મૃતકોના હૃદયને મશીનથી ધબકતા કરાયા, ૬ બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ પણ થયા

Saturday 06th March 2021 04:16 EST
 

લંડન: તબીબી કૌશલ્ય અને આધુનિક ટેક્નોલોજીનો સમન્વય થાય તો કેવું ચમત્કારિક પરિણામ હાંસલ કરી શકાય તેનું ઉદાહરણ બ્રિટનના તબીબીઓ પૂરું પાડ્યું છે. બ્રિટનના તબીબોએ પહેલી વાર એક ખાસ પ્રકારના મશીનનો ઉપયોગ કરીને એવા હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે કે જે ધબકતું બંધ થઈ ગયું હતું. મતલબ કે આ હૃદય મૃત જાહેર કરેલી વ્યક્તિઓના હતા. અત્યાર સુધીમાં ૬ બાળકોમાં આવા હૃદયને ફરી ધબકતા કરીને ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.
આ તમામ બાળકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર એવી વ્યક્તિઓના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ થતું રહ્યું છે કે જેઓ બ્રેઇનડેડ જાહેર થયા હતા. જોકે એનએચએસના ડોક્ટરો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ટેકનિકમાં એક ડગલું આગળ વધ્યા છે.
કેમ્બ્રિજશાયરની રોયલ પેપવર્થ હોસ્પિટલના ડોક્ટરોએ ઓર્ગેનકેર મશીન દ્વારા મૃતક વ્યક્તિઓના હૃદયને જીવિત કરીને એક નહીં, ૬ બાળકોના જીવન બચાવી લીધા છે. આ ઉપલબ્ધિ મેળવનાર તે દુનિયાની પ્રથમ ટીમ બની ગઈ છે.
એનએચએસના ઓર્ગન ડોનેશન એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન વિભાગના ડાયરેક્ટર ડો. જોન ફોર્સિથ કહે છે કે તેમની આ ટેક્નિક માત્ર ગુજરાતીમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સીમાચિહનરૂપ સાબિત થશે. આ ટેક્નિકથી ૧૨થી ૧૬ વર્ષના ૬ એવા બાળકોને નવું જીવન મળ્યું છે કે જેઓ બે-ત્રણ વર્ષથી અંગદાન દ્વારા હૃદય મળે તેની રાહ જોઈ રહ્યા હતા. આમ લોકો હવે મરણોપરાંત વધુ હાર્ટ ડોનેટ કરી શકશે. હવે લોકોને ટ્રાન્સપ્લાન્ટ માટે વધુ રાહ જોવી પડશે નહીં.
હું પહાડ ચઢી શકું છુંઃ ફ્રેયા
આ ટેક્નિક દ્વારા જે બે લોકોને સૌથી પહેલા હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું તેમાં બ્રિસ્ટલની ફ્રેયા હેમિંગ્ટન (૧૪) અને વર્સેસ્ટરની એના હેડલી (૧૬)નો સમાવેશ થાય છે. એના હેડલી કહે છે કે તે હવે પહેલાની જેમ હોકી રમી શકે છે. ફ્રેયાએ કહ્યું તે હવે પહાડ પર પણ ચઢી શકે છે.
ઓર્ગનકેર સિસ્ટમ દ્વારા હૃદયની જાળવણી
એનએચએસના ડોક્ટરોએ ઓર્ગનકેર સિસ્ટમ મશીન બનાવાયું છે. ડોનર દર્દી મૃત્યુ પામ્યાની જાહેરાત થયા બાદ તરત જ હૃદયને કાઢીને આ મશીનમાં મૂકી ૧૨ કલાક તપાસવામાં આવે છે અને ત્યાર પછી જ ટ્રાન્સપ્લાન્ટ કરાય છે.
ડોનર દ્વારા મળેલા હૃદયને જે દર્દીના શરીરમાં મૂકવાનું હોય તેના શરીરની જરૂરિયાત મુજબ ઓક્સિજન, પોષકતત્ત્વ અને જે તે ગ્રૂપનું બ્લડ આ મશીનમાં રાખીને હૃદયમાં ૨૪ કલાક સુધી તેને પ્રવાહિત કરવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter