યુકેનું તાપમાન શૂન્યથી નીચે જવાની આગાહી સાથે વિશેષ કાળજીની સલાહ

Wednesday 29th November 2017 06:57 EST
 
 

લંડનઃ યુરોપના સૌથી ઠંડા સ્થળો રેક્યાવિક અને હેલસિન્કી કરતાં પણ બ્રિટનમાં હાડ ગાળી નાખે તેવી ભારે ઠંડી રહેશે તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે. શિયાળાનો સત્તાવાર આરંભ પહેલી ડિસેમ્બરથી થવાનો છે પરંતુ, સ્કોટિશ હાઈલેન્ડ્ઝ સહિત દેશના કેટલાક વિસ્તારોમાં તાપમાન માઈનસ ૧૦ ડીગ્રી સેન્ટિગ્રેડ થઈ જશે તેવી આગાહી કરાઈ છે. ટીસડેલ, કાઉન્ટી ડરહામ જેવા ઉત્તરના વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે ત્યારે બ્રિટિશરોને લપાઈને રહેવા અને વધુ કાળજી લેવાની સલાહ અપાઈ છે.

આઈસલેન્ડની રાજધાની રેક્યાવિકમાં પણ આ સપ્તાહમાં સાત ડીગ્રી અને હેસલિન્કીમાં ૩થી૪ ડીગ્રી સેન્ટિગ્રેડ તાપમાન રહેશે તેનાથી પણ બ્રિટન વધુ ઠંડુ રહેશે. સ્કોટલેન્ડના ઉત્તરના વિસ્તારોમાં બરફ પડવાની આગાહી છે અને તાપમાન નીચું ઉતરવા સાથે ગુરુવાર અને શુક્રવાર સૌથી ઠંડા રહેવાની શક્યતા છે. યુકેમાં મોટા ભાગના સ્થળોએ તાપમાન શૂન્ય ડીગ્રી નજીક પહોંચી જશે. ગત શુક્રવારે રાત્રે નોર્થ યોર્કશાયરના ટોપક્લીફ ખાતે માઈનસ ૬ ડીગ્રી અને શનિવારે રાત્રે ડોર્સેટના હર્ન ગામે માઈનસ ૩ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા ઠંડીથી સૌથી વધુ અસર થઈ શકે તેવાં લોકો પર નજર રાખવા જણાવાયું છે. હાર્ટ અને ફેફસાના રોગ ધરાવતા લોકો, વૃદ્ધ લોકો અને નાના બાળકોને સામાન્ય લોકો કરતાં વધુ તકલીફ નડશે. લોકોને એક કે બે જાડી આઈટમ પહેરવાના બદલે ઘણાં પાતળાં પડનાં વસ્ત્રો પહેરવા અને ઘરનું તાપમાન ઓછામાં ઓછું ૧૮ ડીગ્રી સેન્ટિગ્રેડ રાખવાની સલાહ અપાઈ છે. સ્કોટલેન્ડમાં ડ્રાઈવરોને રોડ પર બરફના ગચ્ચાં પડ્યાં હોવાની ચેતવણી આપવામાં આવી છે. પ્રવાસીઓને પણ ઠંડા અને વરસાદી હવામાનના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ જવાની તૈયારી રાખવા જણાવાયું છે.

શિયાળાનો સામનો કેવી રીતે કરશો

આપણે કડકડતી ઠંડીની સીઝનમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે બીમારીનો સામનો કરવા સ્વાસ્થ્યની કાળજી લેવા બાબતે સજાગ રહેવું જોઈએ. આ પાંચ પગલાં તમને વિન્ટર બ્લુને દૂર રાખવામાં મદદરુપ બનશે.

() હાથ બરાબર ધૂઓઃ શિયાળામાં હાથ શક્ય તેટલી વધુ વખત ધોવાની સલાહ છે. શિયાળાના વાયરસને ફેલાવવા માટે હાથ કદાચ સૌથી ઝડપી માર્ગ છે. તમારા હાથને સાબુ અને હુંફાળા પાણીથી ધોવાનું યાદ રાખો.

() ગરમાગરમ ભોજન લેવાનું રાખોઃ શિયાળામાં ઠંડી સેન્ડવિચ ખાવાના બદલે ગરમાગરમ સૂપ પીવાનું પસંદ કરો. ચા, કોફી, સ્ટ્યૂ અથવા સૂપ જેવાં હુફાળા પ્રવાહી પીવાથી શરદી અને ફ્લુના લક્ષણોમાં રાહત મળે છે. તે નાકમાં ભરાવાને હળવો કરવામાં અને મ્યુકસને પ્રવાહિત કરવામાં મદદ કરે છે.

() વીટામીન ડીનું પ્રમાણ વધારોઃ શિયાળામાં સૂર્યપ્રકાશ ઓછો રહેવાથી અને લોકો બહાર જવાનું ટાળતાં હોવાથી શરીરમાં વીટામીન ડીનું પ્રમાણ ઘટી જાય છે. આથી, વીટામીન ડીયુક્ત ખોરાક વધારે લેવા તેમજ વીટામીન ડી સપ્લિમેન્ટ લેવું હિતાવહ બની રહેશે.

() ભીડભાડથી દૂર રહોઃ આ કદાચ મુશ્કેલ લાગશે પરંતુ, ખાંસતા અને છીંકતા લોકોથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. બસ અથવા ટ્યૂબમાં મુસાફરી કરતી વેળા આ બાબત મુશ્કેલ જણાશે પરંતુ, ચેપથી યોગ્ય અંતર જાળવવાનું તમને બીમાર પડતા અટકાવી શકે છે.

() તાજી હવા શ્વાસમાં લોઃ શિયાળામાં ભારે ઠંડી હોય ત્યારે તાજી હવા લેવાના બદલે ઘરની અંદર બ્લેન્કેટમાં લપાઈને રહેવું વધુ ગમે તે સ્વાભાવિક છે. જોકે, ઘરની સેન્ટ્રલી હીટેડ હવાથી દૂર બહાર ચાલવા જવાથી નાકના અવાજને અટકાવવામાં મદદ મળશે. આ ઉપરાંત, ફરીને ફરી આવતી હવા લેવાના બદલે તાજી હવાનો શ્વાસ ભરવો ફેફસાં માટે પણ સારો જ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter