યુકેમાં ત્રણમાંથી એક વયસ્કને પૂરતી કસરત મળતી નથી

Wednesday 12th September 2018 07:28 EDT
 
 

લંડનઃ યુકેમાં ત્રીજા ભાગ કરતાં વધુ પુખ્તોને પૂરતી કસરત મળતી ન હોવાનું અભ્યાસમાં જણાયું હતું. દસમાંથી ચાર મહિલા દર ત્રણમાંથી એક પુરુષની સરખામણીમાં કામમાં બેઠા બેઠા અથવા ઘરે વધુ પડતો સમય ગાળતી હોવાનો દાવો કરાયો હતો. તંદુરસ્ત રહેવા માટે શારીરિક પ્રવૃત્તિનિ ભલામણમાં દર અઠવાડિયે લગભગ ૧૫૦ મિનિટની મધ્યમ અથવા ૭૫ મિનિટની સખત કસરત કરવી જરૂરી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરાયેલા અભ્યાસના પરિણામમાં જણાયું હતું કે વિશ્વમાં ૧.૪ બિલિયન કરતાં વધુ પુખ્તો એટલે કે કુલ વસતિના પાંચમા ભાગના લોકોને પૂરતી કસરત મળતી નથી. તેને લીધે કાર્ડિયોવાસ્ક્યુલર રોગો, ટાઈપ ૨ ડાયાબિટીસ, ડિમેન્શિયા અને કેન્સર થવાનું જોખમ વધી જાય છે.

યુકે જેવા દેશોમાં કસરતનો અભાવ બમણાથી વધારે છે અને તેમાં છેલ્લાં ૧૫ વર્ષમાં પાંચ ટકાનો વધારો થયો હતો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડામથક જીનિવા ખાતે કાર્યરત ડો. રેગિના ગટહોલ્ડે જણાવ્યું હતું કે મુખ્ય વૈશ્વિક સ્વાસ્થ્ય જોખમોની સામે અપૂરતી શારીરિક પ્રવૃત્તિના સ્તરમાં વૈશ્વિક ધોરણે સરેરાશ ઘટાડો થયો નથી અને તમામ પુખ્તો પૈકી ૨૫ ટકા જેટલા સારા સ્વાસ્થ્ય માટે ભલામણ કરાયેલી શારિરીક પ્રવૃત્તિના સ્તર સુધી પહોમચી શકતા નથી.

તેમની ટીમે જણાવ્યું હતું કે શારિરીક પ્રવૃત્તિનું સ્તર સુધારવાની દિશામાં ૨૦૦૧ અને ૨૦૧૬ વચ્ચે ખૂબ ઓછી પ્રગતિ થઈ છે.

‘સ્વસ્થ દુનિયા માટે વધુ સક્રિય લોકો’ એક્શન પ્લાન ગયા જૂનમાં શરૂ કરાયો હતો. તેમાં શારીરિક પ્રવૃત્તિઓ માટેના સ્થળોને સુધારવાની તેમજ તમામ વયના લોકો માટે વોકિંગ, સાઈકલિંગ, રમતગમત અને ડાન્સની તકો અને યોગ્યતા વધારવાની ભલામણ કરાઈ હતી.

લેન્સેટ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત કરાયેલા અહેવાલમાં ૧૬૮ દેશોના ૧.૯ મિલિયન લોકોનો અભ્યાસ કરાયો હતો.

તેમાં જણાયું હતું કે ઉંચી આવક ધરાવતા દેશોમાં ૩૭ ટકાની સરખામણીમાં ઓછી આવકવાળા દેશોમાં ૧૬ ટકા લોકો અપૂરતા સક્રિય હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter