લાંબા આયુષ્ય માટે બેરીઝ, ચા, ડાર્ક ચોકલેટ અને સફરજન અવશ્ય લો

Friday 18th July 2025 10:53 EDT
 
 

લાંબા આયુષ્ય માટે બેરીઝ, ચા, ડાર્ક ચોકલેટ અને સફરજન અવશ્ય લો

લાંબા સમય સુધી જીવવાનું મળે તે કોને ન ગમે? બધાને ગમે, પરંતુ શરત એટલી કે આરોગ્યની સમસ્યાઓ રહેવી ન જોઈએ. ક્વીન્સ યુનિવર્સિટી બેલફાસ્ટ, એડિથ કોવાન યુનિવર્સિટી પર્થ (ECU) અને મેડિકલ યુનિવર્સિટી ઓફ વિએના એન્ડ યુનિવર્સિટેટ વિએનના સંશોધકોની ટીમ દ્વારા અભ્યાસમાં જણાયું છે કે બેરીઝ, ચા, ડાર્ક ચોકલેટ અને સફરજન જેવા ફ્લેવોનોઈડ્ઝ (વનસ્પતિજન્ય સંયોજનો)થી ભરપૂર આહાર લેવાથી હૃદય સંબંધિત ગંભીર સમસ્યાઓ થવાનું જોખમ નીચું રહે છે અને દીર્ઘ જીવનની સંભાવના વધી જાય છે. અભ્યાસના તારણો અનુસાર આહારમાં ચા, બ્લુબેરીઝ, સ્ટ્રોબેરીઝ, નારંગી, દ્રાક્ષ તેમજ રેડ વાઈન અને ડાર્ક ચોકલેટ સહિત વિવિધ પ્રકારના ફ્લેવોનોઈડ્ઝ લેવાથી ટાઈપ 2 ડાયાબિટીસ, કાર્ડિઓવાસ્કુલર ડિસીઝ (CVD), કેન્સર અને ન્યૂરોલોજિકલ ડિસીઝ જેવી સમસ્યાઓ થતી અટકાવવામાં મદદ મળે છે. ‘Nature Food’માં પ્રકાશિત અભ્યાસમાં 40થી 70 વયજૂથના 120,000થી વધુ પાર્ટિસિપેન્ટ્સ પર એક દાયકાથી વધુ સમય દેખરેખ રાખવામાં આવી હતી. આવા પ્રકારના પ્રથમ અભ્યાસના તારણો અનુસાર મોટા જથ્થામાં એક જ પ્રકારના ફ્લેવોનોઈડ્ઝ લેવાના બદલે વૈવિધ્ય જળવાય તો લાભ મળે છે. અભ્યાસમાં જણાવાયું છે કે આહારમાં દરરોજ આશરે 500 mg ફ્લેવોનોઈડ્ઝ લેવામાં આવે તો સમગ્રતયા કોઈપણ કારણના મૃત્યુદરમાં 16 ટકા તેમજ CVD, ટાઈપ 2 ડાયાબિટીસ અને રેસ્પિરેટરી રોગોનું જોખમ 10 ટકા ઘટે છે. વિવિધ ફ્લેવોનોઈડ્ઝ અલગ અલગ કાર્ય કરે છે. કેટલાક બ્લડ પ્રેશર સુધારે છે તો અન્ય ફ્લેવોનોઈડ્ઝ કોલેસ્ટરોલનું પ્રમાણ અને ઈન્ફ્લેમેશન પણ ઘટાડે છે.

•••

કોફી જગાડે ખરી, પરંતુ નિદ્રાવસ્થામાં મગજ પર શું અસર કરે?

કોફી તમને જાગતા રહેવામાં મદદ કરે છે, પરંતુ એક સમયે તમે નિદ્રાધીન થઈ જાવ ત્યારે કોફીમાં રહેલું તત્વ તમારા મગજ પર શું અસર કરે તે પ્રશ્ન ભારે મૂંઝવણભર્યો છે. ‘નેચર કોમ્યુનિકેશન્સ બાયોલોજી’માં પ્રકાશિત અભ્યાસમાં યુનિવર્સિટે દ મોન્ટ્રીએલના સંશોધકોની ટીમે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદથી આ કોયડાનો ઉકેલ આપ્યો છે કે તે મગજની ક્રિટિકાલિટી (મગજની એવી પરિસ્થિતિ જ્યાં વ્યવસ્થા અને અરાજકતા વચ્ચે સમતુલા હોય છે)ને અસર કરે છે.
ક્રિટિકાલિટી ખુશીનું માધ્યમ છે, જેમાં મગજ મહત્તમ કામગીરી બજાવે છે, તે માહિતીઓ પર અસરકારક પ્રક્રિયા કરે છે, ઝડપથી અનુકૂલન સાધે છે શીખે છે અને સ્ફૂર્તિ સાથે નિર્ણયો લે છે. કેફીન મગજને ઉત્તેજના આપે છે અને ક્રિટિકાલિટીની અવસ્થામાં ધકેલે છે જ્યાં તે વધુ જાગ્રત, એલર્ટ અને રીએક્ટિવ રહે છે. દિવસ દરમિયાન ધ્યાન કેન્દ્રિત રાખવાનું હોય ત્યારે આ બાબતો ઉપયોગી છે. જોકે, રાત્રિના આરામના સમયે ક્રિટિકાલિટીની અવસ્થા મગજને શાંતિ મળતી નથી કે તેની રિકવરી પણ બરાબર થતી નથી. સંશોધકોએ ઊંઘ દરમિયાન બ્રેઈનના ઈલેક્ટ્રિકલ રીધમમાં થતાં તીવ્ર ફેરફારોને પણ નોંધ્યા હતા. કેફીન ગાઢ અને સ્વાસ્થ્યપ્રદ ઊંઘ લાવતાં થીટા અને આલ્ફા તરંગોના ધીમાં આવર્તનોને નબળાં પાડે છે તેમજ જાગ્રતાવસ્થામાં હોય તેમ બીટા તરંગોની એક્ટિવિટીને ઉત્તેજન આપે છે. રાત્રિ દરમિયાન મગજની યાદદાસ્ત અને સમારકામની પ્રક્રિયા ચાલતી હોય છે તેમાં વિક્ષેપ સર્જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter