વયના વધવાની સાથે બીમારીઓ પણ વધે છે અને તેના કારણે વૃદ્ધોને દરરોજ એક સાથે ચાર-પાંચ દવા લેવાની જરૂર પડે છે, જેને તબીબી ભાષામાં પોલીફાર્મસી કહે છે. અમેરિકાની જ્હોન હોપકિન્સ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર લાંબા સમય સુધી એક સાથે અનેક દવાઓ લેવાથી તેની સાઈડ ઈફેક્ટ થાય છે. જેમ કે, દર્દીને ચક્કર આવવા, ભૂખ ઓછી લાગવી, બીપીમાં વધારો-ઘટાડો વગેરે. આજે આપણે તેના કારણ અને સમાધાન વિશે જાણીએ.
વડીલો કેમ વધુ દવાઓ લે છે?
ત્રણ કારણ મુખ્ય
1) સાજા થઇ જાય તો પણ દવા બંધ ન કરવીઃ દવાઓનું સેવન ઘટાડવા બાબતે રિસર્ચ કરનારાં ડો. એરિયલ ગ્રીન કહે છે કે, કેટલાક દર્દી જેમણે વર્ષો અગાઉ કોઈ બીમારી માટે દવા લેવાનું શરૂ કર્યું હતું તેઓ તેને ત્યારે પણ ચાલુ જ રાખે છે જ્યારે જરૂર હોતી નથી. શરીરમાં જઇ રહેલી આ બિનજરૂરી દવાની આડ અસર થતી રહે છે. ક્યારેક આડ અસર ઘટાડવા માટે બીજી દવાઓ અપાય છે. આમ દવાનું એક દુષ્ચક્ર શરૂ થાય છે અને દવાઓની સંખ્યા વધતી જાય છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે એક દવા સાથે બીજી દવા લેવાથી નુકસાન થતું હોય છે.
2) ડોક્ટરની સલાહ વગર દવા અને સપ્લિમેન્ટ લેવાઃ પોલીફાર્મસીનું એક કારણ ડોક્ટરની સલાહ વગર લેવામાં આવતી દવાઓ પણ છે. હર્બલ નુસખા અને પોષણ સંબંધિત સપ્લિમેન્ટ પણ છે. કેમ કે તમે જ્યારે કોઇ પણ દવાઓ લો છો તો તેની સાથે તેની અનેક આડઅસર પણ થવાની સંભાવના રહે છે.
3) અનેક ડોક્ટર દવાઓની અસરને ઉંમરની અસર માની લે છે: આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રખ્યાત હૃદયરોગ નિષ્ણાત સ્ટીફન સિનાત્રા કહે છે કે, પોલીફાર્મસી આજે તબીબીજગતની મોટી સમસ્યા છે. ખાસ કરીને એવા સીનિયર સિટીઝન, જેમને અનેક બીમારીઓ છે અને અનેક પ્રકારની દવાઓનું સેવન કરે છે. આવા દર્દીઓના કિસ્સામાં અનેક ડોક્ટર ચક્કર આવવા, કબજિયાત થવાનું કારણ વધતી ઉંમર માની લે છે, જ્યારે કે તેનું કારણ પોલીફાર્મસી પણ હોઈ શકે છે.
તમે પોલીફોર્મસીનું જોખમ
કઇ રીતે ઘટાડી શકો?
1) દવાઓની યાદી બનાવોઃ તમે જે દવાઓ લાંબા સમયથી લેતા હો તેની એક ચિઠ્ઠી રાખો. ડોક્ટરને તબિયત બતાવો ત્યારે ચિઠ્ઠીની સાથે દવાઓનું બોક્સ પણ લઈ જાઓ. તેમને દવાઓ બતાવો અને તેના વિશે પૂછો. કોઈ દવામાં વધ-ઘટ સુચવવામાં આવી હોય યાદી અપડેટ કરો.
2) નક્કી સમયે જ દવા લોઃ ડોક્ટર દ્વારા દવાનું સેવન કરવા માટે જે સમય અપાયો હોય તે સમય નોંધી રાખો, કેમ કે એક દવા બીજી દવાની આડઅસરને અટકાવે છે.
3) વર્ષમાં એક વાર દવાઓનો રિવ્યુ કરોઃ જુદી જુદી બીમારીઓને કારણે દવાઓ પણ વારંવાર બદલાતી હોય છે. જે દવાઓ તમે નિયમિત લઈ રહ્યા છો, તેને વર્ષમાં એક વાર પોતાના ડોક્ટરને બતાવો.
આ સાથે જ તેમને આ ત્રણ સવાલ જરૂર પૂછોઃ
• આમાંથી કોઇ દવા બંધ કરી શકાય કે તેનો ડોઝ ઓછો કરી શકાય એમ છે?
• જે દવા લઇ રહ્યા છીએ તેની કોઇ આડઅસર તો નથી ને?
• આ દવાઓ લાંબા સમય સુધી લેવાથી નવી મુશ્કેલી તો પેદા નહીં થાય?
આ સવાલોના જે જવાબ મળશે તેનાથી બિનજરૂરી દવાઓનું સેવન પેટમાં જતી અટકશે, અને તમે તેની આડ અસરથી પણ બચી જશો.