યુરોપમાં વાયુ પ્રદુષણથી વર્ષે ૫૦૦,૦૦૦થી વધુનાં અકાળે મોત

Monday 23rd October 2017 09:26 EDT
 
 

લંડનઃ વાયુ પ્રદુષણ યુરોપમાં વર્ષે ૫૨૦,૪૦૦ લોકોનાં અકાળે મોત માટે કારણભૂત હોવાની ચિંતા યુરોપિયન એન્વિરોન્મેન્ટ એજન્સી (EEA)ના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. નવી ટેકનોલોજીઓના પરિણામે ૪૧ દેશનોના યુરોપ ખંડમાં વાયુની ગુણવત્તા મંદ ગતિએ પણ સુધરી હોવાં છતાં આ પરિસ્થિતિ છે. એજન્સીએ રિપોર્ટમાં જણાવ્યું છે કે ૨૦૧૪માં ફોસીલ ફ્યુલ્સના બળવાના કારણે વાયુ પ્રદૂષકોમાં વધારો થતાં ૫૨૦,૪૦૦ લોકોનાં અકાળે મોત થયાં હતાં. આ સંખ્યા ૨૦૧૩માં ૫૫૦,૦૦૦ લોકોની હતી. યુકે, સર્બિઆ, આટાલી, જર્મની અને બેલ્જિયમમાં લોકોના આરોગ્ય પર નાઈટ્રોજન ડાયોક્સાઈડની સૌથી ખરાબ અસર જોવાં મળી હતી. યુકેમાં ૨૦૧૪માં નાઈટ્રોજન ડાયોક્સાઈડની અસરથી ૧૪,૦૫૦ અને માઈક્રોસ્કોપિક પાર્ટિક્યુલેટ્સના કારણે ૩૭,૬૦૦ લોકોનાં અકાળે મોત નીપજ્યાં હતાં.

યુરોપમાં અકાળે થયેલાં પાંચમાંથી ચાર (૪૨૮,૦૦૦) મોત ૨.૫ માઈક્રોન્સથી પણ ઓછી ઘનતા ધરાવતાં પાર્ટિકલ્સના કારણે થયાં હતાં. આ ફાઈન સુક્ષ્મ પાર્ટિક્યુલેટ્સ વ્યક્તિના ફેફસાં અને રક્તપ્રવાહમાં પણ પ્રવેશી જાય છે. મોનિટરિંગ સ્ટેશન્સ પરથી મેળવાયેલા ડેટા અનુસાર ૨૦૧૩માં યુરોપની ૮૫ ટકા શહેરી વસ્તીની સરખામણીએ ૨૦૧૫માં ૮૨ ટકા શહેરી વસ્તી PM2.5 તરીકે ઓળખાતાં માઈક્રોસ્કોપિક પાર્ટિક્યુલેટ્સનો શિકાર બનતી હતી. વાયુ પ્રદુષણનો અન્ય સ્રોત મોટર વાહનોમાંથી છૂટતાં નાઈટ્રોજન ડાયોક્સાઈડનો છે.

ઓગસ્ટના સંશોધન અનુસાર વાયુ પ્રદૂષણના લીધે ધૂમ્રપાન નહિ કરનારામાં પણ ફેફસાના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. જો આ પ્રવાહ ચાલુ રહેશે તો એક દાયકામાં ધૂમ્રપાન કરનારામાં નિકોટિનના કારણે થતાં કેન્સરથી મોતની સરખામણીએ ધૂમ્રપાન નહિ કરનારામાં ફેફસાના કેન્સરથી મોતનું પ્રમાણ વધી જશે. અગાઉ, સિગારેટના ઉપયોગથી ૧૦માંથી નવ લોકોને ફેફસાનું કેન્સર થતું હતું પરંતુ, હવે લોકો તે આદત છોડી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter