કોઈ પણ દુઃખાવા, પીડા, તાવ અથવા શરીરની અસ્વસ્થતા દૂર કરવા માટે લોકો સામાન્યપણે પેરાસિટામોલ ટેબ્લેટ ગળી લેતા હોય છે. વિશ્વમાં સૌથી વધુ વપરાશ ધરાવતી પેરાસિટામોલને અત્યાર સુધી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકો માટે પણ સલામત ગણવામાં આવતી હતી, પરંતુ સામાન્ય સમસ્યાઓ માટે પણ નિયમિત પેરાસિટામોલ લઈ લેનારા લાખો લોકો માટે 2022ના એક તબીબી અભ્યાસમાં લાલ બત્તી ધરવામાં આવી છે. અભ્યાસમાં જણાવાયું છે કે ઈબુપ્રોફેન જેવી નોન-સ્ટેરોઈડલ એન્ટિ-ઈન્ફ્લેમેટરીઝ (NSAIDs) દવાઓની અસર વ્યક્તિના બ્લડ પ્રેશર પર થાય છે તેવી જ અસર લાંબા ગાળા સુધી પેરાસિટામોલ લેનારા લોકો પર થાય છે. લાંબા ગાળાના દુઃખાવા માટે NSAIDs પ્રીસ્ક્રાઈબ કરવામાં આવે છે, પરંતુ આ દવાઓ બ્લડ પ્રેશરને ઊંચુ લઈ જાય છે અને હૃદયરોગ અથવા સ્ટ્રોકનું જોખમ 20 ટકા જેટલું વધારે છે. અભ્યાસના સંશોધકોએ સલાહ આપી છે કે પેઈનકિલર લેવા લાંબા સમયથી પ્રીસ્ક્રિપ્શન ધરાવનારા લોકોએ શક્ય ટુંકા ગાળા માટે સૌથી ઓછી અસરનો ડોઝ લેવો જોઈએ.
યુનિવર્સિટી ઓફ એડિનબરાના ક્લિનિકલ ફાર્માકોલોજીના પર્સનલ ચેરમેન પ્રોફેસર જેમ્સ ડીઅરે જણાવ્યા અનુસાર પેરાસિટામોલની બે સપ્તાહની સારવારથી હાઈપરટેન્શન ધરાવતા દર્દીઓમાં બ્લડ પ્રેશર વધે છે, જે કાર્ડિયોવાસ્કુલર રોગો માટે જોખમી છે. જોકે, જે લોકો માથાના દુઃખાવા અથવા તાવ માટે પ્રસંગોપાત પેરાસિટામોલનો ઉપયોગ કરતા હોય તેમણે ચિંતા કરવાની જરૂર નથી. સંશોધકોએ જણાવ્યું હતું કે યુકેમાં હાઈ બ્લડ પ્રેશર ધરાવતા અને લાંબા સમયથી પેરાસિટામોલ લેનારા પેશન્ટ્સનો ચોક્કસ આંકડા તેમની પાસે નથી. જોકે, યુકેમાં હાઈ બ્લડ પ્રેશર ધરાવતી દર ત્રણ પુખ્ત વ્યક્તિમાંથી એક વ્યક્તિ નિયમિત પેરાસિટામોલ લેતી હોવાનો અંદાજ છે. અભ્યાસને ફંડ આપનારા બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર સર નિલેશ સામાણીએ જણાવ્યું હતું કે આ તારણોથી ખબર પડે છે કે ડોક્ટર્સ અને પેશન્ટોએ કોઈ દવા લેવાની હાલ જરૂરિયાત છે કે કેમ તેવી નિયમિત સમીક્ષા તેમજ હંમેશાં દવાનાં લાભ અને જોખમો વિશે વિચારવું જોઈએ.


