માનવીની જ્ઞાનેન્દ્રિય કેટલી, પાંચ કે સાત?
આપણને શીખવવામાં આવ્યું છે કે માનવીની જ્ઞાનેન્દ્રિય પાંચ છે- દૃષ્ટિ, શ્રવણ, સ્વાદ, સ્પર્શ અને ગંધ. જોકે, હવે વિજ્ઞાન એમ કહે છે કે જ્ઞાનેન્દ્રિય પાંચ નહિ, પરંતુ સાત છે અને કદાચ વધુ પણ હોઈ શકે છે. નવું સંશોધન જણાવે છે કે માનવીનું મગજ શ્રેષ્ઠપણે કામગીરી બજાવવા માટે ઓછામાં ઓછી સાત વિશિષ્ટ જ્ઞાનેન્દ્રિયો પર આધાર રાખે છે. દૃષ્ટિ, શ્રવણ, સ્વાદ, સ્પર્શ અને ગંધની જ્ઞાનેન્દ્રિય ઉપરાંત, બે ઓછી જાણીતી છતાં, આવશ્યક જ્ઞાનેન્દ્રિય પ્રોપ્રિઓસેપ્શન (proprioception) અને ઈન્ટેરોસેપ્શન (interoception) છે. પ્રોપ્રિઓસેપ્શન શરીરની સ્થળવાચક જ્ઞાનેન્દ્રિય છે. તેના થકી તમે અંધારામાં પણ ચાલી શકો છો અથવા બંધ આંખે પણ તમારા નાકને સ્પર્શી શકો છો. ઈન્ટેરોસેપ્શન વધુ શક્તિશાળી જ્ઞાનેન્દ્રિય જેના થકી મગજ ભૂખ, તરસ, હૃદયના ધબકારા અને તમારે ઊંડા શ્વાસ લેવાની ક્યારે જરૂર છે તેના આંતરિક સંકેતો પારખી શકે છે.
માનવીનું મગજ સતત આ જ્ઞાનેન્દ્રિયોના સમન્વય થકી વાસ્તવિકતાનું નિર્માણ કરે છે. સંતુલન, એકાગ્રતા અને જાગ્રત રહેવા માટે તેને સાત જ્ઞાનેન્દ્રિયો પર આધાર રાખવાની જરૂર પડે છે. જો એક પણ જ્ઞાનેન્દ્રિય ખોરવાય તો તમે શું અનુભવો છો, વિચારો છો અને ગતિ કરો છો તેના પર અસર થાય છે. મગજની જ્ઞાનેન્દ્રિયોનું આ નવું મોડેલ લાંબા સમયની પીડાથી માંડી ટ્રોમામાંથી રિકવરી સુધી બધા માટેની સારવારોમાં સુધારો લાવી શકે છે. આપણે લાગણીને માત્ર વિચાર તરીકે જ નહિ, પરંતુ આપણું મગજ સાંભળે છે તેવા સમગ્ર શરીરના સંકેત તરીકે સમજવામાં મદદ મળે છે. તમે માત્ર વિશ્વને નિહાળી કે સાંભળી શકતા નથી, પરંતુ અંદરબહાર અનુભવી શકો છો.
•••
બ્રેઈન ટ્રાન્સપ્લાન્ટ કેમ શક્ય બનતું નથી?
શરીરના હૃદય, ફેફસાં, કિડની, લિવર સહિતના અંગઉપાંગોનું પ્રત્યારોપણ કરાતું હોય તે નવાઈની વાત રહી નથી. જોકે, બ્રેઈન ટ્રાન્સપ્લાન્ટ હજુ સુધી શક્ય બન્યું નથી. તમને કદાચ નવાઈ લાગશે પરંતુ, એરિઝોનાની આલ્કોર ફેસિલિટીમાં 150થી વધુ ધડ વિનાના મસ્તક ક્રોયોજેનિક ચેમ્બર્સમાં એવી આશા સાથે જાળવી રખાયા છે કે ભવિષ્યમાં મેડિકલક્ષેત્રે પ્રગતિ થતાં આ મગજને નવા શરીરોમાં પ્રત્યારોપિત કરી શકાશે. મેડિકલ કોલેજ ઓફ વિસ્કોન્સિનમાં ન્યૂરોસર્જરીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. મેક્સ ક્રુસોફ કહે છે કે હૃદય, કિડની કે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવાથી માણસ બદલાઈ જતો નથી, પરંતુ પેશન્ટના શરીરમાં મગજ ટ્રાન્સપ્લાન્ટ કરવા સાથે નવો જ માણસ બની જશે કારણકે માણસની સંપૂર્ણ ઓળખ તેના મગજમાં જ રહેલી હોય છે.
ડો.ક્રુસોફના કહેવા મુજબ આવું ટ્રાન્સપ્લાન્ટ હાલ શક્ય નથી કારણકે સર્જન્સ બ્રેઈન અને કરોડરજ્જુ સહિત સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ચેતાઓ વચ્ચે સંકેતો પહોંચાડતા સંપર્કસેતુઓ તૈયાર કરી શકતા નથી. શરીરમાં બ્રેઈન અને કરોડરજ્જુથી દૂર પથરાયેલી ચેતાઓના જાળાંને ટ્રાન્સપ્લાન્ટ કરાય ત્યારે તે તેમના પડોશી સાથે સંપર્કો કેળવી શકે છે કારણકે આવી ચેતાઓના કોષોનું પુનઃસર્જન થઈ શકે છે. પુખ્ત માનવીની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં નવા કોષો-ન્યૂરોન્સ ઉત્પન્ન થવા વિશે કોઈ પુરાવા સાંપડતા નથી. જો કદાચ થતાં હોય તો પણ તે મર્યાદિત પ્રમાણમાં હોઈ શકે છે. નાના મગજ અથવા સેરેબેલમ જેવું આંશિક બ્રેઈન પ્રત્યારોપણ પણ અત્યારે શક્ય જણાતું નથી. સેરેબેલમ લાખો વિશિષ્ટ ન્યૂરોન્સનું ઘર છે જેમાં દરેક ન્યૂરોન્સ અન્ય હજારો ન્યૂરોન્સ પાસેથી સિગ્નલ્સ મેળવે છે અને કનેક્શન્સની સંખ્યા અગણિત હોય છે જે માનવીય સંશોધનની ક્ષમતા બહારની બાબત છે. થિયરીની રીતે જોઈએ તો સ્પાઈનલ કોર્ડ મારફત બ્રેઈન અને શરીરને જોડી શકાય છે કારણકે મગજના ન્યૂરોન્સની સરખામણીએ કરોડરજ્જુની ચેતાઓ વચ્ચે કનેક્શન્સ સરળ હોય છે. મસ્તકનું ટ્રાન્સપ્લાન્ટ કરનારા સર્જન ગરદનની ત્વચા, સ્નાયુઓ, રક્તવાહિનીઓ અને હાડકાંને જોડી શકે છે, પરંતુ આ કોષો વચ્ચે કોમ્યુનિકેશન કેવી રીતે કરાવવું તે સમસ્યા જટિલ છે.
•••


