મેંદોઃ શરીરને ખોખલું કરતો શેતાન

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 27th April 2016 05:32 EDT
 
 

પીત્ઝા અને બર્ગર ખાવાથી ડાયાબિટીસનો ખતરો વધે એવું કોઇ આપણને કહે તો સ્હેજેય શંકા તો પડે જ કે આમાં તે ક્યાં વળી એટલી સુગર હોવાની કે ડાયાબિટીસ વળગવાનો હતો? તમારી વાત સાચી છે. પીત્ઝા-બર્ગરમાં સુગર ભલે ઓછી હોય, પણ આ બનાવટો જેમાંથી તૈયાર થાય છે તે મેંદાના પ્રોસેસિંગમાં એલોક્સેન નામનું જે તત્વ વપરાય છે તેનાથી ડાયાબિટીસ થવાનો ખતરો રહે છે.

આરોગ્યજગતમાં મેંદો, સાકર અને મીઠું આ સફેદ ત્રિપુટીને ધ થ્રી ડેવિલ્સ એટલે કે શેતાન તરીકે ઓળખવામાં આવે છે. આ થ્રી વ્હાઇટ્સથી ચેતીને ચાલવાની સલાહ ડોક્ટર્સ તથા ડાયેટિશ્યન્સ આપી રહ્યા છે, પરંતુ અફસોસની વાત એ છે કે અત્યારે રોજિંદા આહારમાં આ ત્રણ ચીજોનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. નૂડલ્સ, પીત્ઝા, પાસ્તા, પેસ્ટ્રીઝ, સેન્ડવિચ જેવી આઇટમો આજના યંગસ્ટર્સની પહેલી પસંદ છે; પરંતુ એ શેતાનની જેમ શરીરને અંદરથી ખોખલું કરી રહી છે. 

મેંદો પચવામાં ખૂબ ભારે છે. એ સત્વહીન છે. પાચનતંત્રના અવયવોમાં ચોંટીને અનેક પ્રકારની બીમારીને આમંત્રણ આપે છે. વેસ્ટર્ન દેશોમાં એને જન્ક કહે છે. એમાં ફાઇબર એટલે કે રેસા નથી હોતા. એનો ઉપયોગ ગ્લુ તરીકે ચોંટાડવામાં કરવામાં આવે છે. એને માનવીનો મોટામાં મોટો દુશ્મન ગણવામાં આવે છે. મેંદો શરીરને કઈ રીતે એ નુકસાન પહોંચાડે છે, એમાં કયાં તત્વો છે જે શરીર માટે જોખમી છે, એનાથી કેવી-કેવી તકલીફો થઈ શકે છે વગેરે વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

મેંદો શું છે?

મેંદાને વ્હાઇટ ફ્લોર, રિફાઇન્ડ ફ્લોર, ઓલ પર્પઝ ફ્લોર, પેસ્ટ્રી ફ્લોર તરીકે ઓળખવામાં આવે છે. ઘઉંનું પ્રોસેસિંગ થાય ત્યારે એમાંથી ફાઇબર, અસ્તર, વિટામિન્સ, ફોસ્ફરસ તથા મેન્ગેનીઝ નીકળી જતાં જે વેસ્ટ અથવા કચરો વધે છે એ છે મેંદો.

મેંદો બનાવવાની દેશી રીત શું હતી?

મેંદો તો આપણા બાપ-દાદાના જમાનાથી વપરાતો આવ્યો છે, પરંતુ એનું પ્રોસેસિંગ અત્યારની જેમ થતું નહીં. એને સફેદ બનાવવા માટે ન તો બ્લીચિંગને લગતાં કેમિકલ્સ વપરાતાં કે ન તો એનું ટેક્સચર લાવવા માટે એલોક્સેન જેવા ખતરનાક કેમિકલનો ઉપયોગ થતો.

દિવાળી વખતે ઘેર-ઘેર મેંદો બનતો. એના માટે સફેદ ઘઉંને ૪-૫ કલાક પલાળવામાં આવતા. ત્યાર બાદ એને કોરા કરીને એનો બારીક લોટ દળવામાં કે દળાવવામાં આવતો. આ લોટને મલમલના કપડા વડે ચાળીને એનો ઉપયોગ દહીંથરા, સુંવાળી, ફરસી પૂરી, ઘૂઘરા, ઘારી કે જલેબી બનાવવા થતો. બેશક, આમાં ન્યુટ્રિશન ઓછું થાય ખરું, પરંતુ કેમિકલ્સની આડઅસરથી બચી શકાય.

... પણ આજે મેંદો કઇ રીતે બને છે?

મેંદો બને છે તો ઘઉંનું પ્રોસેસિંગ કરીને જ, પણ તેની કેમિકલ પ્રોસેસ આપણા શરીર માટે નુકસાનકારક છે. ઘઉંમાંથી બનેલા મેંદાનો અસલ કલર જરા પીળાશ પડતો હોય છે. આ પીળાશને દૂર કરીને સફેદ બનાવવા એને બ્લીચ કરાય છે. આવો સુંદર સફેદ કલર બેન્ઝોઇલ પેરોક્સાઇડ નામના કેમિકલને આભારી છે. વળી મેંદાને સુંવાળું ટેક્સચર આપવા એક અન્ય કેમિકલ એલોક્સેનનો ઉપયોગ કરાય છે.

શું છે આ એલોક્સેન?

આ એક ખતરનાક કેમિકલ છે. એ આપણા શરીરમાં પ્રવેશતાં આપણા સ્વાદુપિંડની અંદર રહેલા બીટા સેલ્સનો નાશ કરે છે. આપણા શરીરમાં ઝરતું ઇન્સ્યુલિન આ બીટા સેલ્સને આભારી છે. આ કોષોનો નાશ થતાં શરીરની ઇન્સ્યુલિન બનાવવાની ક્ષમતામાં ઘટાડો થાય છે અને પરિણામે નવા ડાયાબેટિક પેશન્ટોનો જન્મ થાય છે.

આ કેમિકલનો ઉપયોગ આમ તો લેબોરેટરીમાં ઉંદર તેમજ ગિની પિગ્સ પર થાય છે. ઇન્સ્યુલિનની અસરનો અભ્યાસ કરવા માટે પ્રાણીઓના શરીરમાં એલોક્સેનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. એથી તેઓમાં ડાયાબિટીસનો રોગ ઉત્પન્ન થાય. એક વાર આ રોગ દેખા દેવા માંડે પછી એની અસરનો રીતસર અભ્યાસ કરવામાં આવે છે.

મેંદો આરોગવાથી આમ અજાણપણે આ ખતરનાક કેમિકલ એલોક્સેન આપણા શરીરમાં છૂપા રુસ્તમની જેમ પ્રવેશીને ડાયાબેટિક બનાવે છે. જાણીને નવાઈ લાગશે, પરંતુ જ્યારે બ્રિટિશરોને ૧૯૪૬માં ખબર પડી કે તેમના સૈનિકોની તબિયત કથળી રહી છે ત્યારે તેમને અપાતી મેંદાની તમામ ચીજો પર પ્રતિબંધ મૂક્યો હતો.

મેંદાની આડઅસરો

(૧) આંતરડામાં ચોંટીને એ આમ ઉત્પન્ન કરે છે.

(૨) એને લીધે સાયનસ માર્ગમાં વધારે પડતું મ્યુક્સ જમા થાય છે.

(૩) હોજરીમાં ફુગાવો થાય છે.

(૪) અર્જીણ પણ થતું જણાય છે.

(૫) એ પાચનતંત્રને નબળું પાડે છે.

(૬) એ કબજિયાત કરનાર છે.

(૭) એના વધુપડતા સેવનથી ડાયાબિટીસ, અંધાપો, કોલોન તથા રેક્ટમનું એટલે કે આંતરડાનું કેન્સર, પાઇલ્સ, વેરીકોઝ, વેઇન્સ, ઓબેસિટી તથા ચામડીના રોગ થાય છે.

મેંદાની વાનગીનો ત્યાગ કરીએ

દેખાવમાં આકર્ષક અને સ્વાદમાં લાજવાબ લાગતી આવી વાનગીઓથી ચેતજો. મેંદાથી બનાવેલાં નાન, ભટુરા, કેક, કુકીઝ, બ્રેડ, પીત્ઝા, મોમોસ, સ્વિસ-ફ્રેન્ચ રોલ્સ, નૂડલ્સ, પાસ્તા, જલેબી, ગુલાબજાંબુ વગેરે ખાવાનું ટાળો. મેંદા વિશે આટલું જાણ્યા પછી તમને નથી લાગતું કે કોઈ પણ વસ્તુને અપનાવતાં પહેલાં કે અનુકરણ કરતાં પહેલાં એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવી અને એને ચકાસવી જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter