ન્યૂ યોર્કઃ ઓર્થોસ્ટેટિક હાયપો-ટેન્શન કે જે લો બ્લડપ્રેશનો એક પ્રકાર છે, તેના લીધે અમુક વ્યક્તિઓને લાંબો સમય બેસી રહ્યા બાદ જ્યારે ઊભા થાય ત્યારે ચક્કર આવવાની સ્થિતિ સર્જાય છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંસોધકોએ એક સંશોધનમાં જાણ્યું કે, જે લોકોમાં ચક્કર આવવાની સ્થિતિ સર્જાય છે તેવા ૪૦ ટકા લોકોમાં ડિમેન્શિયા થવાની શક્યતા વધારે હોય છે. ૭૦ વર્ષની ઉંમરના ૨,૦૦૦થી વધુ લોકો પર ૧૨ વર્ષ સુધી ડિમેન્શિયાના રિસ્ક અંગે અભ્યાસ કરાયો હતો. આ માહિતીના વિશ્લેષણના આધારે નિષ્ણાતોએ આ તારણ રજૂ કર્યું છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ડિમેન્શિયાની પરિસ્થિતિમાં મગજમાં લોહીના પ્રવાહના અભાવે લીધે સમય જતા કાર્યક્ષમતા ઘટી જતી હોય છે. બ્લડપ્રેશર બે પ્રકારનાં હોય છે. એક સિસ્ટોલિક પ્રેશર અને બીજું ડાયસ્ટોલિક પ્રેશર. સામાન્યપણે ડાયસ્ટોલિક પ્રેશરના દર્દીને ડિમેન્શિયા થવાનુ જોખમ વધારે હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ સૂવાની સ્થિતિમાંથી ઊભો થાય છે ત્યારે તેના શરીરની સ્થિતિમાં બદલાવ લાવવા માટે સમાયોજન કરવું પડે છે. શરીર લોહીનાં દબાણથી મગજમાં ઓક્સિજન સપ્લાય કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે બ્લડપ્રેશર ઘટે છે અને આવી પરિસ્થિતિમાં વ્યક્તિ ચક્કર આવતા હોવાનું અનુભવે છે. જેને ઓર્થોસ્ટેટિક હાઇપો-ટેન્શન અથવા પોસ્ટ્યુરલ હાઇપો-ટેન્શન પણ કહેવામાં આવે છે. જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ થતો જાય છે તેમ તેમ તેનું રક્ત પરિભ્રમણ પણ નબળું પડતું જાય છે. જેથી વૃદ્ધ વ્યક્તિઓમાં ઓર્થોસ્ટેસ્ટિક હાઇપો-ટેન્શનની સમસ્યા વધુ જોવા મળે છે અને તેનાં લીધે હાર્ટએટેકનું જોખમ પણ વધી જાય છે.