નવી દિલ્હીઃ મોબાઈલ હાથમાંથી લેતાં જ બાળક બૂમો પાડવા લાગે, રીલ્સ બંધ થતા જ બેચેની વધી જાય અથવા થોડીવાર ફોન ન મળવા પર ગુસ્સો અને ચીડિયાપણું દેખાય તો આવા વ્યવહારને - લક્ષણને માત્ર જીદ સમજવાની ભૂલ ભારે પડી શકે છે. આ ડોપામિન લૂપ જેવી માનસિક સ્થિતિને કારણે હોય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર 10 વર્ષની વયના દર 10માંથી એક કિશોર કોઈને કોઈ માનસિક વિકારથી ઝઝૂમે છે. ‘એઈમ્સ’-જોધપુરના મનોચિકિત્સા વિભાગના સહાયક આચાર્ય ડો. પ્રાંશુ સિંહ જણાવે છે કે સોશિયલ મીડિયા પર દેખાતી પરફેક્ટ લાઈફ બાળકો અને કિશોરોમાં લઘુતાગ્રંથિ (હીનભાવના), અસંતોષ અને માનસિક દબાણ વધારી રહી છે. બાળકો સતત બીજાના જીવન સાથે પોતાની સરખામણી કરવા લાગે છે.
ડો. સિંહના જણાવ્યા મુજબ, સતત મોબાઈલ, ટીવી અને ગેમિંગ મગજની રિવોર્ડ સિસ્ટમને પ્રભાવિત કરે છે. દરેક રીલ કે વીડિયો મગજમાં ડોપામિન (ખુશી આપતું હોર્મોન) રિલીઝ કરે છે. ધીરે ધીરે મગજ આ ઉત્તેજનાનું આદિ થઈ જાય છે અને વારંવાર સ્ક્રીનની માગ કરે છે. જ્યારે અચાનક સ્ક્રીન ટાઈમ રોકવામાં આવે, ત્યારે ડોપામિન લેવલ ઘટવા લાગે છે.
આ સમસ્યાનું નિવારણ શું? નિષ્ણાતો કહે છે કે સૌથી પહેલાં માતા-પિતાએ પોતે બાળકોની સામે મોબાઈલ જોવાનું ઓછું કરવું જોઈએ. બાળકોનો સ્ક્રીન ટાઈમ નક્કી કરો, અચાનક ફોન છીનવવાનું ટાળો. નવરાશના સમયમાં ફોન આપવાને બદલે આઉટડોર ગેમ્સ (મેદાની રમતો), પુસ્તક અને હોબી (શોખ) તરફ પ્રોત્સાહિત કરો.


