યુકેમાં ખરાબ આહારથી વર્ષે લગભગ ૯૦,૦૦૦ મોત

પ્રોસેસ કરેલું માંસ, વધુ મીઠું તેમજ ખાંડવાળાં પ્રવાહી પણ એટલાં જ જીવલેણ નીવડે છેઃ જંક ફૂડનો ધંધો વધ્યોઃ ચાર વર્ષ કરતાં ઓછાં સમયમાં ૫,૮૦૦ ટેક-અવે ખુલી ગયાં

Wednesday 10th April 2019 02:15 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં દર વર્ષે ખરાબ આહારની આદતોનાં કારણે લગભગ ૯૦,૦૦૦ લોકો મોતને ભેટે છે. અભ્યાસ અનુસાર આ રીતે મોત થતાં હોય તેવા મુખ્ય ૨૦ દેશની યાદીમાં યુકે ૧૮મા, ચીન પ્રથમ (૩,૧૨૮,૫૧૬) અને ભારત બીજા (૧,૫૭૩,૫૯૩) ક્રમે છે, જ્યારે રશિયન સંઘ (૫૫૦,૦૦૩), યુએસએ (૫૦૩,૩૯૧) અને ઈન્ડોનેશિયા (૩૯૧,૩૪૬) અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે છે. ફળ, શાકભાજી, આખું અનાજ, કઠોળ અને રેસાવાળા ખોરાકનું ઓછું પ્રમાણ સૌથી મોટી સમસ્યા બની છે. આની સરખામણીએ યુકેમાં કોઈ પ્રકારે ધૂમ્રપાન સાથે દર વર્ષે ૯૬,૦૦૦ મોત સંકળાયેલા છે.

લાન્સેટ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ પ્રોસેસ કરેલું માંસ, વધુ મીઠું તેમજ ખાંડવાળાં પ્રવાહી પણ એટલાં જ જીવલેણ નીવડે છે. અભ્યાસના મુખ્ય લેખક ડો. અશ્કાન અફશીનના જણાવ્યા મુજબ લોકોને જંક ફૂડ બાબતે ચેતવણીઓ આપવા કરતા તેમને વધુ આરોગ્યપ્રદ વિકલ્પો તરફ દોરવાની નીતિ સારી રહેશે. તેમની ટીમે યુકેના કુલ મોતના ૧૫ ટકા એટલે કે દર વર્ષે ૮૯,૯૦૦ મોતને આહાર સાથે સાંકળ્યા હતા. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં યુએસ સંશોધકો પણ કહે છે કે મોટાભાગના આહાર આધારિત મોતની બહુમતી હાર્ટ ડીસીઝ અને તે પછી કેન્સર અને ટાઈપ-ટુ ડાયાબિટીસ સંબંધિત હોય છે.

સત્તાવાર આંકડા જણાવે છે કે ફળ અને શાકભાજી દિવસમાં પાંચ વખત લેવા જોઈએની NHSની સલાહ ત્રણમાંથી એક કરતા ઓછાં પુખ્ત લોકો માને છે. ૧૦માંથી નવ વ્યક્તિ રેસાનું પુરતું પ્રમાણ લેતી નથી. બીજી તરફ, જંક ફૂડનો ધંધો ફૂલીફાલી રહ્યો છે. ચાર વર્ષ કરતાં ઓછાં સમયમાં ૫,૮૦૦ ટેક-અવે ખુલી ગયાં છે તેમજ ૩૩ ટકા બાળકો અને ૬૬ ટકા પુખ્ત લોકો હવે સ્થૂળ બની ગયાં છે.

બ્રિટનમાં ૨૦૧૭માં પ્રતિ ૧૦૦,૦૦૦ લોકોએ ૧૨૭ મોત આહાર સાથે સંકળાયેલા હતા. જેની સરખામણીએ યુએસમાં આટલા જ લોકોએ ૧૭૧, ચીનમાં ૩૫૦ તથા અફઘાનિસ્તાનમાં ૮૯૨ મોત હતા. ખરાબ આહાર સાથે સંકળાયેલા મોતમાં ઈઝરાયેલ, ફ્રાન્સ અને સ્પેનનો દર ૮૯ મોત સાથે સૌથી ઓછો રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter