લાંબો સમય બેસી રહેવાથી કેન્સરનું જોખમ વધે છે

Sunday 02nd August 2026 09:33 EDT
 
 

લંડનઃ ઓફિસમાં કલાકો સુધી સતત ખુરશી પર બેસીને કામ કરવું હવે માત્ર કમર કે ગરદનના દુખાવા પૂરતું જ સીમિત નથી રહ્યું. નવા અભ્યાસ અનુસાર, એક વખતમાં 30 મિનિટથી વધુ સમય સુધી સતત બેસી રહેવાની આદત કેન્સરથી મૃત્યુના વધેલા જોખમ સાથે સંકળાયેલી હોઈ શકે છે.

આ રિસર્ચ પોપ્યુલર સાયન્સ જર્નલ ‘PLOS Medicine’ માં પ્રકાશિત થયું છે. રિસર્ચસે યુકે બાયોબેન્કમાં નોંધાયેલા 91,000થી વધુ લોકોના ડેટાનું વિશ્લેષણ કર્યું. આ રિસર્ચમાં ભાગ લેનારાઓએ એક અઠવાડિયા સુધી હાથમાં એક્ટિવિટી ટ્રેકર પહેર્યા હતા અને ત્યારબાદ તેમની હેલ્થ પર એવરેજ 12 વર્ષ સુધી નજર રખાઇ હતી. સ્ટડીમાં જાણવા મળ્યું કે દિવસ દરમિયાન 30 મિનિટથી વધુ સમય સુધી એકધારું બેસી રહેવું અથવા સુસ્ત સ્થિતિમાં રહેવું કેન્સરથી મૃત્યુના વધેલા જોખમ સાથે જોડાયેલું હતું. સતત નિષ્ક્રિયતાના દરેક વધારાના એક કલાક સાથે કેન્સરથી મૃત્યુનું જોખમ અંદાજે 10 ટકા વધતું જોવા મળ્યું. આ જોખમ ઘટાડવા માટે ભારે કસરત જ જરૂરી નથી. સતત બેસી રહેવાથી મેટાબોલિઝમ, ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને ઈન્ફ્લેમેશન સંબંધિત સમસ્યાઓ થતી હોવાનું સામે આવ્યું હતું. જો દરરોજ એક કલાક લાંબા સમય સુધી બેસી રહેવાને બદલે હળવી શારીરિક હિલચાલ જેમ કે સ્લો વોકિંગ, ઓફિસમાં કે ઘરમાં થોડું ફરવું, સીડી ચઢવી અથવા ઘરકામ કરવામાં આવે તો કેન્સરથી મૃત્યુનું જોખમ આશરે 12 ટકા ઓછું જોવા મળ્યું. જો એક કલાક કસરત કરવામાં આવે તો વધુ લાભ થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter