કોપનહેગનઃ નવા અભ્યાસમાં જણાયું છે કે કોઇ વ્યક્તિ મેદસ્વી કે વધુ વજન ધરાવતી હોય તો તેને કેટલાય સામાન્ય કેન્સરોનું જોખમ વધી જાય છે. ડેન્માર્કની આરહસ યુનિવર્સિટી હોસ્પિટલના સંશોધકોને અભ્યાસમાં જણાયું છે કે વધુ વજન હોવાને કારણે તેમના માટે કેન્સરનું જોખમ - અન્યોની સરખામણીએ - 12 ટકા જેટલું વધી જાય છે.
આવા કેન્સરમાં સ્તન કેન્સર, કિડની કેન્સર, પિત્તાશયનું કેન્સર, લ્યુકેમિયા અને મગજના કેન્સરનો સમાવેશ થાય છે. જર્નલ ઓફ ઇન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત આ અભ્યાસમાં ટીમે 1977થી 2016 સુધીના 40 વર્ષ દરમિયાનના ડેન્માર્કમાં નોંધાયેલા કેન્સર કેસના ડેટાને ચકાસ્યા હતા. આ ડેટાનું વિશ્લેષણ કરતાં સંશોધકોને જણાયું હતું કે, 313,321 પુખ્ત વયની વ્યક્તિઓ કેન્સરથી પીડાતી હતી, તેમાંથી 20,706 વ્યક્તિઓ ઓવરવેઇટ કે મેદસ્વી ગણાતી હતી. તેની સરખામણીમાં એ જ સમયગાળામાં સામાન્ય ડેનિસ પ્રજામાં 18,480 લોકોમાં જ કેન્સરનું નિદાન થયું હતું. મતલબ કે વજન વધુ હોવાને કારણે કેન્સરનું જોખમ 12 ટકા વધુ હોવાનું તારણ નીકળે છે. વિજ્ઞાનીઓને જણાયું કે મેદસ્વિતાને કારણે કોષોની સંખ્યા વધે છે અને તેને કારણે પ્રોટીનનું સ્તર પણ વધી જાય છે. સાથે સાથે નુકસાનકારક હોર્મોનનું પ્રમાણ પણ વધી જાય છે, જે સ્થિતિ કેન્સર ભણી દોરી
જાય છે.