

સ્નાયુબદ્ધ શરીર કોને ના ગમે, પરંતુ આ માટે સતત અને નિયમિત વિવિધ કસરતો કરવી પડે તે કોઈને માફક આવતું નથી. જોકે, ટેક્સાસ A&M યુનિવર્સિટીના સંશોધકો દ્વારા ‘જર્નલ ઓફ ધ ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ સ્પોર્ટ્સ ન્યૂટ્રિશન’માં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર તો ક્રીએટાઈન (Creatine) સપ્લિમેન્ટ લેવામાં આવે તો 12 સપ્તાહના ગાળામાં કસરત પ્રોગ્રામને અનુસર્યા વિના નબળા સ્નાયુઓમાં 2.4 પાઉન્ડ જ્યારે કસરત કરનારાઓમાં 3 પાઉન્ડ વધારો જોવા મળ્યો હતો. સંશોધકોએ 45-65 વયજૂથના અને શારીરિક પ્રવૃત્તિઓ નહિ કરનારા 64 લોકો પર અભ્યાસ કર્યો હતો. આ વયજૂથમાં વય વધવા સાથે સ્નાયુઓ નબળા પડતા રહે છે. અભ્યાસમાં એક જૂથને કસરતની ટ્રેનિંગ સાથે ક્રીએટાઈન સપ્લિમેન્ટ અપાયું હતું તો અન્ય જૂથને કસરત વિના જ ક્રીએટાઈન અપાયું હતું. અભ્યાસમાં ભાગ લેનારાને 55 ટકા કાર્બ્સ, 15 ટકા પ્રોટિન અને 30 ટકા ચરબી સાથેનો ખોરાક અપાયો હતો જેથી જેમને રોજિંદી 300-500 કિલોકેલરીની ઘટ પડે. સંશોધકોએ નોંધ્યું હતું કે ઓછું પ્રોટિન અપાવા છતાં, ક્રીએટાઈન થકી કસરત વિના પણ સ્નાયુઓમાં વધારો જણાયો હતો. ક્રીએટાઈન મોનોહાઈડ્રેટ સ્નાયુઓમાં ઊર્જા વધારે છે તેમજ બ્લડ સુગર અને જ્ઞાનેન્દ્રિયોનાં આરોગ્યમાં પણ મદદ કરે છે. ક્રીએટાઈન શરીરમાં કુદરતી પેદા થતું એમિનો એસિડ છે જેનો ઉપયોગ શરીરના મુખ્યત્વે સ્નાયુઓ અને મગજના કોષોમાં ઊર્જાના ઉત્પાદનમાં મદદ માટે થાય છે. ક્રીએટાઈન માંસ અને માછલીમાંથી જ્યારે શાકાહારીને નટ્સ, બિયાં, કઠોળની શિંગો અને મશરૂમ્સ જેવાં ખોરાકમાંથી મળે છે.

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter