લંડનવાસી સાઉથ એશિયનોને NHSની બોવેલ કેન્સર સ્ક્રિનિંગ કિટ માટે પ્રોત્સાહિત કરતા જ્યોર્જ અલાગિયાહ

Tuesday 16th August 2022 15:18 EDT
 
 

બીબીસી બ્રોડકાસ્ટર, જ્યોર્જ અલાગિયાહ સાઉથ એશિયન સમુદાયના લોકોને બોવેલ (આંતરડાના) કેન્સરના નિદાન માટે NHS લંડન દ્વારા શરૂ કરાયેલા લાઇફસેવિંગ અભિયાનને સમર્થન આપતાં NHS દ્વારા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાતી બોવેલ કેન્સર સ્ક્રિનિંગ હોમ ટેસ્ટ કિટ વડે ટેસ્ટ કરવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.
બોવેલ કેન્સર અંગેના સ્વાનુભવની વાત કરતાં જ્યોર્જે જણાવ્યું હતું કે, બોવેલ કેન્સર જેવી બીમારીઓનું વહેલું નિદાન થાય તો તેની સારવાર શક્ય છે. હું સારી રીતે જાણું છું કે મોટાભાગના લોકો ડોક્ટર પાસે જતા ખચકાય છે પરંતુ હું તેમને જણાવવા માંગુ છું કે આ ટેસ્ટ ઘણો સરળ છે અને ખાનગીમાં ઘરમાં જ કરી શકાય છે.

જ્યોર્જ જાણે છે કે આંતરડાની તંદુરસ્તી અંગેની ચર્ચા સામાન્ય બનાવવાનું કેટલું મહત્વ છે. તેઓ કહે છે કે, હું સમજી શકું છું કે લોકો આંતરડા અને મળ અંગે વાત કરતાં ખચકાય, પરંતુ આ ટેસ્ટ ઘણો સરળ હોવા ઉપરાંત તે તમારું જીવન બચાવી શકે છે.

ટેસ્ટ સરળ અને ઝડપી
આ અભિયાનમાં કિંગ્સ કોલેજ ખાતે કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. બુ હેયી પણ જોડાયા છે. તેમણે જે લંડનવાસીઓને વિનામૂલ્યે બોવેલ કેન્સર સ્ક્રિનિંગ ટેસ્ટ કિટ મોકલવામાં આવી છે તેમને ઝડપથી ટેસ્ટ કરી પરત મોકલવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ ટેસ્ટ સરળ અને ઝડપી છે. આંતરડાનું કેન્સર સામાન્ય રીતે જોવા મળતા પ્રકારના કેન્સર પૈકીનું એક છે. બ્રિટનમાં દર વર્ષે બોવેલ કેન્સરના 43000 દર્દી નોંધાય છે અને 16,500ના મોત થાય છે. તેનો અર્થ એ થયો કે આંતરડાના કેન્સરને કારણે દરરોજ 45થી વધુ દર્દીનાં મોત થાય છે.

ઘરેબેઠાં ટેસ્ટ માટે વિનામૂલ્યે કિટ
જો તમે ઘેર જ ખાનગીમાં બોવેલ કેન્સરનો ટેસ્ટ કરી લો છો તો તે તમને બોવેલ કેન્સરથી બચાવવામાં, વહેલા નિદાન કરવામાં મદદરૂપ બને છે. જે લોકો પહેલેથી બોવેલ કેન્સરનું સ્ક્રિનિંગ કરાવે છે તેમના મોતની સંભાવનામાં 25 ટકાનો ઘટાડો થાય છે. તેના કારણે NHS દ્વારા લોકોને ઘરમાં જ ટેસ્ટ કરવા માટે વિનામૂલ્યે કિટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ કિટ્સ કોઇ પણ લક્ષણો ન ધરાવતા હોય તેવા લોકો માટે છે અને તેમને ફરી વાર ટેસ્ટ કરવાની જરૂર રહેતી નથી. જો તમને કિટ મોકલાઇ છે તો તેનો ઉપયોગ કરજો. આ કિટથી ટેસ્ટ કરનારા 100 પૈકીના 98 લોકોને વધુ કોઇ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. આંતરડાના કેન્સરનું સ્ક્રિનિંગ કરવાથી જિંદગી બચે છે.
વધુ માહિતી માટે જૂઓઃ https://www.healthylondon.org/BCS


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter