માનવશરીરઃ અદભૂત મશીનની આગવી શક્તિઓને ઓળખો

Wednesday 04th February 2026 06:30 EST
 
 

બહુ ઓછા લોકો જાણે છે કે માનવશરીર ફક્ત માંસ અને હાડકાં નથી, પરંતુ એક અદ્ભુત મશીન છે. એક એવું મશીન જે અવિશ્વસનીય તાકાત, સહનશક્તિ, ગતિ, સુગમતા અને માનસિક શક્તિથી હર્યુંભર્યું છે. વૈજ્ઞાનિક સંશોધન દર્શાવે છે કે જરૂર પડ્યે આપણા સ્નાયુઓ તેમની સામાન્ય ક્ષમતા કરતાં 3-5 ગણી વધારે તાકાત લગાવી શકે છે, પરંતુ મગજ સલામતી માટે શક્તિને મર્યાદિત કરે છે. હકીકત તો એ છે કે આપણામાંથી મોટાભાગના લોકો આપણી વાસ્તવિક ક્ષમતાના માત્ર 10-50 ટકા સુધી જ ઉપયોગ કરી શકે છે.

શું તમે જાણો છો કે હૃદય રોજ એક ટ્રકને માઇલો સુધી આગળ ધકેલે તેટલી ઊર્જા ઉત્પન્ન કરે છે. ફેફસાંની ક્ષમતા, આંખોની ચોકસાઈ, મગજની પ્રક્રિયા આપણી કલ્પના કરતાં પણ વધુ શક્તિશાળી છે. અમુક આદતો, ભય, આળસ અને આશંકાને લીધે આપણે આપણી ક્ષમતાના માત્ર એક નાના ભાગનો જ ઉપયોગ કરીએ છીએ. તમારી શક્તિને ઓળખો - કારણ કે તમારી અંદર એવી શક્તિ છે જે તમારું જીવન બદલી શકે છે.

મગજ: 25 લાખ જીબીની સ્ટોરેજ ક્ષમતા
સાલ્ક ઇન્સ્ટિટ્યુટ મુજબ, માનવ મગજમાં 2.5 પેટાબાઇટ્સ અથવા 25 લાખ જીબીની સ્ટોરેજ ક્ષમતા છે. સાદા શબ્દોમાં સમજવું હોય તો કહી શકાય કે 30 લાખ એચડી ફિલ્મો, 1 કરોડથી વધુ તસવીરો, જીવનભર સાંભળેલા અવાજો વગેરે સ્ટોર કરી શકાય છે, પરંતુ સરેરાશ વ્યક્તિ આ ક્ષમતાના ફક્ત 5-10 ટકાનો ઉપયોગ કરે છે. ન્યુરોસાયન્સ અનુસાર, આપણે જીવનભરમાં જે શીખી શકીએ છીએ તેના 10 ટકા પણ શીખી શકતા નથી. તમને જાણીને નવાઇ લાગશે કે અમેરિકાના કિમ પીક 12 હજાર પુસ્તકો શબ્દશઃ યાદ રાખી શકતા હતા. તે ડાબેથી જમણે અને જમણેથી ડાબે વાંચી શકતા હતા.

સહનશક્તિઃ 5 ગણી વધારી શકાય
મગજના ઈમેજિંગ અભ્યાસો દર્શાવે છે કે ધ્યાન અને માનસિક તાલીમથી પીડા-સહનશીલતા પાંચ ગણી વધારી શકાય છે. ઘણા લોકો હળવી પીડામાં પીછેહઠ કરે છે. તેઓ તેમની ક્ષમતાના ફક્ત 20-25 ટકા ઉપયોગ કરે છે. ઈજા થાય ત્યારે પેશીઓ પીડા અનુભવતા નથી. તેઓ ભય સૂચવતા સંકેતો મોકલે છે. મગજ નક્કી કરે છે કે તેને પીડામાં રૂપાંતરિત કરવું કે નહીં. તમને જાણીને નવાઇ લાગશે કે અમેરિકન પરફોર્મન્સ આર્ટિસ્ટ ટિમ ક્રિડલેન્ડ તેની છાતી, હાથ, ચહેરો અને ગરદનને સ્ટીલના સળિયાથી વીંધતા હતા. ટિમનું કહેવું હતું કે તેણે પીડાની સ્વીચ બંધ કરવાનું શીખી લીધું હતું.

સ્નાયુઓઃ હાલ માત્ર 20 ટકા ઉપયોગ
ઇન્સ્ટિટ્યુટ ઓફ અમેરિકા અને નેશનલ સ્ટ્રેન્થ એન્ડ કન્ડીશનીંગ એસોસિએશનના ડેટા અનુસાર, એક સામાન્ય પુરુષ તેના શરીરના વજનના 1થી 1.25 ગણું વજન ઉપાડી શકે છે. જ્યારે મહિલાઓ 60-80 ટકા વજન ઉપાડી શકે છે. 6-12 મહિનાની તાલીમ તમારી સ્નાયુઓની ક્ષમતાને લગભગ બમણી કરી શકે છે. વિજ્ઞાન કહે છે કે માણસ 2,500-4,500 કિલો વજન ઉપાડી શકે છે, પરંતુ હાડકાના ફ્રેક્ચરનું જોખમ રહેલું છે. તમને જાણીને નવાઇ લાગશે કે અમેરિકન એથ્લીટ પોલ એન્ડરસને 1957માં 2,740 કિલો વજન બેકલિફ્ટ કર્યું હતું, જે ગિનીસ બુકમા નોંધાયેલી એક સિદ્ધિ છે.

આયુષ્યઃ માત્ર 50 ટકા જીવી રહ્યાં છીએ
અસંખ્ય દીર્ધાયુષ્ય અભ્યાસો અને બાયોસ્ટેટિસ્ટિક્લ મોડેલો અનુસાર, મનુષ્ય મહત્તમ 140થી 150 વર્ષ જીવી શકે છે. જોકે, માંદગી, જીવનશૈલી, પર્યાવરણ અને તણાવને કારણે મોટાભાગના લોકો 60થી 80 વર્ષ અથવા 50-60 ટકા ઓછું જીવન જીવે છે. શરીરની પોતાને સાજા કરવાની ક્ષમતા ઉમર સાથે ધીમે ધીમે ઘટતી જાય છે, જે 120થી 150 વર્ષની ઉંમર વચ્ચે સમાપ્ત થતી હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે ફ્રાન્સનાં જીન કાલ્માં સૌથી વધુ 122 વર્ષ અને 164 દિવસ સાથે સૌથી લાંબુ જીવ્યા હતા. તેમનું કહેવું હતું કે, જો તમે કોઈના પર નારાજ છો, તો તેને માફ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter