મુંબઈઃ કોરોના વાઇરસથી ડર્યા વગર અને હિંમતભેર એની સામે લડીને છ દિવસમાં પાછા ઘરે ફરનાર ૯૦ વર્ષનાં વિમળાબહેન શાહને જ્યારે ખબર પડી કે તેઓ કોરોના પોઝિટિવ છે ત્યારે જરાપણ ડર્યા નહોતાં. આથી ઉલ્ટું તેમણે પરિવારજનોને હિંમત આપતાં કહ્યું હતું કે હું મારી લડાઈ લડી લઈશ અને હોસ્પિટલમાં એડ્મિટ થયાં હતાં. હવે તેઓ ટ્રીટમેન્ટ લઈ સ્વસ્થ થઈ ઘરે પાછા ફર્યાં છે.
સવારે અને સાંજે હું અડધો કલાક ઘરમાં જ વોકિંગ કરું છું, મારું કામ હું જાતે કરું છું એમ કહેતાં વિમળાબહેન શાહે કહ્યું હતું કે ઉંમરના હિસાબે શરીરમાં થોડી બહુ તકલીફ રહેતી હોય છે. દરરોજ હું ગિલોયની ગોળીઓ ખાઉં છું અને હળદરવાળું દૂધ પીઉં છે જેનાં કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે. મારે લોકોને એક જ સંદેશ આપવો છે કે જો રિપોર્ટમાં કોરોના પોઝિટિવ આવે તો જરાપણ ડરવું નહીં.